Loading...

ઓઢવમાં જય કેમિકલ કંપની પાસે કચરામાં લાગેલી આગમાં એક વ્યક્તિ થયો ભડથુ, મોત પર ઊભા થયા સવાલ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી જય કેમિકલ કંપની નજીક કચરાના ઢગલામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

કચરાના મોટા ઢગલામાં આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી. કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આગ ઓલવાયા બાદ મળી આવી ચોંકાવનારી માહિતી

આગની ઘટના બાદ સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કચરાના ઢગલામાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહ મળી આવતા ફાયર વિભાગે તરત જ પોલીસને જાણ કરી હતી.

મૃતકની ઓળખ પ્રતાપ ઠાકોર તરીકે થઈ

પોલીસે મૃતદેહનો કબજો લઈને ઓળખની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ પ્રતાપ ઠાકોર તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે તે કચરાના ઢગલા પાસે કેવી રીતે પહોંચ્યો અને આગની ઘટનામાં તેનું મોત કેવી રીતે થયું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ શકી નથી. પોલીસે આ કુદરતી મોત છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

ઘટનાને પગલે ઓઢવ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે ઘટનાની હકીકત જાણવા પ્રયાસ શરૂ કર્યો છે.

મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે

પોલીસના જણાવ્યા મુજબ મૃતકનું મોત આગના કારણે થયું કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.