Loading...

અમદાવાદ: બોપલમાં પાડોશી સાથે ઝઘડામાં પોલીસના ડરથી ભાગવા જતાં યુવકનું ચોથા માળેથી પટકાતા મોત, મૃતક સામે ગુજસીટોકના ગુના નોંધાયેલા

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પાડોશીઓ વચ્ચે થયેલી માથાકૂટમાં પોલીસના ડરથી ભાગવા જઈ રહેલો એક યુવક ચોથા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. આશ્ચર્યજનક બાબત એ છે કે, મૃતક યુવક ગુનાઈત ઇતિહાસ ધરાવતો હતો અને તેની વિરૂદ્ધ ગુજસીટોક (GUJCTOC) જેવા ગંભીર કાયદા હેઠળ પણ ગુના નોંધાયેલા હતા.

પાડોશી સાથેની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

મળતી માહિતી અનુસાર, બોપલ વિસ્તારના ફ્લેટમાં બે પાડોશીઓ વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. મામલો બિચકતા આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઝગડો અને મારામારી કરી રહેલા મહાવીરસિંહ નામના યુવકને જેવી ખબર પડી કે પોલીસ આવી રહી છે, કે તરત જ તેણે ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. ચોથા માળેથી ઉતરતા જ અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે સીધો નીચે પટકાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મૃતક વિરૂદ્ધ ગુજસીટોક સહિતના 5 ગુના નોંધાયેલા હતા

મળતી માહિતી અનુસાર, મૃતક મહાવીરસિંહ અગાઉ અનેક ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. તેની સામે ગુજસીટોક સહિત કુલ 5 જેટલા ગંભીર પોલીસ કેસ નોંધાયેલા હતા. નોંધનીય છેકે, અગાઉના ગુનાઓને કારણે પોલીસ પકડાઈ જશે તેવા ડરથી તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. હાલ આ મામલે બોપલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.