રશિયાથી મિત્રતા ભારે પડશે! ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની યુરોપિયન યુનિયનની તૈયારી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુરોપીયન યુનિયન (EU) હવે રશિયાને આર્થિક રીતે નબળું પાડવા માટે એક બહુ મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. રશિયાની યુદ્ધની કમાણી અને તેની આર્થિક શક્તિને તોડવા માટે EU દ્વારા 21મા પ્રતિબંધ પેકેજનો નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ નવા આકરા નિયમોની સીધી અસર ભારતની કેટલીક કંપનીઓ પર પણ પડી શકે તેમ છે.
આક્ષેપ છે કે ભારત, ચીન અને UAE સહિત 6 દેશોની આશરે 50 જેટલી કંપનીઓ રશિયાને આડકતરી રીતે મદદ કરી રહી છે, જેથી યુરોપીયન યુનિયન હવે આ કંપનીઓ પર નિકાસ પ્રતિબંધ (એક્સપોર્ટ કંટ્રોલ) લાદવાની તૈયારીમાં છે. યુરોપીયન કમિશનના વાઇસ પ્રેસિડેન્ટ કાજા કલાસે આ અંગે જણાવ્યું છે કે, બ્રસેલ્સ છેલ્લા બે વર્ષમાં રશિયા વિરુદ્ધ આ અત્યાર સુધીનો સૌથી મોટો અને સૌથી કડક પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. જોકે, આ નિયમોને સત્તાવાર રીતે લાગુ કરતાં પહેલાં યુરોપીયન સંઘના તમામ સભ્ય દેશો સાથે તેની ચર્ચા કરવામાં આવશે અને તેમની મંજૂરી લેવામાં આવશે.
ભારત સહિત આ 6 દેશોની કંપનીઓ રડારમાં
આ નવા પ્રતિબંધ પેકેજનો મુખ્ય વ્યૂહાત્મક હેતુ રશિયાના સૈન્ય-ઔદ્યોગિક માળખાને નબળો પાડવાનો અને યુદ્ધ માટે થઈ રહેલા ફંડિંગને અટકાવવાનો છે. એક્સપોર્ટ બૅનનો સામનો કરી રહેલી 50 કંપનીઓની યાદીમાં ભારત ઉપરાંત ચીન, તુર્કિયે, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોની કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત, ડ્રોન મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી 30થી વધુ નવી સંસ્થાઓ અને કંપનીઓને પણ આ બ્લેકલિસ્ટમાં ઉમેરવામાં આવી છે.
બેન્કો અને ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ્સ પર મોટો એક્શન પ્લાન
રશિયાને વર્તમાન પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરનારા દેશોની બેંકો, હથિયાર બનાવતી કંપનીઓ, ઓઇલ ટ્રેડર્સ, રિફાઇનરીઓ અને ક્રિપ્ટો ઓપરેટરોને આ પ્રસ્તાવમાં સીધા નિશાન બનાવવામાં આવ્યા છે. અંદાજે 90 જેટલી બેંકોની અસ્કયામતો (પ્રોપર્ટી) ફ્રીઝ કરવામાં આવી શકે છે. આ સિવાય, રશિયા અને અન્ય દેશોની 30થી વધુ બેંકોના ટ્રાન્ઝેક્શન પર કડક નજર રાખવામાં આવશે. આ પેકેજ અંતર્ગત 11 જેટલા ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ્સ દ્વારા થતા નાણાકીય વ્યવહારો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી છે.
રશિયાની કમાણી અને ટ્રાન્સપોર્ટ નેટવર્ક પર પણ તરાપ
રશિયાને આર્થિક મોરચે ઘેરવા માટે યુરોપીયન સંઘે તેના એનર્જી રેવેન્યુ (ઊર્જા આવક) પર મોટો પ્રહાર કર્યો છે. ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ પર પહેલા કરતા વધુ કડક નિયંત્રણો લાદવામાં આવશે. રશિયાના ‘શેડો ફ્લીટ’ (ગુપ્ત જહાજોના કાફલા) સાથે જોડાયેલા અન્ય 30 જહાજો પર પણ પ્રતિબંધનો પ્રસ્તાવ છે. સાથોસાથ, રશિયાના 2 દરિયાઈ બંદરો અને 4 ઍરપૉર્ટ પર પણ ટ્રાન્ઝેક્શન બૅન લગાવવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
કાજા કલાસનો પાકિસ્તાન પ્રવાસ અને ક્ષેત્રીય સુરક્ષા
યુરોપીયન યુનિયનના ટોચના રાજદ્વારી કાજા કલાસ તાજેતરમાં જ પોતાનો પાકિસ્તાન પ્રવાસ પૂર્ણ કરીને યુરોપ પરત ફર્યા છે. તેમની આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન યુરોપીયન યુનિયન અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો, વેપાર (ખાસ કરીને GSP+ ટ્રેડ સ્ટેટસ), માનવાધિકારની સ્થિતિ અને ક્ષેત્રીય સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી. યુરોપ જ્યારે અફઘાનિસ્તાનની સ્થિતિ, દક્ષિણ એશિયાની સ્થિરતા અને ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક પડકારો વચ્ચે પોતાની વ્યૂહનીતિ મજબૂત કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન માટે પણ યુરોપીયન યુનિયન એક મોટું નિકાસ બજાર હોવાથી આ મુલાકાત કૂટનીતિક દ્રષ્ટિએ ઘણી અહેમ ગણાય છે.
ભારત અને EU વચ્ચે ઐતિહાસિક FTA: એક માસ્ટરસ્ટ્રોક
ભારતીય કંપનીઓ પર એક્શનની આ ચર્ચા એવા સમયે સામે આવી છે જ્યારે ભારત અને યુરોપીયન યુનિયન વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી થઈ ચૂકી છે. જાન્યુઆરી 2026માં ભારત અને EU વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને યુરોપીયન કમિશન દ્વારા ‘મધર ઓફ ઓલ ડીલ્સ’નું નામ આપવામાં આવ્યું છે. આ ડીલ હેઠળ ભારતથી નિકાસ થતા ટેક્સટાઇલ, સી-ફૂડ, ફાર્મા અને જ્વેલરી જેવા 90%થી વધુ ઉત્પાદનોને યુરોપીયન માર્કેટમાં ટેક્સ-ફ્રી (ઝીરો-ડ્યુટી) એન્ટ્રી મળશે. બીજી તરફ, યુરોપથી આવતી લક્ઝરી કાર પરનો ટૅરિફ 110%થી ઘટાડીને માત્ર 10% (નક્કી કરેલા કોટા મુજબ) કરી દેવાયો છે.
એક મોટા અને તાજા અપડેટ અનુસાર, ઈયુએ પોતાના કડક ક્વોલિટી નિયમો છતાં સપ્ટેમ્બર 2026 પછી પણ ભારતથી માછલી (એક્વાકલ્ચર), ઈંડા અને મધની આયાત ચાલુ રાખવા માટે સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી ભારતના આશરે 1.59 અબજ ડૉલરના મરીન એક્સપોર્ટ સેક્ટરને બહુ મોટી રાહત મળી છે. અમેરિકા અને ચીન પર સપ્લાય ચેનની નિર્ભરતા ઓછી કરવાના આજના સમયમાં આ ઐતિહાસિક ડીલ ભારત માટે એક મોટો કૂટનીતિક અને આર્થિક માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ રહી છે.