Loading...

આદિત્ય બની વિધવાઓને ફસાવતા કરીમના મોબાઈલમાંથી 100 મહિલાનો ડેટા મળ્યો:મેટ્રિમોનિયલ સાઈટ પરથી સંપર્ક કરતો, આરોપી પાછળ મોટું સંગઠન હોવાની આશંકા

મેટ્રિમોનિયલ સાઈટ પર આદિત્ય પટેલ નામની પ્રોફાઈલ બનાવી વિધવાઓને ફસાવતા કરીમ સામે છેતરપિંડીની ફરિયાદ થયા બાદ ચોંકાવનારા ખુલાસા થયા છે. કરીમ સિપાઈના મોબાઈલમાંથી 100 જેટલી હિન્દુ મહિલાઓનો ડેટા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. કરીમ સિપાઈ પોતે આદિત્ય પટેલ નામ ધારણ કર્યું હતું. આદિત્ય નામના જ ખોટા પાનકાર્ડ, આધારકાર્ડ, પાસપોર્ટ, રાશનકાર્ડ તૈયાર કર્યા હતા. પોતાને વિધૂર ગણાવી મેટ્રિમોનિયલ સાઈટ પર વિધવા અને ડાઈવોર્સી મહિલાઓનો સંપર્ક કરતો હતો. મહિલાઓ સાથે સંપર્ક વધાર્યા બાદ તેની પાસેથી પૈસા પડાવતો હોવાનું પણ સામે આવ્યું છે. કરીમના આ કાળા કારનામા પાછળ મોટી ગેંગ સંડોવાયેલી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. અનેક મહિલાઓ ભોગ બની છે પરંતુ બદનામીના ડરે સામે ન આવતા પોલીસે નામ ગુપ્ત રાખવાની ખાતરી આપી છે.

એક મહિલાની હિંમતના કારણે કરીમનો ભાંડો ફૂટ્યો હતો અમદાવાદમાં રહેતી એક વિધવા મહિલાનો એક મેટ્રિમોનિલયલ સાઈટના માધ્યમથી 'આદિત્ય પટેલ' સાથે સંપર્ક થયો હતો. આદિત્ય પટેલે પોતાની પાસે ફેક્ટરી, ખેતીની જમીન, બંગલા હોવાનો દાવો કર્યો હતો અને પોતાને વિધૂર ગણાવ્યો હતો. મહિલાની જ્યારે આદિત્ય પટેલ સાથે ફોન પર વાતચીત થતી હતી ત્યારે એક દિવસ ટ્રુ કોલર પર કરીમ નામ આવતા મહિલા ચેતી ગઈ હતી. ત્યારબાદ મહિલાએ બજરંગદળ અને પોલીસનો સંપર્ક કરી કરીમ ઉર્ફે આદિત્ય પટેલનો ભાંડો ફોડી નાખ્યો હતો અને પોલીસે કરીમ સિપાઈ ઉર્ફે આદિત્ય પટેલની ધરપકડ કરી હતી.

કરીમ ઉર્ફે આદિત્ય પટેલના મોબાઈલમાંથી 100 મહિલાઓનો ડેટા મળ્યો કરીમ ઉર્ફે આદિત્ય પટેલની ધરપકડ કરાયા બાદ તેના મોબાઈલની તલાશી લેતા તેમાંથી 100 જેટલી હિન્દુ મહિલાઓનો ડેટા મળી આવ્યો છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં તસવીરો અને વીડિયો પણ મળી આવ્યા છે.

કરીમ સાથે મોટી ટોળકી સંડોવાયેલી હોવાની આશંકા કરીમ દ્વારા જે રીતે મેટ્રિમોનિયલ સાઈટ પર પ્રોફાઈલ બનાવી હતી, આધારકાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ અને પાસપોર્ટ બોગસ તૈયાર કર્યા હતા તેને જોઈ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે, આ સમગ્ર મામલામાં આખી ટોળકી સંડોવાયેલી હોય શકે.

સંપર્કમાં આવેલી મહિલાને આંજી દેવા મોટી મોટી વાતો કરતો અને મોંઘી ગિફ્ટ આપતો કરીમ કોઈ મહિલાના સંપર્કમાં આવી પહેલા તેને ઇમ્પ્રેસ કરવા માટે મોંઘી ગિફ્ટ આપતો અને ત્યારબાદ તેને વોટ્સએપ પર પોતાના ન હોય તેવા બંગલા અને ગાડીઓના ફોટા મોકલતો તથા મોટા ખેતરના ફોટા મોકલી પોતાની ઘણી જમીન હોવાની બડાશ મારતો હતો. તે તક મળતાં મહિલાઓ પાસેથી રૂપિયા પણ પડાવતો હતો. કરીમે પોતાની પત્નીનું ફેક ડેથ સર્ટિફિકેટ પણ તૈયાર કરાવી લીધું હતું અને તે મહિલાઓને મોકલતો હતો. પોલીસનું માનીએ તો હકીકતમાં કરીમ પાસે કોઈ કામ નહોતું અને નાનું મોટું સ્ટોકમાર્કેટનું કામ કરતો હતો.

રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થઈ શકે પોલીસે હાલ કરીમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. અનેક મહિલાઓ છેતરપિંડીનો ભોગ બની હોય શકે છે. પરંતુ, બદનામીના ડરે કોઈ ફરિયાદ માટે આગળ ન આવતું હોવાનું જાણવા મળ્યું છે.

'આદિત્ય પટેલે' અમદાવાદની મહિલાને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો

મેટ્રિમોનિયલ સાઈટ પરથી પ્રોફાઈલ મેળવી લગ્નગ્રંથીએ જોડાતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની એક વિધવાનો એક મેટ્રિમોનિયલ સાઈટ પર આદિત્ય પટેલ નામના યુવકનો સંપર્ક થયો હતો. બંને વચ્ચે ચારથી પાંચ મહિના સુધી સંપર્ક રહ્યો હતો. એક દિવસ જ્યારે આદિત્યએ ફોન કર્યો ત્યારે મહિલાના ટ્રુ કોલરમાં કરમી નામ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જો કે મહિલાએ હિંમત એકઠી કરી કહેવાતા આદિત્યનો ભાંડો ફોડવાનું મન બનાવી લીધું હતું. મહિલાએ બજરંગદળનો સંપર્ક કર્યો હતો અને કરીમ ઉર્ફે આદિત્યનો ભાંડો ફોડી નાખ્યો હતો. જ્યારે કરીમ ઉર્ફે આદિત્યના ફોનની તલાશી લેવામાં આવી ત્યારે અનેક મહિલાઓ સાથેની ચેટ અને કઢંગી હાલતમાં ફોટો-વીડિયો મળી આવ્યા હોવાનો બજરંગદળના જ્વલિત મહેતાએ દાવો કર્યો છે. કરીમના કબજામાંથી બોગસ પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાસપોર્ટ, આધારકાર્ડ અને રાશન કાર્ડ પણ મળી આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે