Loading...

અમરેલીમાં યુવકના શિકાર બાદ મિજબાની માણતો સિંહ કેમેરામાં કેદ:વીડિયો ઉતારનારને લાગ્યું પશુને ખાતો હશે; ટ્રક ચાલક હેડલાઈટ ચાલુ રાખી લાઈવ દ્રશ્ય જોતો રહ્યો

ગત 15 તારીખે રાત્રે અમરેલીના રાજુલામાં સિંહે પરપ્રાંતીય યુવક પર હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. જે ઘટના બાદ હાલ બે અલગ અલગ વીડિયો સામે આવ્યાં છે. એક વીડિયોમાં યુવકના શિકાર બાદ સિંહ મિજબાની માણી રહ્યો હોવાનું જોવા મળે છે જોકે, સિંહે પશુનો નહીં પણ માણસનો શિકાર કર્યો તે વીડિયો ઉતારનારને પણ ખબર ન હતી. બીજા એક વીડિયોમાં ટ્રક ચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખીને આ દ્રશ્ય લાઈવ જોતો હોવાનું જોવા મળ્યું છે.

એક વીડિયોમાં જોવા મળે છે કે, જ્યારે સિંહ યુવકનો શિકાર કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતો એક ટ્રક ચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખીને સતત એક કલાક સુધી આ દ્રશ્ય લાઈવ જોતો રહ્યો હતો. સિંહ જ્યારે શિકાર કરીને ત્યાંથી દૂર જાય છે ત્યારે જ ટ્રક ચાલક પણ ત્યાંથી નીકળે છે. હાલ વન વિભાગ અને પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરીને મામલે ગુપ્ત રાહે અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બીજી તરફ અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સિંહ મિજબાની માણી રહ્યો હોવાનું જોવા મળે છે. અહિંથી પસાર થતાં કોઈ વાહન ચાલકે આ વીડિયો ઉતાર્યો હતો. જોકે, વીડિયો ઉતારનારને પણ ખબર ન હતી કે સિંહે કોઈ પશુનો નહીં પણ માણસનો શિકાર કર્યો છે.

સમગ્ર ઘટનાને લઈને અનેક શંકા મૃતક યુવક મૂળ ઉત્તરાખંડનો વતની હતો અને મોડી રાત્રે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો. પોલીસ અને વન વિભાગની પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટનાને લઈને અનેક શંકાઓ ઉપજી રહી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મૃતક યુવક રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ એક ખાનગી કંપનીના બેલ્ટ પાસે આવેલા પાનના ગલ્લે આવે છે. શિકારની આ ઘટના રાત્રે 3 વાગ્યાની આસપાસ બની હતી. પાનના ગલ્લાથી 500 મીટર દૂર આ બનાવ બન્યો હતો. આ વચ્ચેના 2 કલાકના સમય દરમિયાન યુવક ક્યાં હતો તે અંગે વન વિભાગે તપાસ હાથ ધરી છે.

યુવકની બેગ જેમ હતી તેમ જ મળી આવતા રહસ્ય ઘેરાયું આ ઉપરાંત ઘટનાસ્થળે રોડ કાંઠે ટાયર્સની બાજુમાં યુવકની બેગ જે રીતે વ્યવસ્થિત મૂકેલી મળી આવી છે તેનાથી પણ રહસ્ય ઘેરાયું છે. આ બેગની બરાબર પાછળ રોડ નીચે સિંહે યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાં સિંહના સગડ એટલે કે પગલાં પણ મળી આવ્યા છે, જેનાથી સિંહે જ હુમલો કર્યો હોવાનું નક્કી થાય છે.

ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ વિસ્તારના સિંહોએ એક દિવસ પહેલા જ મારણ કર્યું હતું, એટલે કે તેઓ ભૂખ્યા નહોતા. વળી, આ વિસ્તારમાં સિંહો અવારનવાર વાહનો અને લોકોની સાવ નજીકથી મુક્તપણે પસાર થતા હોય છે, પરંતુ ક્યારેય માણસો પર અચાનક હુમલો કરવાની કે પાછળ દોડવાની ઘટનાઓ ખૂબ જ ઓછી સામે આવી છે. આવી સ્થિતિમાં સિંહે અચાનક આ યુવક પર કેમ હુમલો કર્યો તે વન વિભાગને હજુ સમજાતું નથી. આ મૃતક યુવક ઘટના પહેલા રાત્રે 12 વાગ્યાની આસપાસ પણ આ જ વિસ્તારમાં જોવા મળ્યો હતો, જેથી વન વિભાગ આ તમામ કડીઓને જોડીને ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યું છે.

891માંથી 339 સિંહોની વસ્તી માત્ર અમરેલી જિલ્લામાં ACF વિરલ સિંહ ચાવડાએ જણાવ્યું કે, આ અમરેલી અને ભાવનગરની બન્ને ઘટના ખુબ દુઃખદ છે. છેલ્લી સિંહ વસ્તી ગણતરી મુજબ કુલ 891 સિંહો નોંધાયા છે, જેમાં સૌથી વધુ 339 સિંહોની વસ્તી માત્ર અમરેલી જિલ્લામાં છે. આ વસ્તી વધારામાં સ્થાનિક પ્રજાનો સહકાર ખૂબ મહત્વનો રહ્યો છે. સિંહોની સંખ્યા વધવાના કારણે તેઓ જંગલ વિસ્તારની બહાર પણ વિચરતા થયા છે. જેમાં જાફરાબાદ, રાજુલા અને નાગેશ્રીનો પટ્ટો 'કોસ્ટલ કોરિડોર' તરીકે વન્યજીવો ઉપયોગ કરી રહ્યા છે. ટેકનિકલ ભાષામાં આ વિસ્તારને 'સેટેલાઇટ પોપ્યુલેશન 4' તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં અંદાજે 94 જેટલા સિંહો વસવાટ કરે છે.

સિંહોને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા વધુમાં જણાવ્યું કે, સાથે અહિં ઉદ્યોગોને કારણે માનવ વસ્તી પણ ખુબ વધી છે. જેના કારણે આકસ્મિક સંજોગોમાં આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. રાજુલાની ઘટનામાં આગળના દિવસે પણ સિંહે મારણ કર્યું હતું. સિંહ ક્યારેય માનવને પોતાનો ભક્ષ ગણતો નથી. આ એક અસામાન્ય ઘટના છે. તેના આધારે સિંહો આદમખોર બની ગયા છે તેવું પ્રતિપાદિત ન કરી શકાય. વન વિભાગ દ્વારા હાલમાં ઘટના સ્થળ પર હાજર સિંહોને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

સામાન્ય રીતે સિંહો સામેથી હુમલો કરતા નથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના જૂનાગઢના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર (CF) રામ રતન નાલા અને ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) ચિરાગ અમીન સહિતના વરિષ્ઠ અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા. તેમણે સૌપ્રથમ ભાવનગર જિલ્લામાં માનવ-સિંહ હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં માત્ર અવશેષો મળ્યા હતા. ત્યારબાદ તેમણે કોવાયા ગામ નજીક યુવકના શિકાર સ્થળની મુલાકાત લીધી હતી. વન વિભાગના અધિકારીઓ આ ઘટનાઓને શંકાસ્પદ માની રહ્યા છે, કારણ કે સામાન્ય રીતે સિંહો સામેથી હુમલો કરતા નથી.
 

વન વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ઉદ્યોગોને પણ જનજાગૃતિ ફેલાવવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો વન વિભાગના ટોલ-ફ્રી નંબર 1926 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ, અમરેલી જિલ્લામાં દરિયા કાંઠે આવેલા રાજુલા અને જાફરાબાદ પંથકના ઉદ્યોગોમાં સિંહો વસવાટ કરી રહ્યા છે જેમા જાફરાબાદ તાલુકામા બાબરકોટ નર્મદા સિમેન્ટ કંપની, લુણસાપુર સીંટેક્ષ કંપની, કોપર કંપની, ભકોદર સ્વાન એનર્જી, રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીમ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની, પીપાવાવ પોર્ટ સહિત કંપનીની આસપાસ સિંહો ફરી રહ્યા છે. મોટી સંખ્યામાં પરપ્રાંતી લોકો પણ અહીં વસવાટ કરી રહ્યા છે.

હુમલા બાદ યુવકના શરીરની 4 સાવજોએ મિજબાની માણી?