Loading...

ખેડૂતો બાદ આવતીકાલથી શિક્ષકોનું પણ રાજ્યભરમાં આંદોલન:20 જૂન સુધી ધરણા ને આવેદનપત્ર આપશે, સુપ્રીમના નિર્ણય સામે શિક્ષક સંઘોએ બાયો ચડાવી

ખેડૂતો બાદ હવે શિક્ષકો દ્વારા પણ રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની બેઠકમાં આવતીકાલથી 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર આપી વિરોધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને પોતપોતાની રીતે કાર્યક્રમો યોજવાના છે. સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે. જેથી સુપ્રીમ કોર્ટ સામે બાયો ચડાવીને વિરોધ પ્રદર્શન કરીને 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માટે આંદોલન કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષક મંડળ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આવતીકાલે કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી આવેદનપત્ર આપશે. જ્યારે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 20 તારીખે ધરણા કરી આનેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ત્રણ કલાક ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવશે અને ત્યારબાદ કલેકટરને આવેદનપત્ર આપશે.

'જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી, તેને TET પાસ કરવી ફરજીયાત' સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે શિક્ષક સંઘે બાયો ચડાવી જેથી સુપ્રિમ કોર્ટના આ નિર્ણયના કારણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય ન ગણી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં.રાજ્યભરના 33 જિલ્લાઓમાં આવતીકાલ(17 જૂન)થી 3 દિવસ(20 જૂન) સુધી કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કરાયો છે.

એક લાખ શિક્ષકો પર નોકરી બચાવવા TET પાસ કરવાનું સંકટ તોળાઈ રહ્યું 2010 પહેલા નિયુક્ત થયેલા અંદાજિત એક લાખ શિક્ષકો પર નોકરી બચાવવા TET પાસ કરવાનું સંકટ તોળાઈ રહ્યું હોવાથી વિરોધ કરવામાં આવશે. અનુભવી શિક્ષકોએ TETના આપવી પડે એ માટે આંદોલન કરવામાં આવશે. 2010 પહેલા TET ના હોવાથી ભરતી નિયમો મુજબ નિયુક્તિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેથી વિરોધ પ્રદર્શન કરી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માટે આંદોલન કરવામાં આવશે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની મિંટિગમાં આંદોલનનો નિર્ણય અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ખોડુભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં 2010 પહેલાના જે શિક્ષકોને TET પરીક્ષા પાસ કરવાનો નિર્દેશ આપ્યો છે તેને લઈને રાજ્યભરમાં ધરણા પ્રદર્શન અને આંદોલન કરવામાં આવશે. 33 જિલ્લામાં શિક્ષકો આગામી 17થી 20 તારીખ સુધી કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવશે.

'જે તે સમયે TET પરીક્ષા નિયમમાં હતી જ નહીં ત્યારે અમે નોકરીમાં લાગ્યા' વધુમાં ખોડુભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અમારી ભરતી 1997 - 98થી રાજ્ય સરકાર દ્વારા નિયમ મુજબ કરવામાં આવી છે. તે સમયે કોઈ TET પરીક્ષા હતી નહીં 2010 પછી તે અમલમાં આવી છે. આ 12 વર્ષમાં TET પાસ કરેલા કોઈપણ કર્મચારી નથી. 25થી 27 વર્ષે સરકાર TET પરીક્ષા શિક્ષકો પાસે પાસ કરાવવા માગે છે. જે તે સમયે TET પરીક્ષા નિયમમાં હતી જ નહીં ત્યારે અમે નોકરીમાં લાગ્યા હતા. ત્યારબાદ 2010 પછી TET પરીક્ષા લેવામાં આવે છે.

જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે સહિતની માગ અન્ય માંગણીઓને લઈને ખોડુભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, તેમજ બીજી માંગણીઓને લઈને પણ વિરોધ અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે. 1- 4- 2005 પછીના શિક્ષકોને તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે. તેની સાથે સાથે 6થી 8ના શિક્ષકોને જુદો ગ્રેડ પે મળે સાથે સાથે વર્તમાન સમયમાં જે રાજ્ય સરકાર દ્વારા HTAT આચાર્યોને વધારાનો શાળાનો ચાર્જ આપવામાં આવ્યો છે, તેની પણ માંગ કરવામાં આવશે. અમદાવાદમાં કલેકટર કચેરી ખાતે 3 નથી 5 વાગ્યા સુધી ધારણા પ્રદર્શન કરવામાં આવશે તે બાદ આવેદનપત્ર આપવામાં આવશે.