અરવલ્લી-મહીસાગરમાં વરસાદ, 11 જિલ્લામાં આગાહી:રાજકોટનું તાપમાન એકઝાટકે 3.7° ગગડ્યું; 6 દિવસ વાતાવરણ તોફાની રહેશે, UP-બિહારમાં વરસાદથી 48નાં મોત
ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પગલે આજે (30 મે) વહેલી સવારથી જ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કાળાડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેઘરાજાના આ ધમાકેદાર આગમનની સાથે જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે.
વરસાદી વાતાવરણને પગલે રાજ્યભરના તાપમાનમાં પારો ગગડ્યો છે, જેમાં ખાસ કરીને રાજકોટના મહત્તમ તાપમાનમાં એકઝાટકે 3.7 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 43.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે તોફાની વાતાવરણ રહેવાની ચેતવણી આપી હોવાથી, ખેડૂતોને પોતાના ઊભા પાક અને ઘાસચારાને સુરક્ષિત સ્થળે ખસેડી લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.
દેશમાં વરસાદ-વાવાઝોડાના કારણે 48નાં મોત
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાને કારણે 31 લોકોના મોત થયા છે. જ્યારે બિહારમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા-વરસાદ અને વીજળી પડવાથી 17 લોકોના મોત થયા છે.
છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1થી 4 ડિગ્રીનો ઘટાડો છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ ઘટાડો રાજકોટ શહેરમાં જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 43.6° સેલ્સિયસથી સીધું 3.7° ઘટીને 39.9°C થઈ ગયું છે. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં તાપમાન 44.7°Cથી 3.2°C ઘટીને 41.5°C અને ડીસામાં 42.2°થી 4.1°નો મોટો ઘટાડો થઈને 38.1° સેલ્સિયસ નોંધાયું છે. અમરેલીમાં 2.4°નો ઘટાડો (41.9°થી 39.5°), કંડલા એરપોર્ટ પર 2.4°નો ઘટાડો (40°થી 37.6°) અને કંડલામાં 1.3°નો ઘટાડો (37.8°થી 36.5°) થયો છે.
બીજી તરફ, રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 0.8° (43.5°થી 42.7°) અને અમદાવાદમાં 1.3° (44.4°થી 43.1°)નો ઘટાડો નોંધાતા લોકોને અસહ્ય ગરમીથી થોડી રાહત મળી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જ્યારે આખા રાજ્યમાં માત્ર દમણ અને પોરબંદર જ એવા બે વિસ્તારો છે, જ્યાં તાપમાન ઘટવાને બદલે સહેજ વધ્યું છે. ટૂંકમાં, દરિયાકાંઠાના વિસ્તારો સિવાયના અન્ય તમામ આંતરિક શહેરો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં પારો નોંધપાત્ર ગગડ્યો છે. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં હજુ 3થી 5°Cનો ક્રમિક ઘટાડો થવાની શક્યતા છે.
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને લાંબા સમયની અસહ્ય ગરમી તેમજ બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે 30 મેના રોજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના મુખ્ય મથક મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા સહિત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે.
ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ પર નજર કરીએ તો માલપુર નગર ઉપરાંત ભિલોડાના વાશેરાકંપા અને સુનોખ તેમજ મોડાસાના ઇસરોલ (ઇસરી), જીતપુર અને જીવણપુર પંથકમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પારો સતત ઊંચો રહેતો હતો અને લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે આ અચાનક આવેલા કમોસમી વરસાદના કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં વ્યાપી ગયેલી ઠંડકના કારણે સ્થાનિક રહીશોને ગરમીથી બહુ મોટી રાહત મળી છે.
મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વહેલી સવારથી જ વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત સમગ્ર જિલ્લા ભરમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાગ વાદળો ઘેરાયા હતા, જે બાદ કમોસમી વરસાદની ધીમી ધારે શરૂઆત થઈ છે. લુણાવાડા શહેર ઉપરાંત તેના ગ્રામીણ વિસ્તારોમાં પણ હાલમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે ખાનપુર, સંતરામપુર અને કડાણા (ગોધર) પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં શરૂ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જે અસહ્ય ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધી ગયું હતું, તેનાથી લોકોને ખૂબ મોટી રાહત મળી છે.
આગામી 6 દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
- 30 મે: આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશેબનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર તેમજ દમણ અને દાદરા નગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં 40થી 50 kmphની ગતિના તોફાની પવન, વીજળીના કડાકા અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દીવમાં પણ આવી જ સ્થિતિ રહેશે.
- 31 મેઃ ભારે વરસાદની ચેતવણીઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં 40થી 50 kmph ના પવન સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
- 1 જૂનઃ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદમહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, ખેડા સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ગાજવીજ અને 40થી 50 kmphના પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.
- 2 જૂનઃ પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદબનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં (વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ વગેરે) ઘણા સ્થળોએ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.
3 અને 4 જૂનની આગાહીઆ બે દિવસો દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર વગેરે), દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40થી 50 kmphની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.