Loading...

ગુજરાતમાં પ્રજા રામભરોસે, નગરપાલિકાઓ લોનભરોસે... 152 પાલિકા દેવાના ડુંગરતળે દબાઈ

એક તરફ, ગુજરાત સરકાર વિકાસના ઉત્સવો ઉજવવામાં મશગૂલ છે ત્યારે બીજી તરફ, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આર્થિક સ્થિતિ વેન્ટિલેટર પર આવી ગઈ છે. દેવું કરીને ઘી પીવાની સરકારી નીતિને લીધે આજે ગુજરાતની 152 પાલિકાઓ દેવાના ડુંગર તળે દબાઈ ચૂકી છે. સ્થિતિ તો એટલી હદે વણસી છે કે, પ્રજાને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડતી નગરપાલિકાઓનું રૂ. 148 કરોડનું પાણીનું બિલ બાકી બોલે છે. આ આંકડો જ સાબિત કરે છે કે, સરકારી તિજોરી તળિયા ઝાટક થઈ છે અને કહેવાતો વિકાસ માત્ર કાગળ પર જ ચમકી રહ્યો છે.

પાણીના બિલ ચૂકવવા સરકારની લોન

મોભાદાર ગણાતી મોટાભાગની નગરપાલિકાઓએ પાણીના બિલ ચૂકવવા માટે ખુદ સરકારે લોન આપવી પડી છે. લોન લેતી વખતે સરકારે ખાસ તાકીદ કરી હતી પરંતુ વાસ્તવિકતા એ છે કે, ઘણી પાલિકાઓએ હજુ સુધી લોનનો એક પણ હપ્તો ભર્યો નથી. મફતનું મેળવીને જલસા કરવાની આ રાજકીય માનસિકતાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આઈસીયુમાં ધકેલી દીધી છે. ખાલી તિજોરીએ વહીવટ કરવો હવે અધિકારીઓ માટે લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે.

ચૂંટણી પૂરી થતાં જ સરકારની બેવડી નીતિ

સરકારની બેવડી નીતિનો પર્દાફાશ એ વાતથી થાય છે કે જ્યાં સુધી ચૂંટણીઓ ચાલતી હતી, ત્યાં સુધી જનતાને રાજી રાખવા માટે સરકારે મૌન ધારણ કર્યું હતું. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પતી અને વોટબેંકનું રાજકારણ સેટ થયું, એટલે તરત જ સરકારે આકરા આદેશો છૂટા કર્યા છે કે, 'હવે જનતા પાસેથી કડક ઉઘરાણી શરૂ કરો!' તેનું કારણ એ છે કે, ભાજપના શાસકો સત્તા તો મેળવી લીધી પણ હવે ખાલી તિજોરીએ વહીવટ કરવો અઘરો થયો છે. વાહવાહી લૂંટવામાં મોખરે રહેતી સરકારે હવે નગરપાલિકાઓને અપાતી વિકાસની ગ્રાન્ટોમાં સરકારે કાતર ફેરવવાનું શરૂ કરી દીધું છે.

બજેટ અને ગ્રાન્ટમાં ધરખમ કાપ

કલ્યાણકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓ માટે જે બજેટ ફાળવવાનું હતું, તેમાં ધરખમ કાપ મુકાઈ રહ્યો છે, સવાલ એ થાય છે કે જો ગ્રાન્ટો જ કાપી નાખવામાં આવશે, તો ચોમાસામાં તૂટેલા રસ્તા, સ્ટ્રીટ લાઈટો કે ગટર સહિતની સુવિધાઓ કયા પૈસાથી ઠીક થશે? 148 કરોડનું પાણીનું બિલ બાકી હોવું એ કોઈ સામાન્ય બાબત નથી. આ વહીવટી નિષ્ફળતાની પરાકાષ્ઠા છે. એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીના બણગાં ફૂંકાય છે અને બીજી તરફ નગરપાલિકાઓ પાસે પાણીનું બિલ ચૂકવવાના નાણાં નથી. સરકારી ઉત્સવો પાછળ પાણીની જેમ પૈસા વહાવતી સરકાર પોતાની જ પાલિકાઓને આત્મનિર્ભર બનાવવામાં નિષ્ફળ નીવડી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ જનતા પર હવે ‘ટેક્સ સ્ટ્રાઇક’

વહીવટ રામભરોસે ચાલતો હોય તેવી નગરપાલિકાઓની આ આર્થિક સ્થિતિ કથળી છે. 151 નગરપાલિકાઓને કરોડોની ગ્રાન્ટ આપ્યા પછી પણ વિકાસ જાણે ખોવાઈ ગયો છે. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ છે ત્યારે સરકાર વેરા વસૂલાત ઝુંબેશના નામે પ્રજા પર તૂટી પડવા તૈયાર થઈ છે. સ્થાનિક નેતાઓ અને તંત્રની ઢીલી નીતિને કારણે ટેક્સ ઉઘરાવવામાં નિષ્ફળ ગયેલી સરકાર હવે વધારાના સક્ષમ અધિકારીની ફોજ ઉતારશે. હવે સરકારે વેરા ઉઘરાણીનું મોનિટરિંગ કરશે અને કાયદાનો ડર બતાવીને વેપારીઓ-નાગરિકો પાસેથી પૈસા કઢાવશે. ગુનેગારો ભલે છૂટા ફરે, પણ ટેક્સ ન ભરનાર નાગરિક સામે તો કાયદાકીય હથિયાર ઉગામવા પણ તૈયાર છે.

 

કઈ કઈ પાલિકાના પાણી બિલના કેટલા નાણા બાકી?

પાલિકા                                    બાકી રકમ

વિરમગામ                                 ૬.૧૬ કરોડ                                       

સાણંદ                                      ૧.૨૪ કરોડ

ધ્રાંગધ્રા                                      ૧૭.૧૮ કરોડ

ચોટિલા                                     ૨.૬૩ કરોડ

ગોંડલ                                       રૂ.૩.૬ કરોડ

બોટાદ                                      ૪૧.૧૭ કરોડ

ઉંઝા                                        ૧૮.૯૫ કરોડ

મોડાસા                                    ૩.૨૯ કરોડ

અંજાર                                       રૂ.૪૦ કરોડ

ખંભાત                                     રૂ. ૧૪ કરોડ

ભચાઉ                                      રૂ.૧૯ કરોડ

રાધનપુર                                   રૂ. ૧૩ કરોડ

પાટણ                                       રૂ.૩૮ કરોડ

પાલનપુર                                  રૂ.૩૭ કરોડ

હિમતનગર                                રૂ. ૩ કરોડ

ઇડર                                       રૂ. ૧.૫૦ કરોડ