સિંહે યુવકનું માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો:પાંસળીના ટુકડા-અડધું ખાધેલું માથું મળ્યું; બે સિંહનું રેસ્ક્યૂ, સેમ્પલ બાદ માનવભક્ષીની ઓળખ થશે
ગુજરાતના સિંહોના વસવાટ ધરાવતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીકથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી હતી. અહીં એક સિંહે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ હિંસક આક્રમણમાં સિંહ યુવકનું આખું શરીર ખાઈ ગયો હતો અને ઘટનાસ્થળેથી માત્ર અડધું ખાધેલું માથું અને પાંસળીના ટુકડા જ મળી આવ્યા હતા. જેને લઈ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ભય અને રોષનો માહોલ વ્યાપી ગયો છે.
અત્યાર સુધીની વનવિભાગની કામગીરી?
ઘટનાની ગંભીરતાને જોતા એસીએફ દ્વારા રાજુલા રેન્જની સાથે જાફરાબાદ રેન્જન પણ મદદ માટે બોલાવવામાં આવી છે. શરીરના બચી ગયેલા અવશેષોને હોસ્પિટલ ખસેડાઈ આખો વિસ્તાર સ્કેનિંગ કર્યો છે. હાલમાં હુમલાના નજીકના વિસ્તામાંથી બે સિંહને પાંજરે પુરી દીધા છે. હજુ 2 સિંહ પાંજરે પુરવા માટેની કામગીરી ચાલી રહી છે. જે સિંહે શિકાર કર્યો હશે તે ઊલ્ટી કરશે તેના પણ સેમ્પલ લેવાશે. અને ત્યાર બાદ નક્કી થશે કે કયા સિંહે શિકાર કર્યો હતો.
વતન જવા નીકળેલો યુવક કાળનો કોળિયો બન્યો
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલી સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો.
સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા.
‘અહીં કુતરાની જેમ સિંહ રખડે છે, હાલમાં પણ ગેટ પાસે 8 સિંહ બેઠા છે'
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી કંપનીના કર્મચારી અમરુભાઈ વાઘે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, અહીં આસપાસ પાંચ-સાત કંપની આવેલી છે, જ્યાં લોકો દિવસ-રાત શિફ્ટમાં નોકરી કરે છે. અહીં અવારનવાર સિંહો કુતરાની જેમ આંટા મારતા હોય છે, જેના કારણે અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે.
જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી. વનવિભાગ આ બાબતે તાત્કાલિક એક્શન લે અને લોકોની સુરક્ષા માટે વનકર્મીઓ તહેનાત કરે તે જરૂરી છે.
વિસ્તારમાં વન્યજીવોની અવરજવર અંગે પૂછતાં તેમણે ઉમેર્યું કે, અહીં સિંહોની અવરજવર સતત ચાલુ જ રહે છે. દિવસે કે રાતે ગમે ત્યારે સિંહો જોવા મળે છે. અત્યારની જ વાત કરીએ તો, કંપનીના ગેટની બિલકુલ આગળ જ આઠ સિંહ બેઠા છે.
જો કોઈની પાસે ફોર-વ્હીલર ગાડી હોય તો જ તે સુરક્ષિત છે, બાકી ટુ-વ્હીલર પર કે પગપાળા જતાં લોકો માટે કોઈ સેફ્ટી નથી. વનવિભાગ આ બાબતે તાત્કાલિક એક્શન લે અને લોકોની સુરક્ષા માટે વનકર્મીઓ તહેનાત કરે તે જરૂરી છે.
વિસ્તારમાં વન્યજીવોની અવરજવર અંગે પૂછતાં તેમણે ઉમેર્યું કે, અહીં સિંહોની અવરજવર સતત ચાલુ જ રહે છે. દિવસે કે રાતે ગમે ત્યારે સિંહો જોવા મળે છે. અત્યારની જ વાત કરીએ તો, કંપનીના ગેટની બિલકુલ આગળ જ આઠ સિંહ બેઠા છે.
સરપંચે વન મંત્રીને સીધી અપીલ કરતાં જણાવ્યું કે, મારી સરકાર અને વન મંત્રીને રજૂઆત છે કે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિક લેવલે લોકલ ટ્રેકર્સની વધુમાં વધુ ભરતી કરવામાં આવે.
આ સાથે જ, મૃતક યુવકના પરિવારને તેમજ અગાઉ બનેલી ઘટનાના ભોગ બનનાર પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક આર્થિક સહાય મળવી જ જોઈએ. જો આગામી સમયમાં વનવિભાગ દ્વારા ટ્રેકર્સની ભરતી અને સુરક્ષાના યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો અમે ગામ સ્તરે લોકોને એકઠા કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થઈશું.
મોટાભાગે સિંહ માનવ પર ક્યારે હુમલો કરે છે? આ બાબતને ACF વિરલ સિંહ ચાવડાએ જણાવ્યું કે, કોઈ સ્પષ્ટ કારણ હાલમાં ન કહીં શકાય પણ કેટલીક વખત વન્યપ્રાણીની સાથે આકસ્મિત ભેગું થઈ જવું અથવા અગાઉ કોઈએ હેરાન કર્યું હોય, અથવા કોઈ વ્યક્તિ સિંહની વધારે નજીક પહોંચે ત્યારે સેફટીના કારણે પણ બનાવ બનતા હોય છે. આજે જે બનાવ બન્યો છે. તે વન્યપ્રાણી નવું નથી. 7થી 8 વર્ષનું છે. કેવી રીતે અને શા માટે હુમલો કર્યો એ અત્યારે નક્કી ન કરી શકીએ.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગ એક્શન મોડમાં
આ ભયાનક ઘટનાની જાણ થતાં જ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં DCF ચિરાગ અમીનએ તાત્કાલિક વન્યપ્રાણીઓ પકડવા આદેશો આપ્યા હતા. જેને પગલે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ACF વિરલ સિંહ ચાવડા અને RFO સહિતનો વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોમાં ફેલાયેલા રોષ અને ભયને શાંત કરવા તેમજ નરભક્ષી બનેલા સિંહને ઝડપી લેવા માટે વનતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય હોવા છતાં, આ પ્રકારનો ઘાતકી હુમલો થતાં વન વિભાગની ચિંતામાં પણ મોટો વધારો થયો હતો.
‘સિંહ-સિંહણની સંખ્યા મુજબ ફોરેસ્ટ અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ’ : ધારાસભ્ય હીરા સોલંકી
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, આજે જ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે, કોવાયા ગામમાં એક સિંહણે એક પરપ્રાંતીય યુવકનો શિકાર કર્યો છે. જે બહુ દુઃખની વાત છે. હું ગુજરાત રાજ્ય સરકારને પત્ર દ્વારા કહેવા માંગુ છું કે, જે રીતે કે સિંહ-સિંહણની વસતી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે પણ, માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે.