1000 કરોડના બેન્ક ફ્રોડ મામલે અમેરિકામાં ભારતીય મૂળના આરોપીની ધરપકડ, જાણો કેવો કાંડ કર્યો?
અમેરિકામાં ભારતીય મૂળના એક મોટા ઉદ્યોગપતિ સામે બેંક સાથે આશરે 100 મિલિયન ડોલર એટલે કે અંદાજે 840 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ફ્રોડ 1000 કરોડ રૂપિયાનું હોવાની આશંકા છે. આ કથિત મહાકૌભાંડના આરોપમાં અમેરિકી તપાસ એજન્સીઓએ 44 વર્ષીય મહેન્દ્ર મખીજાનીની ધરપકડ કરી લીધી છે. મહેન્દ્ર મૂળ ભારતીય નાગરિક છે અને હાલમાં અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા કોરોના ડેલ માર વિસ્તારમાં સ્થાયી છે. તેની સામે ફેડરલ ક્રિમિનલ કમ્પ્લેઇન્ટ નોંધવામાં આવી છે.
શું છે સમગ્ર કૌભાંડ અને આરોપ?
અમેરિકી સત્તાધારીઓના જણાવ્યા અનુસાર, મહેન્દ્ર મખીજાની ન્યૂપોર્ટ બીચ સ્થિત ‘કેન્ટર ગ્રુપ V LLC’ નામની કંપનીનું સંચાલન કરતો હતો. આ કંપનીનો એક પ્રતિષ્ઠિત બેંક સાથે ધિરાણ કરાર હતો. આ કરારની શરત મુજબ, કંપનીએ બેંકને માત્ર એવા જ રિયલ એસ્ટેટ લોન પ્રોજેક્ટ્સ સોંપવાના હતા જેમાં તે પ્રોપર્ટી પર બેંકનો સૌથી પહેલો અધિકાર હોય.
આરોપ છે કે સપ્ટેમ્બર 2024થી એપ્રિલ 2025ના ગાળા દરમિયાન મહેન્દ્ર મખીજાનીએ કથિત રીતે નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા, જેથી બેંકને એવો ભરોસો બેસે કે આ પ્રોપર્ટીઝ પર સૌથી પહેલો હક તેમનો જ છે. જ્યારે વાસ્તવિકતામાં તે મિલકતો પર અન્ય ધિરાણકર્તાઓનો અધિકાર પહેલેથી જ અસ્તિત્વમાં હતો.
Adobe સોફ્ટવેરથી દસ્તાવેજોમાં કરી છેડછાડ
તપાસ એજન્સીઓના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કરોડોના સ્કેમને અંજામ આપવા માટે ટેક્નોલોજીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. મહેન્દ્ર મખીજાની અને તેના એક સાથીદારે Adobe સોફ્ટવેરની મદદથી અસલી દસ્તાવેજો સાથે છેડછાડ કરી હતી. તેણે ફાઇલોની મહત્ત્વની વિગતો બદલી નાખી, નકલી ટાઇટલ પોલિસી બનાવી અને આ બનાવટી રેકોર્ડ્સ બેંકમાં સબમિટ કરી દીધા.
એટલું જ નહીં, આરોપીઓએ સત્તાવાર ફોન કોલ્સ, ખોટી સ્પ્રેડશીટ્સ અને અન્ય નકલી રેકોર્ડ્સ દર્શાવીને બેંકના અધિકારીઓને સતત ગેરમાર્ગે દોર્યા હોવાનો પણ એજન્સીઓનો દાવો છે.
દોષિત સાબિત થશે તો 30 વર્ષની જેલ
ધરપકડ બાદ મહેન્દ્ર મખીજાનીને કેલિફોર્નિયાના સાન્ટા એના સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો કોર્ટમાં તેના પરના આ તમામ આરોપો સાબિત થઈ જશે, તો તેને ફેડરલ જેલમાં મહત્તમ 30 વર્ષ સુધીની સખત સજા થઈ શકે છે. જોકે, અમેરિકી કાયદા અનુસાર જ્યાં સુધી અદાલતમાં ગુનો સાબિત ન થાય ત્યાં સુધી કોઈ પણ આરોપીને નિર્દોષ માનવામાં આવે છે.
અમેરિકી અધિકારીઓએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે બેંકિંગ સિસ્ટમ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. જ્યારે કોઈ બેંકને આવી નકલી માહિતી આપીને નુકસાન પહોંચાડવામાં આવે છે, ત્યારે તેની સીધી અસર સામાન્ય જનતા અને પ્રમાણિક વેપારીઓ પર પડે છે. હાલમાં તપાસ એજન્સીઓ તમામ નાણાકીય વ્યવહારો અને નકલી ડિજિટલ રેકોર્ડ્સની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.