શાહના હુંકારના 5મા દિવસે વીણી-વીણીને બાંગ્લાદેશીઓને પકડવાનું શરૂ:અમદાવાદમાં 166 બાંગ્લાદેશી પકડાયા, અહીં જે પૈસા કમાતા એ વાયા કોલકાતા બાંગ્લાદેશ મોકલતા
28 મે, 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના હુંકારના 5માં દિવસે જ એટલે કે ગઇકાલે(2 જૂન )ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે.
અમદાવાદમાં 166 બાંગ્લાદેશી પકડાયા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અહીં જે કમાતા એ પૈસા આંગિડયા મારફતે કોલકાતા મોકલતા અને ત્યાંથી બાંગ્લાદેશ જતા હતા. સાથે જ કેટલીક મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી પણ પૈસા બાંગ્લાદેશ મોકલાતા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં 300 શકમંદની અટક, 166 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ અમદાવાદમાં ગઇકાલે(2 જૂન) મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર અમદાવાદની સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 300 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 166 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે, હાલ અન્ય 160 લોકોની પૂછપરછ શરૂ છે. શંકાસ્પદ લોકોને ક્રાઈમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી હતી. તમામ શકમંદ અને પુષ્ટિ થયેલ બાંગ્લાદેશીઓને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા છે.
ચંડોળામાં કાર્યવાહી બાદ અનેક શંકાસ્પદો અલગ અલગ વિસ્તારમાં વિખેરાયા હતા ગઇકાલે સવારે શરૂ થયેલું પોલીસનું સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું અને શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેર-ઠેર દરોડા, પૂછપરછ, દોડધામ અને અટકાયતોના દ્રશ્યો જોવા મળ્યા હતા. વર્ષોથી ગેરકાયદેસર રીતે શહેરમાં છુપાઈને રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો મેદાનમાં ઉતરી હતી. પોલીસના સૂત્રો મુજબ, ચંડોળા વિસ્તાર પર અગાઉ થયેલી કાર્યવાહીઓ બાદ અનેક શંકાસ્પદ લોકો શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિખેરાઈ ગયા હતા અને પોતાની ઓળખ બદલીને રહેવા લાગ્યા હતા.
ગેરકાયદેસર રીતે રહેતા લોકો એક જ વિસ્તારમાં રહેવાનું ટાળી રહ્યા છે પોલીસ અધિકારીઓનું માનવું છે કે ચંડોળા વિસ્તારમાં સતત ચાલતી કાર્યવાહીઓ બાદ ગેરકાયદેસર રીતે રહેતા લોકો એક જ વિસ્તારમાં રહેવાનું ટાળી રહ્યા છે. તેઓ હવે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, હોટલો, કામદારોના રહેઠાણો અને વ્યાવસાયિક સ્થળોમાં પોતાની ઓળખ બદલીને રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જ કારણસર હવે પોલીસ માત્ર ચંડોળા સુધી મર્યાદિત નહીં રહેતા સમગ્ર શહેરમાં એકસાથે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
વટવા, રામોલ, ઓઢવ, નિકોલ, નરોડા, દાણીલીમડામાં સર્ચ ગઇકાલે વટવા, રામોલ, ઓઢવ, નિકોલ, નરોડા, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં એકસાથે ઓપરેશન શરૂ કરાયું હતું. પોલીસના વાહનો, અધિકારીઓના કાફલા અને સતત ચેકિંગને કારણે અનેક વિસ્તારોમાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ક્યાંક હોટલોમાં તપાસ ચાલી રહી હતી તો ક્યાંક ભાડાના મકાનોમાં રહેતા લોકોના દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા હતા.
તાળું મારી સંચાલક ફરાર, અંદર યુવતીઓ, બહાર પોલીસ ઓઢવ વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ કોમ્પલેક્સમાં જ્યારે એસઓજીની ટીમ પહોંચી ત્યારે ત્યાંના કેટલાક સ્પા સેન્ટરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું કે કેટલાક સ્પા સેન્ટરોમાં બાંગ્લાદેશી યુવતીઓ કામ કરતી હતી. પોલીસ પહોંચે તે પહેલાં જ એક સ્પા સંચાલક સ્થળ છોડીને ભાગી ગયો હતો અને સ્પા સેન્ટરને બહારથી તાળું મારી દીધું હતું. અંદર રહેલી યુવતીઓ બહાર નીકળવાના રસ્તા શોધી રહી હતી ત્યારે પોલીસ તાળું તોડવાના પ્રયાસમાં લાગી હતી. આ દરમિયાન જે બન્યું તે ફિલ્મી દ્રશ્યો જેવું હતું. સ્પાની બારીમાંથી યુવતીઓ બહાર નીકળવા લાગી હતી. કેટલાક લોકોએ તેમને નીચે ઉતરવા માટે સીડી પણ મૂકી આપી હતી. જેના કારણે કેટલીક યુવતીઓ પોલીસ પહોંચે તે પહેલાં જ નાસી છૂટવામાં સફળ થઈ હોવાનું જાણવા મળ્યું છે.