માથાભારે મહાવીરસિંહ ચોથા માળેથી પટકાયાના CCTV:વહેલી સવારે 3:39 વાગ્યે બિલ્ડીંગમાંથી નીચે પડ્યો, અમદાવાદના બોપલમાં 8 જૂને મોત થયું હતું
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાડોશીઓ સાથે નશાની હાલતમાં મારામારી કરનાર કુખ્યાત મહાવીરસિંહ સિંધવનું 8 જૂને રાત્રે ચોથા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતું. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વહેલી સવારે 3 વાગ્યાને 39 મિનિટે મહાવીરસિંહ બિલ્ડીંગમાંથી નીચે પડે છે. લૂંટ, ગુજસીટોક, આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે આશંકાસ્પદ કનેક્શન ધરાવતો મહાવીરસિંહ 8 જૂને સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા ભાગી રહ્યો હતો, ત્યારે ચોથા માળેથી નીચે પટકાયો હતો.
2020માં લોકસાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં 10 લક્ઝુરિયસ કારોના કાફલા સાથે એન્ટ્રી કરી અને લાખો રૂપિયાનો વરસાદ કરીને મહાવીરસિંહ અચાનક લાઈમલાઈટમાં આવ્યો હતો. બોપલ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નશાની હાલતમાં રહીશો સાથે કરી હતી મારામારી પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, મૃતક મહાવીરસિંહ સિંધવ (મૂળ રહે. ચોકડી ગામ, તા. ચુડા, સુરેન્દ્રનગર) તાજેતરમાં જ બોપલ વિસ્તારમાં આવેલા 'અક્ષર લક્ઝ્યુરિયા' ફ્લેટમાં રહેવા માટે આવ્યો હતો. 8 જૂને રાત્રે મહાવીરસિંહે નશાની હાલતમાં ફ્લેટના અન્ય બ્લોકમાં રહેતા પાડોશીઓ સાથે કોઈ બાબતે ભારે હોબાળો મચાવ્યો હતો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે તેણે રહીશો સાથે મારામારી શરૂ કરી દીધી હતી. તેના આતંકથી કંટાળીને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.
બિલ્ડીંગમાંથી નીચે પડતો CCTVમાં કેદ સ્થાનિકોની જાણ બાદ પોલીસ આવી હોવાની ભાળ મળતાં જ મહાવીરસિંહ પકડાઈ જવાના ડરથી બચવા માટે ભાગ્યો હતો. ચોથા માળે ગેલેરી કે અગાસીના ભાગેથી ઝડપથી ભાગવાના પ્રયાસમાં અચાનક તેનો પગ લપસી ગયો હતો, જેના કારણે તે સીધો ચોથા માળેથી હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો. જે નીચે પડવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એટલે કે 8 જૂને વહેલી સવારે મહાવીરસિંહ બિલ્ડીંગમાં નીચે પડ્યો હતો. ઊંચાઈ પરથી નીચે પડતાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાના લીધે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે, મહાવીરસિંહ જાતે જ પડી જતા મોત થયું છે, જેથી અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ઈન્ડિયન આર્મીની નોકરી મૂકી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો ઉલ્લેખનીય છે કે મૃતક મહાવીરસિંહ સિંધવે અગાઉ ઈન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે પણ ફરજ બજાવી હતી. 2020માં મોરબી જિલ્લાના ટીકર ગામમાં જાણીતા કલાકાર રાજભા ગઢવી અને દેવાયત ખવડનો એક મોટો ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં મહાવીરસિંહે સ્ટેજ પર ચલણી નોટોનો જોરદાર વરસાદ કર્યો હતો, જેના કારણે તે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગાડીઓના મસમોટા કાફલા સાથે રોયલ એન્ટ્રી અને કાયદાના લીરેલીરા ઉડાડવાની તેની લાઈફસ્ટાઈલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી.
સુરેન્દ્રનગરના મોટા ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે નામ ખૂલ્યું હતું વર્ષ 2023 માં સુરેન્દ્રનગરમાં શિવ સંગાથ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી એલસીબીની ટીમે અક્ષય રામકુમાર ડેલુ, અંકિત વિષ્ણુરામ બિશ્નોઇ અને કચ્છના વાકુ ગામના વિક્રમસિંહ જાડેજાને ₹17.81 લાખના ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. તપાસ કરનાર એસઓજી પીઆઇ એસ.એન. જાડેજા અને તેમની ટીમે જ્યારે કડક પૂછપરછ કરી ત્યારે આખો આંતરરાજ્ય ડ્રગ્સનો ભાંડો ફૂટ્યો હતો. પકડાયેલા રાજસ્થાની શખ્સોને આ ફ્લેટ મહાવીરસિંહ સિંધવે જ પોતાના મિત્ર મારફતે ભાડે અપાવ્યો હતો.
તપાસમાં એવી આશંકા અને કડીઓ સામે આવી હતી કે, મહાવીરસિંહ ચુડાના ચોકડી ગામે બેઠા-બેઠા કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો, જેના કારણે સુરેન્દ્રનગર એલસીબીએ તેની અટકાયત પણ કરી હતી. આ ઉપરાંત, 2023માં જ ચોકડી ગામમાં મહાવીરસિંહ સામે હથિયાર બતાવીને ધોળા દિવસે લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે તે સમયે પોલીસે તેની ધરપકડ કરીને આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો અને ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું.