Loading...

'શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..', આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર બટુકો (આશ્રમના બાળકો)ના યૌન શોષણનો ગંભીર આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારી હવે પોતાના જ નિવેદનથી ફરી ગયા છે. તેમણે એક વીડિયો જાહેર કરીને સનાતન ધર્મગુરુ સામે કરેલો કેસ તદ્દન ખોટો હોવાની કબૂલાત કરી છે. આશુતોષ બ્રહ્મચારીનું કહેવું છે કે, 'મેં શંકરાચાર્ય વિરુદ્ધ આ નકલી કેસ મારા જ ગુરુબંધુ રામચંદ્ર દાસના કહેવાથી અને તેમના ભારે દબાણમાં આવીને કર્યો હતો.' આ સમગ્ર ષડયંત્રમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ સામેલ હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે, જેના કારણે ધાર્મિક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

રામચંદ્ર દાસે ગુરુની હત્યા અને નકલી કેસનું ષડયંત્ર રચ્યું: આશુતોષ

આશુતોષ બ્રહ્મચારીએ વીડિયો દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ ખોટો કેસ કરવા પાછળ રામચંદ્ર દાસનો હાથ હતો. રામચંદ્ર દાસે જ આ આખું કાવતરું ઘડ્યું હતું અને મારા પર કોર્ટમાં કેસ દાખલ કરવા માટે ભારે દબાણ કર્યું હતું. એટલું જ નહીં, તેમણે પોતાના જ ગુરુની હત્યા કરાવવાનું પણ એક ગુપ્ત પ્લાનિંગ કર્યું હતું. મને ખોટી રીતે ભટકાવીને આ આખી રમત રમવામાં આવી હતી, જેના કારણે મને ભારે માનસિક ત્રાસ ભોગવવો પડ્યો છે.

આશ્રમ હડપવા માટે બનાવી નકલી વસિયત

આ મામલે આશુતોષ બ્રહ્મચારીએ મથુરાના એસએસપી (SSP)ને લેખિત ફરિયાદ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રામચંદ્ર દાસે બે આશ્રમો હડપ કરવા માટે એક નકલી વસિયત (ખોટું વિલ) બનાવી હતી. આ નકલી વસિયતના આધારે જ તેમણે કેસ કર્યો હતો અને દેવા બાબાના આશ્રમ પર ગેરકાયદે કબ્જો કરી લીધો હતો. આશુતોષે સ્પષ્ટ કહ્યું છે કે જો પોલીસ આ બાબતે કોઈ પગલાં નહીં લે, તો તેઓ નકલી વસિયત બનાવનારાઓ વિરુદ્ધ કોર્ટમાં જશે અને સત્યની લડાઈ લડશે.

વ્હોટ્સએપ ચેટ દ્વારા ટૂંક સમયમાં થશે મોટા ધડાકા

આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે તેમની પાસે કેસ કરવાથી લઈને નકલી વસિયત બનાવવા સુધીની તમામ વિગતો ધરાવતી વ્હોટ્સએપ ચેટ ઉપલબ્ધ છે. શંકરાચાર્ય વિરુદ્ધ આટલું મોટું ષડયંત્ર શા માટે રચવામાં આવ્યું અને તેની પાછળ કોનો હાથ હતો, તેનો સંપૂર્ણ ભાંડાફોડ તેઓ ટૂંક સમયમાં જ પુરાવા સાથે કરવાના છે.

 

શું હતો સમગ્ર વિવાદ અને આરોપ?

ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજ માઘ મેળાના વિવાદ બાદ તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર આશ્રમના બાળકોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પ્રયાગરાજની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટના સ્પેશિયલ જજ વિનોદ કુમાર ચૌરસિયાએ સુનાવણી પૂરી કરીને સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. જોકે, હવે આ કેસ કરનાર મુખ્ય વ્યક્તિ પોતે જ પોતાની વાત પરથી ફરી જતાં આખો મામલો એક નવો વળાંક લઈ ચૂક્યો છે.