Loading...

'હનુમાનજીની ભક્તિ પર કોઈ કોપીરાઇટ નહીં':‘કિંગ ઑફ સાળંગપુર’ પ્રતિમાના કોપીરાઇટ મુદ્દે કોઠારી સ્વામીએ કહ્યું- આ પગલું માત્ર છેતરપિંડી રોકવા માટે છે

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા તાજેતરમાં લેવાયેલા કાયદાકીય નિર્ણય બાદ સોશિયલ મીડિયા અને લોકમુખે ચાલતી વિવિધ ચર્ચાઓ પર મંદિર પ્રશાસન દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ‘કિંગ ઑફ સાળંગપુર’ તરીકે ઓળખાતી દાદાની ભવ્ય પ્રતિમા અને ચિત્રોના કોપીરાઇટ તથા ટ્રેડમાર્ક મેળવવાના નિર્ણય અંગે મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપીને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

હનુમાનજીની પૂજા-આરાધના પર કોઈ પ્રતિબંધ નથી

કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, હનુમાનજીના નામ, તેમની પૂજા-અર્ચના, આરાધના કે ભક્તિ પર કોઈ પ્રકારનો કોપીરાઇટ નથી અને તેના પર કોઈ જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ભક્તો હંમેશની જેમ જ ભાવપૂર્વક દાદાની ભક્તિ કરી શકે છે.

તેમણે વિગતો આપતા કહ્યું કે, માત્ર મંદિર પરિસરમાં સ્થાપિત ‘કિંગ ઑફ સાળંગપુર’ તરીકે ઓળખાતી 54 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા, તેના વિશિષ્ટ સુવર્ણ વાઘા અને તેની સાથે સંબંધિત સત્તાવાર લોગોના ટ્રેડમાર્ક તથા કોપીરાઇટનું કાયદાકીય નોંધણીકરણ કરવામાં આવ્યું છે.

કરોડોની છેતરપિંડી અને દુરુપયોગ અટકાવવા લેવાયો નિર્ણય

આ કાયદાકીય નિર્ણય પાછળનું મુખ્ય કારણ આપતા મંદિર ટ્રસ્ટે આક્ષેપ કર્યો છે કે, કેટલાક અસામાજિકતત્વો દ્વારા મંદિરની ઓળખનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. બજારમાં નકલી મૂર્તિઓ, નકલી પ્રસાદી અને મંદિરના નામે ફેક વેબસાઇટો બનાવીને નિર્દોષ ભક્તોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

એટલું જ નહીં, સાળંગપુર ધામના નામે ઓનલાઇન રૂમ બુકિંગ અને દાન ઉઘરાવવાના બહાને ભક્તો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થતી હોવાનો પણ ટ્રસ્ટે દાવો કર્યો છે. આથી ભક્તોના હિતોની સુરક્ષા કરવા અને આવી મોટી છેતરપિંડીઓ અટકાવવા માટે જ આ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દાદાના ચરણોમાં સમર્પિત કરાયા પ્રમાણપત્રો

ઉલ્લેખનીય છે કે, સાળંગપુર ધામની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને સુરક્ષિત કરવાના ભાગરૂપે દાદાના વિવિધ દિવ્ય સ્વરૂપો અને "કિંગ ઓફ સાળંગપુર" સહિતના બૌદ્ધિક સંપત્તિ હકો મેળવવામાં આવ્યા છે. આ તમામ કાયદાકીય પ્રમાણપત્રો ભક્તિભાવ પૂર્વક કષ્ટભંજન દેવના ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર જટિલ પ્રક્રિયા જાણીતી કાયદાકીય ફર્મ D N AHYA & CO. દ્વારા IP નિષ્ણાત દર્શિત આહ્યાના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

ધર્મના નામે રાજકારણ ન કરવા અપીલ

કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, આપણી સનાતન આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ વર્તમાન સમયની મોટી જરૂરિયાત છે, જેથી ભવિષ્યમાં પણ મંદિરની ગરિમા અકબંધ રહે.

મંદિર ટ્રસ્ટે દેશ-વિદેશના સંતો, મહંતો અને કરોડો ભક્તોને અપીલ કરી છે કે તેઓ આ મુદ્દે ફેલાતી કોઈપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દૂર રહે અને માત્ર સાચી માહિતી પર જ વિશ્વાસ રાખે. આ સાથે જ ટ્રસ્ટે ધર્મસ્થાનને કેન્દ્રમાં રાખીને કોઈપણ પ્રકારનું રાજકારણ ન કરવાની પણ નમ્ર અપીલ કરી છે. આ ઐતિહાસિક નિર્ણયથી સાળંગપુર ધામની સ્થાપત્ય અને ધાર્મિક ઓળખ કાયદાના દાયરામાં સુરક્ષિત થતાં ભક્તોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

Image Gallery