Loading...

ગુજરાતી સ્ટાર યશ-જાનકીના 'ગોળધાણા'નું શુભ મુહૂર્ત!:હિટ જોડીની હેટ્રિક કંઈક ખાસ રીતે, એક્ટર-એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી આપ્યા ગૂડ ન્યૂઝ

ગુજરાતી સિનેમા જગતની સૌથી લોકપ્રિય ઓન-સ્ક્રીન જોડીઓમાંથી એક એવી યશ સોની અને જાનકી બોડીવાલાની જોડી ફરી એકવાર મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર બંનેના 'ગોળધાણા' થવા અંગેની અફવાઓ ખૂબ જ વાઇરલ થઈ હતી, જેને કારણે ચાહકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. જોકે, હવે આ અફવાઓ પરથી પડદો ઊંચકાયો છે અને સ્પષ્ટતા થઈ છે કે 'ગોળધાણા' એ તેમના વાસ્તવિક જીવનની સગાઈ નહીં, પરંતુ તેમની આગામી નવી ગુજરાતી ફિલ્મનું ટાઈટલ છે.

અફવાઓ પર વિરામ, નવી ફિલ્મની જાહેરાત

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નિર્માતાઓએ સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે, યશ અને જાનકીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'ગોળધાણા'નું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ થઈ ચૂક્યું છે. આ ફિલ્મની વાર્તા લગ્ન પહેલાની રસપ્રદ ઘટનાઓ, પારિવારિક સંબંધોના તાણાવાણા અને રોમાન્સની આસપાસ વણાયેલી હશે.

 

હિટ જોડીની હેટ્રિક?

યશ સોની અને જાનકી બોડીવાલાની કેમિસ્ટ્રી દર્શકોને હંમેશાં આકર્ષિત કરતી રહી છે. અગાઉ તેઓ 'છેલ્લો દિવસ' અને 'નાડી દોષ' જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત, યશની ફિલ્મ 'ચણિયા ટોળી'ના પ્રખ્યાત ગીત ‘પાંજરામાં પોપટ બોલે’માં પણ જાનકીએ સ્પેશિયલ કેમિયો કર્યો હતો, જેને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો. હવે આ નવી ફિલ્મથી બંને કલાકારો ફરી એકવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે.

ફિલ્મની મજબૂત કલરફુલ ટીમ

આ ફિલ્મનું દિગ્દર્શન ચિન્મય પરમાર કરી રહ્યા છે, જ્યારે પૅનોરમા સ્ટુડિયો અને બિગ બૉક્સ સિરીઝના બેનર હેઠળ તેનું નિર્માણ કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, મુરલીધર છટવાણી અને કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવી રહ્યું છે; કુમાર મંગત પાઠક એ જ જાણીતા પ્રોડ્યુસર છે જેમણે અજય દેવગન સ્ટારર બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ 'દ્રશ્યમ'નું નિર્માણ કર્યું હતું. પૅનોરમા સ્ટુડિયો દ્વારા આ ફિલ્મને વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે અને હાલમાં તેના અન્ય કલાકારો તથા રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.