Loading...

ટ્રક-કાર વચ્ચે ભયાનક ટક્કર, પોરબંદરના શિક્ષકનું મોત:4 વર્ષના બાળક સહિત 3 ગંભીર, ધંધુકા-રાણપુર રોડ પર પરિવારની નજર સામે જ ઘરનાં મોભીનું મોત થતાં ચીસાચીસ થઈ

અમદાવાદ જિલ્લાના ધંધુકા-રાણપુર રોડ પર આજે (4 જૂન) એક કાળજું કંપાવી દેનારો ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. કિશાન જીન નજીક એક બેકાબૂ ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી ધડાકાભેર ટક્કરમાં કારના કુરચેકુરચા ઉડી ગયા હતા.

આ ભયાનક દુર્ઘટનામાં 35 વર્ષના યુવાન શિક્ષકનુું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મૃતકની પત્ની અને માસૂમ પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શાળાનું વેકેશન પૂરું થતાં ભોગ બનનાર પરિવાર સામાન ભરીને પોરબંદરથી નોકરીના સ્થળે લીમખેડા જઈ રહ્યો હતો ત્યારે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો.

  1. મોહન પરબતભાઇ વાસણ (ઉં.વ.35)

ઇજાગ્રસ્તોના નામ

  1. લક્ષ્મી મોહનભાઈ વાસણ (પત્ની, ઉં.વ.30)
  2. જાસ્મિન મોહનભાઈ વાસણ (પુત્ર, ઉં.વ.04)
  3. ધનંજય (મૃતકના મામાનો દીકરો) (તમામ રહે. અમીપુર ગામ, તા.કુતિયાણા, જિ.પોરબંદર)

પરિવારે નજર સામે જ મોભી ગુમાવતાં ચીસાચીસ મચી

અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. જ્યારે સ્થાનિક લોકો અને ઇમરજન્સી સેવાઓ દ્વારા તમામ ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પરિવારે નજર સામે જ મોભી ગુમાવતાં ચીસાચીસ મચી ગઈ હતી.

શાળા ખુલવાની હોવાથી સામાન સાથે પરત ફરી રહ્યો હતો પરિવાર

મળતી વિગતો અનુસાર, મૂળ પોરબંદર જિલ્લાના અમીપુરા ગામના વતની મોહન પરબતભાઇ વાસણ (ઉં.વ. 35) દાહોદ જિલ્લાના લીમખેડા નજીક આવેલા એક ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. ઉનાળુ વેકેશન પૂરું થતાં અને શાળાઓ પુનઃ શરૂ થવાની હોવાથી, મોહનભાઈ પોતાના પરિવાર સાથે ઘરવખરીનો સામાન લઈને પોરબંદરથી લીમખેડા જવા નીકળ્યા હતા.

તેમની સાથે કારમાં પત્ની, પુત્ર અને મામાનો દીકરો સવાર હતા, જ્યારે સામાન ભરેલી બીજી ગાડીમાં ચિરાગ નામનો યુવક પાછળ આવી રહ્યો હતો.

108 અને પોલીસકાફલો ઘટનાસ્થળે દોડ્યો

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક જાણ કરાતા ધંધુકાની 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. 108ની ટીમે લોહીલુહાણ હાલતમાં રહેલા ત્રણેય ઇજાગ્રસ્તને ધંધુકા RMS હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ત્રણેયની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા છે.

આ સાથે જ 112 પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે ભારે જહેમત બાદ હળવો કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.