ગુજરાત સહિત 24 રાજ્યમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ:મહીસાગરમાં વાવાઝોડું, વાહનો પલટ્યાં; સાબરકાંઠા વીજળી પડતા યુવકનું મોત, ચોમાસું આજે કેરલમ પહોંચશે
ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બુધવારે સાબરકાંઠા જિલ્લાના પોશીના અને વિજયનગર તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં પોશીનાના દાંતિયા ગામે વીજળી પડતા 17 વર્ષીય વિક્રમ માલાભાઈ તરારનું મોત થયું હતું. તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સાંજના સમયે અચાનક આવેલા વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે. અનેક કાચા મકાનોના છાપરા ઉડી ગયા છે, જ્યારે વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થતા જનજીવન પ્રભાવિત બન્યું છે. વાવાઝોડાના કારણે વાહનો પણ પલટી ગયાં હતાં.
તો બીજી તરફ ગરમીથી થોડી રાહત મળ્યાં બાદ ફરી રાજ્યના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થયો છે. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.9°C અને અમરેલીમાં 41.7°C નોંધાયું છે. અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 40.2°C નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરીઓ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પ્રચંડ પવન સાથે વરસાદી માહોલ જામશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. અરેબિયન સમુદ્ર, લક્ષદ્વીપ અને કેરળના કેટલાક ભાગોમાં ચોમાસું વધુ આગળ વધવાની સંભાવના છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં પણ મોટા ફેરફારો જોવા મળશે.
હવામાન વિભાગએ ગુજરાત, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત 24 રાજ્યોમાં આગામી દિવસો સુધી વરસાદ, વાવાઝોડા અને તેજ પવનોની સંભાવના વ્યક્ત કરી છે.
ચોમાસું આજે સાંજ સુધીમાં કેરલમ પહોંચી શકે છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દાવો કર્યો છે કે ચોમાસાના પવનો આજે સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે કેરળમાં પ્રવેશી શકે છે. આ માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. કેરળ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે.