રાજ્યમાં પાઠય પુસ્તકોના ભાવમાં કોઈ વધારો નહીં થાય:મોંઘવારીના ડામ વચ્ચે વાલીઓને મોટી રાહત, વહેલી તકે પુસ્તકો પુરા પાડવા તૈયારીઓ પૂરજોશમાં
ઇરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સહિત પેટ્રોલ ડીઝલ પર થઈ છે અને તેના ભાવમાં તબક્કાવાર વધારો થયો છે. આવી જ અસર વિદેશથી આયાત થતી દરેક ચીજ વસ્તુઓમાં થાય છે. પુસ્તકો માટેના કાગળ પણ વિદેશથી આવે છે. તેના ભાવમાં પણ વધારો થયો છે. પરંતુ તેનો બોજ વાલીઓ પર ન પડે તે હેતુસર ગુજરાત સરકારે પાઠય પુસ્તકોમાં ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય કર્યો હોવાનું પાઠય પુસ્તક બોર્ડના કાર્યવાહક ચેરમેન મનુભાઈ પાવરાએ જણાવ્યું છે.
આગામી 8 જૂનના રોજ સ્કૂલોમાં વેકેશન ખુલી રહ્યું છે. જેથી વાલીઓ પણ પુસ્તકો સહિતની ખરીદીમાં વ્યસ્ત છે. હાલ નોટબુક અને સ્ટેશનરી સહિતની વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. જો કે રાજ્ય સરકારના આ નિર્ણયથી મોંઘવારમાં થોડી ઘણી રાહત મળશે.
‘પુસ્તકો વહેલી તકે મળી રહે તેવી તૈયારીઓ’ મનુભાઈ પાવરાએ કહ્યું કે, જૂના ભાવથી જ બોર્ડના પુસ્તકો વાલીઓને મળશે. જો કે તેમણે વધુમાં સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે હાલની સ્થિતિના કારણે પુસ્તકો વહેલી તકે વિદ્યાર્થીઓને મળી રહે તેવી બોર્ડ તરફથી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેની તડામાર કામગીરી ચાલી રહી છે. તેમ છતાં થોડો વિલંબ થવાની શક્યતા છે. પરંતુ વાલીઓને ઓનલાઇન દરેક પુસ્તકો તો જોવા મળશે.
રો-મટિરિયલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઉછાળો પાઠ્યપુસ્તકો અને નોટબુક્સ બનાવવા માટે વપરાતા મુખ્ય રો-મટિરિયલ એટલે કે કાચા કાગળના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઉછાળો આવ્યો છે. આ સિવાય બહારથી મંગાવવામાં આવતા કાચા માલ અને ઈંધણના મોંઘા દરને કારણે લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ખાસ્સો વધી ગયો છે. જેની સીધી અસર પાઠ્યપુસ્તકોના ભાવ પર પણ પડે તેમ હતી. જો કે આ વખતે સરકારે આ ભાવ વધારો ન કરવાનો નિર્ણય લીધો છે.
નોટ બુકના ભાવ 40થી વધીને 60એ પહોંચ્યા હાલ સામાન્ય જે નોટબુક 30 થી 40 રૂપિયાની મળતી હતી તેના ભાવ વધીને 55 થી 60 રૂપિયા થઇ ગયા છે. જેને કારણે વાલીઓ પર આર્થિક બોજ પડ્યો છે. પેપરના કિલોએ 8 થી 10 રૂપિયા ભાવ વધારો થઇ ગયો છે. આ સાથે જ કમ્પાસ બોક્ષ, બોલપેન, અને નોટબુકના ભાવ વધ્યા છે.
ખાનગી પ્રકાશકોએ 25 ટકા સુધી વધારો કર્યો આ તમામ પરિબળો સંયુક્ત રીતે ભેગા મળવાને કારણે ખાનગી પ્રકાશનો (Private Publications) દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ વિષયોની ગાઈડ અને રેફરન્સ બુક્સના ભાવમાં સીધો 20% થી 25% ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જે વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
અન્ય બોર્ડના સત્તાવાર પાઠ્યપુસ્તકોની કિંમતોમાં 10% જેટલો ભાવવધારો બીજી તરફ સરકારી અને ખાનગી શાળાઓમાં ચાલતા NCERT તેમજ અન્ય બોર્ડના સત્તાવાર પાઠ્યપુસ્તકોની કિંમતોમાં પણ આ વર્ષે અંદાજે 10% જેટલો ભાવવધારો અમલી કરી દેવામાં આવ્યો છે. માત્ર વાંચવાના પુસ્તકો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે રોજેરોજ જરૂરી એવી નોટબુક્સ, ફૂલસ્કેપ બુક્સ અને અન્ય સ્ટેશનરીની નાની-મોટી વસ્તુઓમાં પણ 15% થી 20% ટકાનો તોતિંગ ભાવવધારો જોવા મળી રહ્યો છે.