Loading...

મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા, 4 મોટા મંત્રીઓએ રાજીનામુ આપવું પડશે, જાણો કેમ?

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં  ફેરબદલની અટકળો તેજ થઈ ગઈ છે. કોઈપણ દિવસે કેબિનેટ વિસ્તરણના સમાચાર સામે આવી શકે છે. કેન્દ્રમાં નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવી શકે છે. ભાજપે તાજેતરમાં જ ઘણા રાજ્યો માટે પ્રદેશ અધ્યક્ષના નામોનું એલાન કર્યું છે. ત્યારબાદ હવે રાજ્યસભા ચૂંટણી માટે પણ 11 નામોનું એલાન કરી દીધું છે. આ બંને જ યાદી જોયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચાર મંત્રીઓની છૂટ્ટી નક્કી થઈ ગઈ છે. જેમાંથી બે મંત્રીઓને તો નવી જવાબદારી સોંપાઈ ગઈ છે, જ્યારે બાકીના બે મંત્રીઓની આગામી ભૂમિકા હાલમાં સ્પષ્ટ નથી.

મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા

તમને જણાવી દઈએ કે, ભાજપે ગઈકાલે વિવિધ રાજ્યોમાં યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં બે કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ કરવામાં નથી આવ્યા. જેમાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને જોર્જ કુરિયનના નામ સામેલ છે. નરેન્દ્ર મોદી કેબિનેટમાં એકમાત્ર ખ્રિસ્તી મંત્રી જોર્જ કુરિયન મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ છે.

પંજાબ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુને ભાજપે રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા. આ બંને જ મંત્રીઓનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, તેમ છતાં ભાજપે તેમને ફરી તક નથી આપી. આ ઘટના બાદ હવે એવી ચર્ચા તેજ થઈ ગઈ છે કે આગામી કેબિનેટ વિસ્તરણમાં બંને મંત્રીઓએ પોતાનું પદ છોડવું પડી શકે છે.

આ મંત્રીઓએ રાજીનામું આપવું પડશે

આ પહેલા બે જુનિયર મંત્રીઓને સંગઠનમાં પહેલાથી જ મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે. ભાજપે પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. જ્યારે બીજી તરફ હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે. ભાજપમાં 'એક વ્યક્તિ, એક પદ'નો નિયમ સખ્તીથી લાગુ કરવામાં આવે છે. આ બાબતને જોતા એ સ્પષ્ટ છે કે આગામી કેબિનેટ વિસ્તરણમાં આ બંને મંત્રીઓએ રાજીનામું આપવું પડશે અને તેમની જગ્યાએ ભાજપ નવા ચહેરાઓને તક આપી શકે છે.

તમને જણાવી દઈએ કે, સંસદના નિયમ પ્રમાણે 21 જૂનના રોજ કાર્યકાળ સમાપ્ત થયા બાદ પણ આ મંત્રીઓએ વધુમાં વધુ 6 મહિનામાં લોકસભા અથવા રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈને આવવું પડશે. આ સમયગાળા દરમિયાન તેઓ મંત્રી પદ પર રહી શકે છે.