રાજ્યમાં પ્રી-મોન્સૂન વરસાદ-વાવાઝોડાનો હાહાકાર, એકનું મોત:અમદાવાદમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ, વૃક્ષો ધારાશાયી; વડોદરામાં સોલાર પેનલો ઊડી; 4 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. 1 જૂનની રાત્રે અને 2 જૂનની વહેલી સવારે અમદાવાદ સહિત નવસારી, વલસાડ, બોટાદ, પાટણ, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તોફાની પવન, ધૂળની ડમરીઓ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે, પરંતુ વાવાઝોડાને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા અનેક શહેરો અને ગ્રામ્ય પંથકોમાં અંધારપટ છવાયો હતો. દક્ષિણ ગુજરાતમાં આ કમોસમી વરસાદના કારણે આંબાના પાક (કેરી) પર નિર્ભર ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે
દાહોદમાં વાવાઝોડાને કારણે 1નું મોત; બે ઈજાગ્રસ્ત દાહોદમાં સોમવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. ગરબાડા ચોકડી નજીક સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલું મહાકાય સાઈન બોર્ડ તેજ પવનમાં ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં ઉસારવણ ગામના ડુંગર ફળિયાના 60 વર્ષીય શક્કરિયા નિનામાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બે દિવસ પહેલાં નર્મદામાં મકાન ધરાશાયી થતા 11 વર્ષની બાળકીનું મોત થયું હતું, આમ છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ-વાવાઝોડાના કારણે બે લોકોના જીવ ગયાં છે.
અમદાવાદમાં મધ્યરાત્રે તોફાન, ફ્લાઇટ્સ ડાયવર્ટ અને વૃક્ષો ધરાશાયી અમદાવાદ શહેરમાં 1 જૂનની મોડી રાત્રે 10:00 વાગ્યા બાદ અને ત્યારબાદ મધરાતે 02:30 વાગ્યે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
પશ્ચિમ અમદાવાદમાં અંદાજે 1 ઈંચ સુધીનો વરસાદપશ્ચિમ અમદાવાદના પાલડી, સરખેજ, જુહાપુરા, બોપલ, SG હાઇવે, વાસણા, આશ્રમરોડ, ગોતા, ચાંદલોડિયા અને બોડકદેવમાં 0.5થી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉસ્માનપુરા, ચાંદખેડા, થલતેજ, જોધપુર, સેટેલાઈટ અને રાણીપમાં 0.5 ઇંચ જ્યારે પૂર્વ વિસ્તારના રામોલ, જશોદાનગર અને CTMમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. મણિનગર, નરોડા અને ઓઢવમાં અડધા ઇંચથી ઓછો વરસાદ હતો.
- 7 ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ કરાઈ, વૃક્ષો પડવાની 15 ફરિયાદખરાબ હવામાન અને વિઝિબિલિટી ઘટવાના કારણે અમદાવાદ આવતી 7 ફ્લાઇટ્સને સુરત એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરાઈ હતી. ફાયર બ્રિગેડને સવારે 06:00 વાગ્યા સુધીમાં સોનીની ચાલી, શાહઆલમ, બોડકદેવ, બોપલ, ઇસનપુર, વટવા, નવરંગપુરા, ઘાટલોડિયા, બાપુનગર અને મીઠાખળી સહિત 15 વિસ્તારોમાં વૃક્ષો પડવાની ફરિયાદો મળી હતી. સેટેલાઇટ રોડ પર કાર પર ઝાડ પડતાં ભારે નુકસાન થયું હતું અને રસ્તો બંધ થતાં સવારે વાહનોને BRTS કોરિડોરમાંથી પસાર કરવા પડ્યા હતા. બાપુનગર અનિલ સ્ટાર્ચ રોડ પર સ્ટ્રીટ લાઈટનો પોલ ધરાશાયી થયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.વાવાઝોડાના વડોદરામાં સોલાર પેનલો હવામાં ઊડી, ગોધરામાં રસ્તા ધોવાયા વડોદરાના વાસણા-ભાયલી રોડ પર આવેલી ‘અર્થ આર્ટિકા સોસાયટી’માં ભારે વાવાઝોડાના કારણે ધાબા પર ફિટ કરેલી સોલાર પેનલો ઉખડીને નીચે ખાબકી હતી, જેમાં મોટું આર્થિક નુકસાન થયું છે, પરંતુ તમામ રહીશો સુરક્ષિત છે.
તો બીજી તરફ પંચમહાલના ગોધરામાં રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદને કારણે આનંદનગર વિસ્તારમાં નિર્માણાધીન પૂલ નજીકનો કામચલાઉ ડાયવર્ઝન રોડ મોટાપાયે ધોવાઈ ગયો છે. માટી વહી જતાં રસ્તો જોખમી બન્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને આનંદનગર-કનેલાવ રોડનો ઉપયોગ ન કરવા અને તેના બદલે ITI તથા શામળાજી કોલેજવાળા વૈકલ્પિક રૂટ પરથી પસાર થવા કડક સૂચના અપાઈ છે.
પાટણ અને મહીસાગર: પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પાટણમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાતા તીવ્ર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે રાહદારીઓ ફસાયા હતા. ત્યારબાદ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તીવ્ર પવનથી લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં લાંબો અંધારપટ છવાયો હતો.
મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાઈ ગઈ છે. સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ છે કે MGVCL દર મંગળવારે મેન્ટેનન્સના નામે કલાકો સુધી પાવર કાપ કરે છે, છતાં ચોમાસાના પ્રથમ સામાન્ય વાવાઝોડામાં જ ફીડરો ખોરવાઈ જતાં પ્રી-મોન્સૂનની નબળી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
નવસારી, વલસાડ અને બોટાદ: મિની વાવાઝોડું
- નવસારીમાં મળસ્કે 03:00 વાગ્યાની આસપાસ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ગરમીથી રાહત મળી પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી.
- વલસાડમાં મોડી રાત્રે મિની વાવાઝોડું ફૂંકાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ક્ષણભર માટે પાવર સપ્લાય બંધ થયા બાદ તુરંત પૂર્વવત કરાયો હતો.
- બોટાદમાં વહેલી સવારે પાળીયાદ રોડ, ટાવર રોડ, ગઢડા રોડ તેમજ ગ્રામ્ય પંથકના બરવાળા, સાળંગપુર, પાળીયાદ અને રાણપુર તાલુકાના નાગનેશ અને દિવળિયામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમીધારે ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.
-
તાપમાન અને આગામી 5 દિવસની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ રીઝિયનમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આજથી 2 દિવસ દિવસ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી દરમિયાન પવનની ઝડપ 40થી 50 કિમી પ્રતિ કલાક આસપાસ રહેશે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેનાથી ગરમીમાં રાહત મળશે.
અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં થંડરસ્ટોર્મ સાથે હળવોથી મધ્યમ વરસાદી સ્પેલ જોવા મળી શકે છે.
-
પવનની ગતિ અંગે ચેતવણી
- 1થી 6જૂન: અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, ભુજ અને દીવ સહિતના બાકીના તમામ જિલ્લાઓમાં 40થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.
- 6થી 8 જૂન: સમગ્ર રાજ્યમાં પ્રી-મોન્સૂન સિસ્ટમ નબળી પડતાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.
-
વરસાદની આગામી આગાહી
- 1થી 3 જૂન: ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં (જામનગર-પોરબંદર સિવાય) છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહેશે.
- 3થી 4 જૂન: વરસાદનો વ્યાપ વધશે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.
- 4થી 6 જૂન: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેશે.