Loading...

વૈભવ પર શું હવે પ્રતિબંધ લાગશે?:શ્રીલંકન ખેલાડીને ધક્કો માર્યા પછી વિવાદ વધ્યો, ICC કડક પગલા લઈ શકે; પૂર્વ શ્રીલંકન ટીમ મેનેજરે વિવાદિત કમેન્ટ કરી

શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઈ નેશન વન-ડે સિરીઝ હાલ ચર્ચામાં છે. તેમાં પણ સોમવારે રમાયેલી ઈન્ડિયા-A અને શ્રીલંકા-A મેચ ખૂબ જ વધારે વિવાદોથી ઘેરાયેલી રહી. પહેલા તો શ્રીલંકાની ટીમને 10 રન પેનલ્ટીના રૂપમાં અમ્પાયરે આપ્યા. છેલ્લા બોલ પર ભારત જીતી શકતું હતું, પરંતુ નો શોટ ઓફર ન આપ્યો. ખરાબ લાઇટમાં સુપર ઓવર કરાવવામાં આવી. સુપર ઓવરમાં પણ થર્ડ અમ્પાયરે હાઇટનો નો બોલ આપી. ભારતીય કેપ્ટને અવાજ પણ ઉઠાવ્યો, પરંતુ પછી મેચ રમાડવામાં આવી.

સુપર ઓવરમાં બેટિંગ માટે વૈભવ સૂર્યવંશી અને સૂર્યાંશ શેડગે આવ્યા, જે 17 રનનો ચેઝ ન કરી શક્યા. સુપર ઓવર પછી જ્યારે વૈભવ પરત ફરી રહ્યો હતો ત્યારે ફરીથી ડ્રામા થઈ ગયો, જ્યાં સૂર્યવંશીએ શ્રીલંકાના એક ખેલાડીને ધક્કો મારી દીધો. આવા સમયમાં સવાલ એ છે કે શું આ મામલામાં વૈભવ પર કોઈ કાર્યવાહી થશે કે તેમના પર બેન લાગશે? આના વિશે જાણી લો.

શું વૈભવને ICC આપશે સજા?

આ મેચમાં જ્યારે ઈન્ડિયા Aને હાર મળી ત્યારબાદ વાતાવરણ અચાનક જ ગરમાઈ ગયું, જેની કદાચ જરૂર નહોતી. શ્રીલંકાના ખેલાડીએ પણ પોતાની જાત પર સંયમ રાખવો જોઈતો હતો અને તેમણે પણ ઉશ્કેરણીજનક વાત ન કરવી જોઈતી હતી. મેચ પૂરી થયા બાદ વિશેન હલંબાગેએ તાળીઓ પાડતા વૈભવ અને સૂર્યાંશ પર કંઈક કમેન્ટ કરી, સાથે જ તેમાંથી એક ખેલાડી સૂર્યાંશ તરફ વધી રહ્યો હતો અને વધુ એક ફિલ્ડર તેની સાથે લગભગ ભટકાઈ જ ગયો હતો. આ પછી વૈભવે વિશેનને પોતાના હાથથી ધક્કો માર્યો અને ત્યારબાદ નિરોશન ડિકવેલા અને કેપ્ટન સહાને તરત જ વચ્ચે પડીને બચાવ કર્યો અને મામલો શાંત પાડ્યો.

હવે સવાલ એ છે કે વૈભવે જે રીતે વિશેનને ધક્કો માર્યો, શું ત્યારબાદ તેને ICC તરફથી માત્ર ચેતવણી મળે છે કે પછી કોઈ પ્રકારની સજા ફટકારવામાં આવે છે. ચાલો જાણીએ આ પ્રકારની સ્થિતિ માટે ICCના નિયમો શું છે. ICCના કોડ ઑફ કંડક્ટની કલમ 2.12 મુજબ, કોઈ ખેલાડી, સપોર્ટ સ્ટાફ, અમ્પાયર, મેચ રેફરી કે અન્ય કોઈ વ્યક્તિ સાથે અયોગ્ય શારીરિક સંપર્ક કરવો એ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. ICCના જણાવ્યા મુજબ, ક્રિકેટમાં કોઈપણ પ્રકારનો અયોગ્ય શારીરિક સંપર્ક પ્રતિબંધિત છે. જો કોઈ ખેલાડી જાણીજોઈને અથવા તો બેદરકારીથી પણ અન્ય કોઈ ખેલાડી કે અમ્પાયર સાથે ભટકાય છે, ખભો મારે છે કે શારીરિક સંપર્ક કરે છે, તો તેને દોષિત ગણી શકાય છે. આવા કિસ્સામાં ખેલાડીને ચેતવણી, દંડ અથવા તો ડિમેરિટ પોઇન્ટ્સ આપવામાં આવી શકે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે વૈભવને કેવા પ્રકારની સજા મળે છે.

પૂર્વ શ્રીલંકન ટીમ મેનેજરે વિવાદિત કમેન્ટ કરી

પૂર્વ શ્રીલંકન ટીમ મેનેજર બ્રાયન થોમસે પણ આ મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર વૈભવને નિશાન બનાવતા કહ્યું કે ક્રિકેટમાં જો ફૂટબોલની જેમ રેડ કે યલો કાર્ડ હોત, તો આવા વર્તન પર તરત જ કાર્યવાહી કરવામાં આવી હોત. તેમણે લખ્યું કે જો મેચ રેફરી વૈભવને આગામી મેચ માટે સસ્પેન્ડ કરી દે, તો તેમને ખેલદિલી અને શિસ્તનું મહત્વ સમજાઈ જશે.

બ્રાયન થોમસ અહીં જ ન અટક્યા. તેમણે વૈભવની બેકગ્રાઉન્ડ અને ઉછેરને લઈને પણ વિવાદાસ્પદ કમેન્ટ કરી દીધી. તેમણે કહ્યું કે ભારતના એક ગામડામાંથી આવતા છોકરા પાસેથી કદાચ આ જ પ્રકારના વર્તનની અપેક્ષા રાખી શકાય અને દાવો કર્યો કે ત્યાં ખેલાડીઓના ઉછેરમાં શિક્ષણનો અભાવ હોય છે. તેમણે એવું પણ કહ્યું કે જો વૈભવ પરિસ્થિતિઓથી ખુશ નથી તો પોતાના દેશ પરત ફરી શકે છે, કારણ કે ક્રિકેટને એક જેન્ટલમેન ગેમ માનવામાં આવે છે.

વૈભવે શ્રીલંકન પ્લેયરને ધક્કો માર્યો

દાંબુલામાં એક રોમાંચક સુપર ઓવર મેચમાં ઈન્ડિયા-Aની હાર થયા બાદ તરત જ વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકા-Aના ખેલાડીને ઉગ્ર ચર્ચાઓ પછી ધક્કો પણ માર્યો હતો. આ ઘટના કુગાથાસ માથુલને સૂર્યવંશીને છેલ્લો બોલ નાખ્યા બાદ તરત જ થઈ હતી.

માથુલને પરફેક્ટ યોર્કર નાખ્યો અને જોરદાર સેલિબ્રેશન શરૂ કરી દીધું, જેમાં શ્રીલંકા-Aના અન્ય ખેલાડીઓ પણ જોડાયા. જોકે આનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પણ એવી શંકા છે કે યુવા ઓપનર કાં તો માથુલનની ઉજવણીની રીતથી નાખુશ હતો અથવા મેચ પૂરી થયા પછી તેને કંઈક કહેવામાં આવ્યું હતું. સૂર્યવંશીએ ખેલાડીઓ સાથે ઉગ્ર દલીલો કરવાનું શરૂ કર્યું અને તેણે શ્રીલંકાના એક સ્ટાર ખેલાડીને ધક્કો પણ મારી દીધો.

નિરોશન ડિકવેલાએ વચ્ચે પડીને સૂર્યવંશીને અલગ કરવો પડ્યો હતો. જ્યારે ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવવાનું શરૂ કર્યું ત્યારે પણ વૈભવ ખુશ નહોતો અને પેવેલિયન તરફ પરત ફરતી વખતે તેના સાથી ખેલાડીઓએ તેને શાંત કરવો પડ્યો હતો. કોમેન્ટેટર્સે જણાવ્યું હતું કે દિવસના આવા રોમાંચક મુકાબલા પછી આવી પરિસ્થિતિ સર્જાતી જોવી બિલકુલ યોગ્ય નહોતી.

વૈભવની પહેલા પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે બોલાચાલી થઈ ચૂકી છે

શ્રીલંકા-A સામે સુપર ઓવર પછી વૈભવ સૂર્યવંશી અને એક શ્રીલંકન ખેલાડી વચ્ચે થયેલી બોલાચાલી આ પહેલીવાર નથી. આ પહેલા પણ વૈભવ પાકિસ્તાન સામે અંડર-19 મેચમાં ઘણી વખત આક્રમક અંદાજમાં જોવા મળી ચૂક્યો છે.

2025 અંડર-19 એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 348 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રનચેઝ દરમિયાન વૈભવ 26 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટ લીધા પછી પાકિસ્તાની ફાસ્ટ બોલર અલી રઝાએ તેને આક્રમક અંદાજમાં ઈશારો કર્યો હતો. જવાબમાં વૈભવે ગુસ્સામાં પોતાના શૂઝ તરફ ઈશારો કર્યો હતો. આ ઘટનાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી અને તેના વર્તન પર ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી.