1180 કરોડના કોકેઈન કેસમાં NIAની એન્ટ્રી:ઈન્ટરનેશનલ નાર્કો નેટવર્ક અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ થશે, દરિયામાં કૂદેલા આરોપી પાસે મહત્વની માહિતીની શક્યતા
ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા 118 કિલો કોકેઈનના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1180 કરોડ રૂપિયાના કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ તપાસમાં જોડાઈ છે. NIAની એન્ટ્રી સાથે હવે આ કેસ માત્ર ડ્રગ્સ સ્મગલિંગનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાર્કો સિન્ડિકેટ, વિદેશી કનેક્શન અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ સુધી પહોંચે તેવી શક્યતા વધી ગઈ છે.
તપાસ દરમિયાન એક આરોપી દરિયામાં કૂદી ફરાર થઈ ગયો હોવાને કારણે પણ અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે તેની પાસે ડ્રગ્સ નેટવર્કની મહત્વની માહિતી હોવાની શક્યતા છે. એટલું જ નહીં, ATSને મળેલા પેકટમાંથી એક પેકેટ હજુ સુધી મળ્યું નથી, જેના કારણે એ પેકેટ દરિયામાં ફેંકી દેવાયું હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે.
કોકેઈનનો જથ્થો દિલ્હી મોકલવાનો પ્લાન બનાવ્યો હતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બ્રાઝીલમાં લોડ કરાયેલો કોકેઈનનો જથ્થો અનેક દેશોના જળમાર્ગો પાર કરીને મુંદ્રા નજીક પહોંચ્યો હતો. આરોપીઓએ કાર્ગોશીપમાંથી નાની બોટ મારફતે જથ્થો બહાર કાઢી તેને દિલ્હી સુધી પહોંચાડવાનો પ્લાન બનાવ્યો હતો.
3ની ધરપકડ અને એક દરિયામાં કૂદ્યો ગુજરાત ATSએ દરિયામાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે દિલ્હીના દ્વારકામાં રહેતા બે વિદેશી નાગરિકોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. અન્ય એક આરોપી દરિયામાં કૂદી ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઓપરેશનમાં વિદેશી નાગરિકોની સંડોવણી સામે આવતા કેસની ગંભીરતા વધી છે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલની તપાસ NIAએ હવે તપાસ કરી રહી છે કે, આ જથ્થો માત્ર દિલ્હી સુધી પહોંચાડવાનો હતો કે પછી ભારતના અન્ય શહેરોમાં પણ તેનું નેટવર્ક ફેલાયેલું છે. સાથે સાથે આ કોકેઈન પાછળ કઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ કામ કરી રહી છે, તેનું ફંડિંગ ક્યાંથી થયું અને ભારતમાં તેનો રિસીવિંગ નેટવર્ક કોણ સંભાળી રહ્યું હતું તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.