અમેરિકા-ઈરાન શાંતિ કરાર: ટ્રમ્પે રશિયા-ચીનનો માન્યો આભાર, પણ મિત્ર દેશો પર ભડક્યા
ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં આયોજિત G7 સમિટ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું અને આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. ઈરાન સાથેના યુદ્ધમાં યુદ્ધવિરામની સમજૂતી થયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા ટ્રમ્પે ચીનના વડાપ્રધાન શી જિનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો જાહેરમાં આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે ઈરાન પરમાણુ મહત્ત્વાકાંક્ષાઓ પર લગામ લગાવવાના અમેરિકાના પ્રયાસોમાં આ બંને નેતાઓએ કોઈ અવરોધ ઊભો કર્યો નથી અને તેઓ સમગ્ર સંઘર્ષ દરમિયાન 'તટસ્થ' રહ્યા હતા. ટ્રમ્પના મતે, આ બંને દેશોના વલણને કારણે સ્થિતિ ઘણી બધી શાંત રહી શકી.
મિત્ર દેશો પર પ્રહારો, વિરોધીઓની પ્રશંસા
ટ્રમ્પનું આ નિવેદન તેમના પરંપરાગત સાથી દેશો માટે આંચકા સમાન છે. એકતરફ જ્યાં તેમણે રશિયા અને ચીનની તટસ્થતાના વખાણ કર્યા, તો બીજી તરફ જાપાન અને યુરોપ જેવા અમેરિકાના પરંપરાગત સાથી દેશોની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ સાથી દેશોએ સૈન્ય ઓપરેશનમાં કે ઈરાન દ્વારા બ્લોક કરાયેલા દરિયાઈ વેપાર માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને ખુલ્લો કરાવવાના પ્રયાસોમાં કોઈ મદદ કરી નથી. રશિયા અને ચીન ઈરાનની ખૂબ નજીક હોવા છતાં, તેઓ આ મામલાથી દૂર રહ્યા તે બદલ ટ્રમ્પે રાહત અનુભવી હતી.
પડદા પાછળની વાસ્તવિકતા અને ચીન-રશિયાનું વલણ
જોકે, ટ્રમ્પના દાવા કરતા ગ્રાઉન્ડ રિયાલિટી થોડી અલગ ચિત્ર રજૂ કરે છે. યુદ્ધ દરમિયાન ચીનની સ્વતંત્ર ઓઇલ રિફાઇનરીઓ અમેરિકન પ્રતિબંધોને ફગાવીને ઈરાન પાસેથી સતત ઓઇલ ખરીદતી રહી હતી. એટલું જ નહીં, અમેરિકન ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ અનુસાર, બેઇજિંગે ઈરાનને સંભવિત સૈન્ય ઉપયોગમાં આવી શકે તેવી સામગ્રી પણ પૂરી પાડી હતી અને ઈરાન પરના અમેરિકન હુમલાને તેની સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવીને વખોડી કાઢ્યું હતું. બીજી તરફ, રશિયાએ પણ ચેતવણી આપી હતી કે આ યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં પરમાણુ હથિયારોની હોડ શરૂ થઈ શકે છે.
મોટી સૈન્ય મદદ ન મોકલી એટલે ટ્રમ્પ ખુશ થયા
આ તમામ વિરોધાભાસો છતાં, ટ્રમ્પે માન્યું કે શી જિનપિંગે આ વિવાદનો ઉકેલ લાવવામાં મદદ કરી છે. ટ્રમ્પના મતે, ચીનની ઈચ્છા હોત તો ઈરાનની મદદ માટે છ ડિસ્ટ્રોયર્સ સૈન્ય જહાજો સાથે ઓઇલ ટેન્કર મોકલી શક્યું હોત અથવા મોટા ઘાતક હથિયારો અને સરફેસ-ટુ-એર મિસાઇલ આપી શક્યું હોત, પરંતુ તેમણે એવું કશું ન કરીને અમેરિકા માટે મુશ્કેલીઓ વધારી નથી. આ મામલે વોશિંગ્ટનમાં ચીની દૂતાવાસે નિવેદન આપ્યું છે કે તેમનું વલણ હંમેશાં સ્પષ્ટ રહ્યું છે અને તેઓ શાંતિ સ્થાપવા તથા યુદ્ધનો અંત લાવવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા હતા, જ્યારે આ અંગે રશિયન દૂતાવાસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી નથી.