Loading...

'ભ્રષ્ટાચારનું કેન્દ્રીયકરણ કરવા ભાજપ મેન્ડેટ પ્રથા લાવ્યો':'10 વર્ષમાં ભાજપના પ્રમુખો-ઉપપ્રમુખોએ 1 હજાર કરોડનો ભ્રષ્ટાચાર કર્યો', સુમુલ ડેરીની તમામ બેઠક પર ચૂંટણી લડવા કોંગ્રેસની જાહેરાત

સુમુલ ડેરીની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે. હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ગતિમાં છે, ત્યારે કોંગ્રેસે ભાજપની 'મેન્ડેટ પ્રથા' સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સુમુલ એ કોઈ રાજકીય પક્ષની કચેરી નથી, પરંતુ સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકોના પરસેવાની કમાણીથી ચાલતી સહકારી સંસ્થા છે. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેટ આપવાની હિલચાલનો કોંગ્રેસે પશુપાલકોના હિતમાં સખત વિરોધ કરીને તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

રાજકીય ચૂંટણી નથી તો મેન્ડેટ શા માટે? તુષાર ચૌધરીનો સવાલ કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સુમુલ ડેરી પશુપાલકોની સ્વાયત્ત સંસ્થા છે અને અહીં દૂધ ભરનારા પશુપાલકો કોઈ એક ચોક્કસ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા હોતા નથી. નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પક્ષના પ્રતીક પર લડાતી હોવાથી ત્યાં મેન્ડેટ સમજાય છે, પરંતુ સહકારી ચૂંટણીમાં તેનો કોઈ સ્થાન નથી. ભાજપ પહેલા ડિરેક્ટરો અને ત્યારબાદ પ્રમુખ-ઉપપ્રમુખ માટે મેન્ડેટ આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના નિયંત્રણમાં રાખવા માંગે છે, જે સહકારી માળખાની સ્વાયત્તતા પર મોટો પ્રહાર છે.

મેન્ડેટ પ્રથા એટલે 'સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન': કોંગ્રેસ ડૉ. તુષાર ચૌધરીએ વધુમાં આરોપ લગાવ્યો કે ભાજપ દ્વારા આ મેન્ડેટ પ્રથા માત્રને માત્ર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા અને તેને કેન્દ્રિત કરવા ('સેન્ટ્રલાઇઝેશન ઓફ કરપ્શન') માટે લાવવામાં આવી છે. મેન્ડેટ આપીને ડિરેક્ટરોને અગાઉથી જ બાંધી લેવામાં આવે છે જેથી તેઓ પક્ષના ઈશારે કામ કરે અને તેમને ભ્રષ્ટાચાર કરવાની ખુલ્લી છૂટ મળી રહે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપના મેન્ડેટવાળા કોઈપણ ઉમેદવારને બિનહરીફ જીતવા નહીં દે અને તેમની સામે મજબૂત ઉમેદવાર ઊભા રાખશે. જો કોઈ અનુભવી અને સહકારી વિચારધારા ધરાવતી વ્યક્તિ પક્ષ વગર લડવા માંગશે તો કોંગ્રેસ તેને પણ પેનલમાં સાથે રાખીને ચૂંટણી લડશે.

10 વર્ષમાં 1000 કરોડથી વધુના કૌભાંડનો દર્શન નાયકનો દાવો કોંગ્રેસના વરિષ્ઠ સહકારી નેતા દર્શન નાયકે સનસનાટીભર્યા આક્ષેપો કરતા જણાવ્યું કે, વર્ષ 2015 થી 2025 સુધીના છેલ્લા 10 વર્ષમાં ભાજપના મેન્ડેટથી બનેલા પ્રમુખ અને ઉપપ્રમુખના શાસનમાં સુમુલ ડેરીમાં રૂ. 1000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ અંગે સ્થાનિક પશુપાલકો, સહકારી મંડળીઓના પ્રમુખો અને ખેડૂત સંગઠનો દ્વારા વારંવાર રાજ્ય સરકાર અને સહકાર વિભાગને પુરાવા સાથે લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. આ ફરિયાદોના આધારે સહકાર વિભાગ દ્વારા ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-86 હેઠળ તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા.

તપાસ અહેવાલમાં બહાર આવેલા ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દાઓ દર્શન નાયકના જણાવ્યા અનુસાર, નવસારીના રજિસ્ટ્રાર દ્વારા તૈયાર કરાયેલા અંદાજે 1000 પાનાના તપાસ અહેવાલમાં અનેક ચોંકાવનારી ગેરરીતિઓ સામે આવી છે:

  • ધિરાણ કૌભાંડ: પશુપાલકો માટેની રૂ. 25 કરોડથી વધુની લોનમાં ડેરીની મંડળીઓના પ્રમુખો મુદત વીત્યે બાકીદાર બન્યા હોવા છતાં આજે પણ તેમની પાસેથી વસૂલાત કરવામાં આવી નથી.
  • જમીન અને ઉદ્ઘાટન ખર્ચ: માંડવી ખાતે સીંગવાઈ સરકારી જમીનની માગણી હજુ મંજૂર થઈ નથી, છતાં તેના ઉદ્ઘાટન પાછળ જ રૂ. 4 કરોડ 40 લાખનો ધુમાડો કરી દેવાયો.
  • પશુદાણ ફેક્ટરી પ્રોજેક્ટ: પશુદાણ ફેક્ટરી માટે સરકારે રૂ. 20 કરોડની સબસિડી આપી હતી. જે પ્રોજેક્ટનો મૂળ ખર્ચ રૂ. 33 કરોડ હતો, તેને વધારીને રૂ. 133 કરોડ કરી દેવાયો અને તેના ઉદ્ઘાટન પાછળ જ રૂ. 17 કરોડ ખર્ચી નાખવામાં આવ્યા.

આ ઉપરાંત પશુઓની દવાઓની ખરીદીમાં પણ મોટા પાયે કૌભાંડો થયા હોવાનો રિપોર્ટ મુખ્યમંત્રી અને સહકાર મંત્રીના ટેબલ પર પડ્યો હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી.

12 હજાર કરોડની સહકારી સંસ્થાને 'ભાજપ કાર્યાલય' બનવા નહીં દઈએ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે કે, ભાજપ એક તરફ 'સહકારથી સમૃદ્ધિ'ની વાતો કરે છે પરંતુ બીજી તરફ ભ્રષ્ટાચારીઓને જ ફરીથી મેન્ડેટ આપીને 2.5 લાખ પશુપાલકોના લોહી-પરસેવાના નાણાંનો દુરુપયોગ કરવા માંગે છે. વાર્ષિક રૂ. 12000 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરી પર ભાજપ પોતાનું કાર્યાલય બનાવીને સંસ્થાના ભોગે રાજકીય ખર્ચ કરવાની પેરવી કરી રહ્યું છે. પશુપાલકોના આર્થિક હિતોની રક્ષા કરવા માટે કોંગ્રેસ આ ચૂંટણીમાં આરપારની લડાઈ લડવા સજ્જ થઈ છે.

"બાપ-દાદાએ બનાવેલી સંસ્થાને બચાવવા છેલ્લી ઘડી સુધી લડીશું" દર્શન નાયકે પશુપાલકોને અપીલ કરતા જણાવ્યું કે, ચૂંટણીના પરિણામો ગમે તે આવે, પરંતુ આ સંસ્થા આપણા પૂર્વજો અને બાપ-દાદાઓએ અમને અથાગ મહેનત કરીને લોહીના પાણી કરીને ઊભી કરી છે. લાખો પરિવારોનું ગુજરાન આ ડેરી પર નિર્ભર છે. આવી પરિસ્થિતિમાં ભ્રષ્ટાચારી તત્વોના હાથમાં સુમુલનું સુકાન સોંપી શકાય નહીં. પશુપાલકોનું હિત જળવાઈ રહે અને સહકારી ક્ષેત્ર શુદ્ધ રહે તે માટે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ કાનૂની અને રાજકીય સ્તરે ઉગ્ર આંદોલન અને લડત ચાલુ રાખશે.