Loading...

ભૂતિયા ડિમોલિશનમાં 'ગુજરાત MLA'ની પ્લેટવાળી રહસ્યમય ફોર્ચ્યુનરની એન્ટ્રી:સુરતમાં જમીનમાલિકના ઘર બહાર બે કાર મોડી રાત સુધી પાર્ક રહી, મીડિયા હોવાથી કોઈ લેવા ના આવ્યું

સુરતમાં નાસીરનગર ભૂતિયા ડિમોલિશન હવે સત્તા, જમીન અને રહસ્યનો ત્રિવેણી સંગમ હોય તેમ લાગી રહ્યું છે. SOGના ઉચ્ચ અધિકારીઓ સામેના વિવાદ વચ્ચે 'ગુજરાત MLA' ની પ્લેટવાળી એક ફોર્ચ્યુનર કારે સમગ્ર મામલાને અત્યંત ગંભીર અને શંકાસ્પદ બનાવી દીધો છે. સુરતમાં એક જમીન માલિકના ઘરની બહાર કલાકો સુધી ઊભેલી આ લક્ઝુરિયસ કાર, પાછળની સીટમાં સંતાડીને રાખેલું ધારાસભ્યનું બોર્ડ, આરટીઓ રેકોર્ડમાં સામે આવેલું એક અજાણ્યું નામ અને આ બધાની વચ્ચે જમીન માલિકનો વાઇરલ થયેલો શંકાસ્પદ એડિટેડ વીડિયો…આ તમામ ઘટનાક્રમ કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરી રહ્યા છે. મહાનગરપાલિકાની 40 વર્ષની નિષ્ક્રિયતા અને ડિમોલિશનના વિવાદ વચ્ચે ઊભા થયેલા આ રહસ્યના ગૂંચવાડાનો ઉકેલ ક્યારે આવશે તે એક મોટો સવાલ છે.

નાસીરનગરમાં વિવાદિત જમીનના મૂળ માલિક ગલુબેન પાલિયાના ઘર પાસે કલાકો સુધી બે શંકાસ્પદ કાર ઊભેલી જોવા મળી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં રહસ્ય ઘેરાયું છે. જેમાં તપાસ કરતા સામે આવ્યું છે કે ફોર્ચ્યુનર કાર ઘનશ્યામભાઈ લાખાણીના નામે અને i20 કાર સંજયભાઈ લાખાણીના નામે રજીસ્ટર્ડ થયેલી છે. આ આખી ઘટનામાં સૌથી ચોંકાવનારો અને ગંભીર વળાંક ત્યારે આવ્યો જ્યારે આ ફોર્ચ્યુનર કારની પાછળની સીટ પરથી ગુપ્ત રીતે સંતાડીને રાખેલી ‘MLA ગુજરાત’ લખેલી લાલ રંગની પ્લેટ મળી આવી, જે કોઈ

ફોર્ચ્યુનર કારમાં ‘ગુજરાત MLA’ની પ્લેટનો વિવાદ સૌથી મહત્વની અને ચોંકાવનારી વાત એ છે કે આ ફોર્ચ્યુનર કારની પાછળની સીટ પર લાલ રંગની પ્લેટ પર ‘ગુજરાત MLA’ લખેલું જોવા મળ્યું છે. આ બાબત સામે આવતા જ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે, શું આ ખરેખર કોઈ ધારાસભ્યની ગાડી છે? અને જો આ ધારાસભ્યની જ કાર હોય, તો તે કયા ધારાસભ્યની છે? અથવા તો પછી કોઈ વ્યક્તિ કારમાં MLAનું બોર્ડ લગાવીને તેનો ગેરલાભ ઉઠાવી રહ્યો છે?

બોર્ડ સંતાડવા પાછળનું રહસ્ય સમગ્ર વિવાદિત મુદ્દાની વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે, મૂળ જમીન માલિકના ઘરની બહાર જ MLA ના બોર્ડવાળી આ કાર શા માટે આટલો સમય ઊભી રાખવામાં આવી હતી? એટલું જ નહીં, આ બોર્ડને કારની બહાર લગાવવાને બદલે પાછળના ભાગે એટલે સીટ પર શા માટે સંતાડીને રાખવામાં આવ્યું હતું? આ પ્લેટ પાછળ છુપાયેલો અસલી હેતુ શું હતો, તે તપાસનો વિષય છે. કારના નંબર પ્લેટના આધારે જાણવા મળ્યું છે કે, આ ફોર્ચ્યુનર કાર ઘનશ્યામભાઈ લાખાણીના નામે રજીસ્ટર્ડ થયેલી છે.

સત્તાનો દુરુપયોગ કે ગેરલાભ? હવે મુખ્ય મુદ્દો એ છે કે, શું આ કાર ખરેખર કોઈ ધારાસભ્યની છે કે પછી કોઈ સામાન્ય વ્યક્તિ માત્ર પોતાનો પ્રભાવ પાડવા અથવા કાયદાનો ગેરલાભ લેવા માટે કારમાં આવી પ્લેટ લગાવીને ફરી રહ્યો છે? આ એક અત્યંત ગંભીર અને સંવેદનશીલ બાબત છે, જેની ઉચ્ચ સ્તરે તટસ્થ તપાસ થવી ખૂબ જ જરૂરી છે.

બપોરથી રાત સુધી રહસ્યમય કાર જોવા મળી ગઇકાલે(10 જૂન) બપોરે બરાબર બે વાગ્યાથી જ આ બંને શંકાસ્પદ કાર જમીન માલિક ગલુબેન પાલિયાના ઘરની બિલકુલ આગળ આવીને પાર્ક થઈ ગઈ હતી. બપોરના આ સમયથી શરૂ કરીને રાત્રિના 10 વાગ્યા સુધી, એટલે કે સતત 8 કલાક સુધી આ ગાડીઓ એક જ જગ્યાએ ઊભી રહી હતી, જે સમગ્ર ઘટનાક્રમમાં સમયની દ્રષ્ટિએ મોટો સવાલ ઊભો કરે છે.

મીડિયાની હાજરી અને મોડી રાત્રે કાર રવાના બપોરે 2 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધીનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં કારના માલિકો પરત ફર્યા ન હતા. આ કારથી આવેલા લોકોને ભણક લાગી ગઈ હતી કે મીડિયાના લોકો ત્યાં જ વોચ ગોઠવીને ઊભા છે. મીડિયાના કેમેરા અને હાજરીના ડરથી તેઓ નિર્ધારિત સમયે કારમાં પરત આવીને બેઠા ન હતા અને આખરે રાત વીત્યા બાદ, મોડી રાત્રે જ આ ગાડીઓ ત્યાંથી રવાના થઈ શકી હતી.

SMCએ હજુ સુધી અહીં શાળા કેમ ન બનાવી? આ તરફ, જમીન માલિક ગલુબેન પાલિયાનો દાવો છે કે તેમણે આ કિંમતી જમીન સુરત મહાનગરપાલિકાને માત્ર શાળા બનાવવાના હેતુથી સોંપી હતી, પરંતુ પાલિકાની નિષ્ક્રિયતા જુઓ કે છેલ્લા 30થી 40 વર્ષ જેવા લાંબા સમયગાળાથી અહીં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીના સામ્રાજ્ય વચ્ચે લોકો વસી રહ્યા છે. આટલા દાયકાઓ વીતી ગયા છતાં SMCએ હજુ સુધી અહીં શાળા કેમ ન બનાવી?

Image Gallery