Loading...

સુરતનું ભૂતિયા ડિમોલિશન કોઈ નેતાનો ભોગ લેશે..!:ગુજરાત યુનિવર્સિટી કાંડ બાદ ફરી એક વખત SOGની શંકાસ્પદ ભૂમિકા; 10 સવાલોમાં છુપાયેલી છે આ રાજરમત

સુરતમાં ગત 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસીરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઈતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. જો કે આ ભૂતિયા ડિમોલિશનમાં હવે રાજકારણની ગંધ આવી રહી છે.

અગાઉ જેમ ગુજરાત યુનિવર્સિટી કાંડમાં SOGની શંકાસ્પદ ભૂમિકા જોવા મળી હતી અને એક નેતાનો ભોગ લેવાઈ ગયો હતો. તેમ હવે આ ડિમોલિશનમાં પણ SOGના DCP નકુમ હાજર હતા, જે ફરી એકવાર SOGની શંકાસ્પદ ભૂમિકા તરફ સવાલ ઉભા કરી જાય છે. ત્યારે આ વખતે પણ કોઈ નેતાનો ભોગ લેવાય છે કે કેમ? તેની પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે આ બધા વચ્ચે સુરતના ચર્ચાસ્પદ ભૂતિયા ડિમોલિશન મામલે 10 શંકા ઉપજાવતા સવાલના જવાબ ક્યારે મળશે તેની સૌકોઈ રાહ જોઈ રહ્યા છે.

સવાલ:1 શું આ ડિમોલિશન કોઈ રાજકીય હિસાબ સેટ કરવા થયું? રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ડિમોલિશન કોઈ નેતાને રાજકીય રીતે ‘માપ’માં રાખવા થયું હોય તેમ લાગે છે, સુરતના જ 2 દિગ્ગજ નેતાઓ એકબીજાને શેહ, માત આપવાના ખેલમાંં હોય અને એટલે જ આ મેટર આટલી ચગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. એટલે જ રાજકીય પંડિતો આ મેટરને રાજકારણ સાથે જોડી રહ્યા છે.

સવાલ:2 શું પૈસાનો વહીવટ પૂરો ના થતાં ભાંડો ફૂટ્યો? સુરતમાં હાલ એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે બિલ્ડર માટે જમીન ખાલી કરાવ્યા બાદ એક જગ્યાએ 10 કરોડ અને એક જગ્યાએ 5 કરોડનો વહીવટ કરવાનો હતો. પણ ક્યાંક પૈસા પહોંચ્યા નહીં અને સમગ્ર મામલો બહાર આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમને પૈસા મળ્યા નહીં તેમણે જ સામેવાળાને કંટ્રોલમાં કરવા આ વાત લિંક કરી, પણ સમય જતાં આ મામલો કાબૂ બહાર ગયો હોવાનું પણ સાંભળવા મળી રહ્યું છે.

સવાલ:3 SMCએ પ્રોસિજર કેમ ફોલો ના કરી? આ બધામાં સૌથી ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે હંમેશા પ્રોસીજર ફોલો કરતી SMCએ આટલું મોટું ડિમોલિશન વગર કોઈ પ્રોસિજર ફોલો કર્યા વગર જ કરી નાખ્યું. આટલું મોટું જોખમ કોના ઈશારે અને કોના માટે લેવાયું તે પણ એક મોટો સવાલ છે. SMCના ‘હોશિયાર’ અધિકારીઓએ આટલી મોટી ભૂલ કેમ કરી કે પછી કોઈ મોટું પીઠબળ હોવાથી હાથે કરીને ભૂલ કરી તેવું પણ લોકમૂખે ચર્ચાઈ રહ્યુ છે.

સવાલ:4 દબાણ તોડતી વખતે સ્થાનિક પોલીસ હોય અહીં કોના ઇશારે SOG બંદોબસ્તમાં હતી? સામાન્ય રીતે કોઈ પણ સરકારી જમીનોમાં કરવામાં આવેલા દબાણોને તોડતી વખતે પાલિકાના અધિકારીઓની સાથે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત મૂકવામાં આવતો હોય છે, જ્યારે નાસીરનગરના ડિમોલિશનના કિસ્સામાં કાચાં-પાકાં મકાનો તોડવા માટે કોના ઈશારે SOG પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો એ મુદ્દો તપાસનો વિષય છે.

સવાલ:5 ડિમોલિશનમાં SOGના DCP નકુમ, મ્યુનિ.ના બે અધિકારી હાજર છતાં કેમ કહે છે ‘અમને ખબર નથી’? શંકા ઉપજાવતી વાત એ છે કે ડિમોલિશન થયું ત્યારે SOGના DCP નકુમ, મ્યુનિ.ના બે અધિકારી કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ અને જયાંગ જીવન રામજીવાલા હાજર હતા. જ્યારે આ બાબતે તેમને પૂછવામાં આવ્યું ત્યારે DCP નકુમ, મ્યુનિ.ના બે અધિકારીઓએ ‘અમને ખબર નથી’? તેમ જણાવ્યુ હતું. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આટલા જવાબદાર અને સિનિયર અધિકારીઓ ડિમોલિશન સમયે ત્યાં હાજર છે તેવા વીડિયો છે છતાં પણ આ અધિકારીઓ જુઠ્ઠું કેમ બોલી રહ્યા છે. તેમને કંઈ વાતનો ડર સતાવી રહ્યો છે. તેમને આ ડિમોલિશન પ્રક્રિયાથી પોતાને દૂર કેમ રાખવા માંગે છે. ડિમોલિશન સમયે તો આ અધિકારીઓ પોતાના હોદ્દાનો પાવર અને રુઆબ બતાવી સ્થાનિકો પર રોફ જમાવતા હતા. તો હવે તેમને ત્યાં હાજર હતા તે વાત સ્વીકારવાથી કેમ ડરી રહ્યા છે?

જયાંગ જીવન રામજીવાલા અચાનક રજા પર ઉતરી ગયા આ બધી વાતો વચ્ચે નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં કેન્દ્ર સ્થાને રહેલા સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક એન્જિનિયર ગઇકાલ(8 જૂન) સવારથી અચાનક એક સપ્તાહ માટે રજા પર ઉતરી ગયા છે. માથા પર રૂમાલ બાંધીને ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન ઘટનાસ્થળે હાજર રહેલા જયાંગ જીવન રામજીવાલાએ વિવાદ વકરતાં પોતાને બચાવવાનાં ભરપૂર પ્રયાસ કર્યા હતા. જો કે, સોશિયલ મીડિયામાં ડિમોલિશન કામગીરી દરમિયાન તેમના વીડિયો વાઇરલ થતાં તેઓની હાલત કફોડી બની છે. છેલ્લા 4 દિવસથી ડિમોલિશન પ્રતિક્રિયા દરમિયાન સેન્ટ્રલ ઝોન અને મહાનગર પાલિકાનો બચાવ કરવા છતાં બિલ્ડરનાં કથિત લાભ માટે જ આખો કારસો રચાયો હોવાની આશંકાએ જોર પકડ્યું છે. રામજીવાલા હવે રજા ઉપર ઉતરી જવાથી અનેક શંકાઓ અને સવાલો ઊભા થયા છે.

મકાનો તોડાયાં તે જ દિવસે દોઢ વર્ષથી ચાલતા ગેરકાયદે બાંધકામને માત્ર નોટિસ કેમ આપી? નાસીરનગરમાં કાચાં-પાકાં 100 મકાનોનાં ડિમોલિશન મુદ્દે પાલિકા જવાબદારી લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરે છે, ત્યારે બીજી તરફ તેની બાજુમાં જ ચાલી રહેલા મસમોટા ગેરકાયદે બાંધકામને બચાવવા તંત્રએ આકાશ-પાતાળ એક કર્યા છે. ખાનગી જમીનમાં રસ્તાના બહાને ગરીબોનાં મકાનો તોડાયાં તે જ દિવસે દોઢ વર્ષથી ચાલતા આ મસમોટા ગેરકાયદે બાંધકામને માત્ર નોટિસ અપાઈ હતી.

બેઝમેન્ટમાં માટી પુરાણ કરવા નોટિસ’ સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી છે કે, વેડ દરવાજા વિસ્તારના વોર્ડ નં. 7, નોંધ નં. 1267, 1267/3, 1268વાળી મિલકતના માલિકો/વારસદારો બાઈ જાઈજી નવરોજી ખરશેદજી પાલીયા અને અન્ય દ્વારા મહાનગરપાલિકાની કોઈ પણ પ્રકારની પૂર્વ પરવાનગી લીધા વિના સ્થળ પર ગેરકાયદેસર રીતે બાંધકામ અને પાયા/બેઝમેન્ટનું ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી આગામી ચોમાસાની ઋતુ દરમિયાન આ ખુલ્લા ખોદાયેલા ભાગમાં પાણી ભરાવાને કારણે રોગચાળો ફેલાવવાનો અથવા આસપાસની જમીન ધસી પડવાનો ગંભીર પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુસર તંત્ર દ્વારા આ નોટિસ આપીને તાકીદ કરવામાં આવી છે કે, આ બેઝમેન્ટ/પાયાના ખોદાણમાં તાત્કાલિક માટી પુરાણ કરી જમીન લેવલે લાવી દેવી, અને જો તેમ કરવામાં ચૂક થશે તો તેના કારણે ઉપસ્થિત થનારી તમામ પરિસ્થિતિ તેમજ આજુબાજુની મિલકતોને થનારા જાનમાલના નુકસાનની સંપૂર્ણ જવાબદારી મિલકતધારકોની રહેશે. એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે આ બાંધકામ માટેની કોઈ મંજૂરી આપવામાં આવી નથી આમ છતાં આ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે.

સવાલ:7 ડિમોલિશન કરવા JCB ભાડે લાવનાર કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂત કેમ ભૂગર્ભમાં? આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે ડિમોલિશનની સાઇટ પર હાજર રહેલા ભારે મશીનોના માલિક મોસીન ફ્રુટવાલાની પૂછપરછ કરવામાં આવી. મોસીન ફ્રુટવાલાએ દિવ્ય ભાસ્કર સમક્ષ આખા પ્રકરણનો સૌથી મોટો કડીરૂપ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે તો મશીનો ભાડે આપવાનો પ્રોફેશનલ વ્યવસાય કરીએ છીએ. અમારી પાસે આ મશીનો સુરત મહાનગરપાલિકાના જ જાણીતા કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતે ભાડે માંગ્યા હતા. કોન્ટ્રાક્ટરે મશીન મંગાવ્યા હોવાથી અમને કોઈ શંકા ગઈ નહોતી. મોસીનના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ કાંડમાં પાલિકા સાથે સંકળાયેલી વ્યક્તિ જ સીધી રીતે સામેલ છે.

સવાલ:8 બિલ્ડરના માણસો રહીશોને જગ્યા ખાલી કરાવી દેવાની ધાક-ધમકી કેમ આપતા હતા? નાસીરનગરના રહીવાસીઓને પોતાના વર્ષો જૂના આશિયાના પર બુલડોઝર ફરી વળશે તેવી આશંકા અને ગંધ અગાઉથી જ આવી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ખાનગી બિલ્ડરના માણસો અવારનવાર આ વિસ્તારમાં આવીને ધાક-ધમકી આપતા હતા અને સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવીને જગ્યા ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા હતા. બિલ્ડરના માણસો કહેતા હતા કે જો તમે જાતે મકાનો ખાલી નહીં કરો, તો જેસીબી અને બુલડોઝર લાવીને તમારા મકાનો તોડી પાડવામાં આવશે.

સ્થાનિકોએ ડિમોલિશન મુદ્દે અરજી આપી તો પણ કેમ નિરાકરણ આવ્યું નહી? આ ભયના માહોલ વચ્ચે પોતાના હક્ક અને ન્યાય માટે નાસીરનગરના રહીશોએ સંગઠિત થઈને ગત 15 ઓક્ટોબર, 2025એ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, સુરત શહેરના પોલીસ કમિશનર, નોર્થ (કતારગામ) ઝોનના ઝોનલ અધિકારી તેમજ ચોક બજાર પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખિતમાં સંયુક્ત અરજી આપી હતી. આ અરજી પર મ્યુનિસિપલ કમિશનર કચેરી તેમજ કતારગામ ઝોનની ડીસ્પેચ શાખાના સિક્કા અને 15 ઓક્ટોબર, 2025ની તારીખ સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે સાબિત કરે છે કે વહીવટી તંત્ર આ ગંભીર પરિસ્થિતિથી સંપૂર્ણ માહિતગાર હતું તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યુ નહોતું.

Image Gallery