Loading...

રોહિત શર્મા 37 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કરશે, ODI રમનાર સૌથી વધુ વય ધરાવતો ભારતીય ખેલાડી બનશે

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી 13 જૂનથી શરૂ થઈ રહેલી 3 મેચોની વન-ડે સીરિઝ ક્રિકેટ ચાહકો માટે રોમાંચક સાબિત થવાની છે. ધર્મશાલામાં રમાનારી સીરિઝની પ્રથમ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓપનર રોહિત શર્મા મેદાન પર પગ મૂકતાની સાથે જ એક અનોખો ઇતિહાસ રચી દેશે. તે ભારત માટે વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારો ઇતિહાસનો સૌથી વધુ ઉંમરનો ખેલાડી બની જશે. આ સાથે જ તે એક મોટો ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કરશે.

મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે

રોહિત શર્મા જ્યારે ધર્મશાલાના મેદાન પર અફઘાનિસ્તાન સામે મેચ રમવા ઉતરશે, ત્યારે તેની ઉંમર 39 વર્ષ અને 44 દિવસની હશે. આ સાથે જ તે મોહિન્દર અમરનાથનો 37 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના હીરો રહેલા મોહિન્દર અમરનાથે વર્ષ 1989માં ભારત માટે પોતાની છેલ્લી વન-ડે મેચ રમી હતી, તે સમયે તેમની ઉંમર 39 વર્ષ અને 36 દિવસની હતી. હવે રોહિત શર્મા આ મામલે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વયોવૃદ્ધ ખેલાડી બની જશે.

રોહિત શર્મા તાજેતરમાં જ પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ભારતીય ટીમ સાથે જોડાયા છે અને રમવા માટે સંપૂર્ણ સજ્જ છે. બીજી તરફ, ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. તેમની વાપસી આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન થવાની સંભાવના છે.

લક્ષ્ય હવે 2027નો વન-ડે વર્લ્ડ કપ

T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત શર્માની નજર હવે આગામી વર્ષે એટલે કે 2027માં યોજાનારા 50 ઓવરના વર્લ્ડ કપ પર ટકેલી છે. રોહિત શર્માની અંતિમ ઈચ્છા ભારતને 2027નો વર્લ્ડ કપ જીતાડીને વન-ડે ક્રિકેટમાંથી ગૌરવભરી વિદાય લેવાની છે. આ મેગા ઇવેન્ટ સુધી પોતાને ફિટ અને ફોર્મમાં રાખવા માટે રોહિત સખત મહેનત કરી રહ્યો છે. જોકે, IPL 2026 તેના માટે ખાસ સફળ રહ્યું નહોતું, પરંતુ વન-ડે ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. વધતી ઉંમરને જોતા આગામી સમયમાં કોઈ પણ ગંભીર ઈજા કે ખરાબ ફોર્મ તેને ટીમની બહાર કરી શકે છે, જેથી તેણે ખૂબ જ સાવધ રહેવું પડશે.

બંને દેશોની વન-ડે સ્ક્વોડ નીચે મુજબ છે:

ભારતની વન-ડે ટીમ:

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર (ઉપકેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાર અને હર્ષ દુબે.

અફઘાનિસ્તાનની વન-ડે ટીમ:

હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, સેદિકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, રહમત શાહ, ઇક્રમ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, અજમતુલ્લાહ ઓમરઝાઈ, રશીદ ખાન, નાંગ્યાલ ખારોટાઈ, એએમ ગઝનફર, જિયા ઉર રહમાન શરીફી, ફરીદ મલિક, બિલાલ સામી અને મોહમ્મદ સલીમ.