પંજાબના ફિરોઝપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા
પંજાબના ફિરોઝપુરમાં ફાઝિલ્કા રોડ પર આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. જંગા વાળા વળાંક નજીક એક પિકઅપ ગાડી અને ટ્રક વચ્ચે થયેલી સામસામે ભીષણ ટક્કરમાં 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપ ગાડીનો કુરચો બોલી ગયો હતો.
સ્વજનની અસ્થિઓ વિસર્જન કરવા જતો હતો પરિવાર
પ્રાપ્ત વિગતો અનુસાર, આ પિકઅપ ગાડીમાં સવાર તમામ લોકો એક જ પરિવાર અને સગા-સંબંધીઓ હતા. તેઓ પરિવારના એક મૃતક સભ્યની અસ્થિઓ વિસર્જન કરવા માટે જલાલાબાદથી અમૃતસરના બિયાસ તરફ જઈ રહ્યા હતા. ગાડી જ્યારે જંગા વાળા વળાંક પાસે પહોંચી, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.
વહેલી સવારે 3.30 વાગ્યે નીકળ્યા અને સર્જાયો કાળોકેર
પિકઅપ ગાડીમાં સવાર અંશપ્રીત નામના યુવકે જણાવ્યું કે, સવારે 3:30 વાગ્યે તેઓ ઘરની બહાર અસ્થિઓ લઈને નીકળ્યા હતા. ગાડીમાં આશરે 30 જેટલા લોકો સવાર હતા. રસ્તામાં એક પેટ્રોલ પંપ પરથી ઇંધણ ભરાવ્યા બાદ તેઓ જેવા જ જનગાંવ વાળા વળાંક પાસે પહોંચ્યા, ત્યારે રસ્તાની વચ્ચે ઉભેલી ટ્રક સાથે તેમની પિકઅપ ધડાકાભેર અથડાઈ પડી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડી પલટી મારી ગઈ હતી. પિકઅપની ઉપર લોખંડના પતરાની છત બનાવેલી હતી, જેની નીચે બેઠેલા લોકો અંદર જ ચગદાઈ ગયા હતા.
સ્થાનિક લોકોએ શરૂ કર્યું રાહત કાર્ય
અકસ્માત થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી અને પિકઅપ ગાડીના લોખંડના ભાગોને કટર વડે કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી (CMO) ડૉ. નિખિલ ગુપ્તાના જણાવ્યા અનુસાર, અનેક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ફરીદકોટની 'ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ' ખાતે રેફર કરવામાં આવ્યા છે.
ક્રેન વડે વાહનો હટાવી ટ્રાફિક ક્લિયર કરાયો
બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી, મૃતકોની ઓળખ કરવા સહિત અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ભયાનક અકસ્માતના સમાચાર મળતા જ પીડિત પરિવારોના ગામમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.