Loading...

સિંહોએ શિકાર કરેલા યુવકના અંતિમ CCTV:જાહેરમાં લઘુશંકા કરી, સિક્યુરિટીએ રાતે ન જવા કહ્યું પણ યુવક ન માન્યો, ખભે બેગ રાખી વતન જવા નીકળ્યો ને મોતને ભેટ્યો

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં મૃત્યુ પામેલા યુવક પ્રકાશચંદ્રના ઘટના પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં પ્રકાશચંદ્રને ખાનગી કંપનીની કોલોનીમાંથી રાત્રે લગભગ 1 વાગ્યે વતન ઉત્તરાખંડ જવા નીકળતા જોઈ શકાય છે. ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે તેને રાત્રે એકલા ન જવા વિનંતી કરી હતી, પરંતુ તે માન્યો ન હતો.

મૃતક પ્રકાશચંદ્રના અલગ-અલગ CCTV ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં કોલોની વિસ્તારના CCTVમાં તે રસ્તામાં લઘુશંકા કરતો પણ દેખાઈ રહ્યો છે. ત્યાર બાદ તે રોડ પરની પાનની દુકાન પર પહોંચી કેટલાક સ્થાનિક લોકો સાથે વાત કરતા જોવા મળ્યો હતો.

અંદાજે અડધા કિલોમીટર દૂર પહોંચ્યા બાદ સિંહોએ હુમલો કર્યો

ઘટનાસ્થળેથી તેની બેગ સલામત હાલતમાં મળી આવી હતી. અંદાજે અડધા કિલોમીટર દૂર પહોંચ્યા બાદ સિંહોએ તેના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. 16/6/26ના રોજ મૃતક યુવકનું માથું મળી આવ્યું હતું, જ્યારે ગતરોજ (19 જૂન) ઘટનાના ચોથા દિવસે તેનો એક પગ મળી આવ્યો હતો. આ પગ એક શ્વાન દ્વારા ખાનગી કંપનીના પરિસરમાં લઈ જવામાં આવ્યો હતો, જે ઘટના CCTVમાં કેદ થઈ હતી

કંપનીના ગેટથી ઘટનાસ્થળ સુધીના અલગ-અલગ CCTVની ચકાસણી

વનવિભાગ અને પીપાવાવ મરીન પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાની અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જૂનાગઢના CF રામ રતન નાલા અને શેત્રુંજી ડિવિઝનના DCF દ્વારા ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચનાના આધારે રાજુલા રેન્જ વનવિભાગ દ્વારા ખાનગી કંપનીના ગેટથી લઈને ઘટનાસ્થળ સુધીના અલગ-અલગ CCTV કેમેરાની ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં મૃતક યુવાન ખભા પર બેગ લઈને પસાર થતો જોવા મળે છે.

સિંહોના એક જૂથે હુમલો કર્યો હોવાની શક્યતા

ઘટનાસ્થળે જ્યાં શિકાર કરવામાં આવ્યો હતો, ત્યાં તેની બેગ સુરક્ષિત પડી હતી. મૃતક યુવાન હુમલા સમયે બેઠેલી કે સૂતેલી હાલતમાં હતો કે કેમ, તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સિંહોના એક જૂથે હુમલો કર્યો હોવાની શક્યતા પણ તપાસનો એક ભાગ છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ હતી, જે મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢનો વતની હતો અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો તેમજ ગામની બહાર એક રેસ્ટોરન્ટમાં રહેતો હતો. મોડી રાત્રે પ્રકાશ ચંદ્ર પોતાના વતન જવા માટે હોટલેથી નીકળ્યો હતો, તે દરમિયાન કોવાયા ગામ નજીક અંધારામાં ટાંપ લગાવીને બેઠેલા સિંહે તેના પર ઓચિંતો અને જીવલેણ હુમલો કર્યો હતો.

સિંહે યુવકનું માથું ધડથી અલગ કરી, આખું શરીર ફાડી ખાધું

સિંહ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જ્યાં માત્ર ખોપરી અને હાડકાના અવશેષો જોઈને લોકોના કાળજા કંપાવા લાગ્યા હતા.

અમરેલીમાં યુવકના શિકાર બાદ મિજબાની માણતો સિંહ કેમેરામાં કેદ

અગાઉ આ ઘટનાના બે અલગ અલગ વીડિયો સામે આવ્યાં હતા. એક વીડિયોમાં યુવકના શિકાર બાદ સિંહ મિજબાની માણી રહ્યો હોવાનું જોવા મળે છે જોકે, સિંહે પશુનો નહીં પણ માણસનો શિકાર કર્યો તે વીડિયો ઉતારનારને પણ ખબર ન હતી. બીજા એક વીડિયોમાં ટ્રકચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખીને આ દૃશ્ય લાઈવ જોતો હોવાનું જોવા મળ્યું છે.

ટ્રકચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખી સતત કલાક સુધી આ દૃશ્ય જોતો રહ્યો

એક વીડિયોમાં જોવા મળે છે કે, જ્યારે સિંહ યુવકનો શિકાર કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતો એક ટ્રકચાલક વાહનની હેડલાઈટો ચાલુ રાખીને સતત એક કલાક સુધી આ દૃશ્ય લાઈવ જોતો રહ્યો હતો. સિંહ જ્યારે શિકાર કરીને ત્યાંથી દૂર જાય છે ત્યારે જ ટ્રકચાલક પણ ત્યાંથી નીકળે છે. હાલ વન વિભાગ અને પોલીસે આ સીસીટીવી ફૂટેજ કબજે કરીને મામલે ગુપ્ત રાહે અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

યુવકની બેગ જેમ હતી તેમ જ મળી આવતાં રહસ્ય ઘેરાયું

આ ઉપરાંત ઘટનાસ્થળે રોડ કાંઠે ટાયર્સની બાજુમાં યુવકની બેગ જે રીતે વ્યવસ્થિત મૂકેલી મળી આવી છે તેનાથી પણ રહસ્ય ઘેરાયું છે. આ બેગની બરાબર પાછળ રોડ નીચે સિંહે યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યાં સિંહના સગડ એટલે કે પગલાં પણ મળી આવ્યા છે, જેનાથી સિંહે જ હુમલો કર્યો હોવાનું નક્કી થાય છે.

ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો

વન વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા ક્રોસ ચેકિંગમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ વિસ્તારના સિંહોએ એક દિવસ પહેલા જ મારણ કર્યું હતું, એટલે કે તેઓ ભૂખ્યા નહોતા. વળી, આ વિસ્તારમાં સિંહો અવારનવાર વાહનો અને લોકોની સાવ નજીકથી મુક્તપણે પસાર થતા હોય છે, પરંતુ ક્યારેય માણસો પર અચાનક હુમલો કરવાની કે પાછળ દોડવાની ઘટનાઓ ખૂબ જ ઓછી સામે આવી છે. આવી સ્થિતિમાં સિંહે અચાનક આ યુવક પર કેમ હુમલો કર્યો તે વન વિભાગને હજુ સમજાતું નથી. આ મૃતક યુવક ઘટના પહેલા રાત્રે 12 વાગ્યાની આસપાસ પણ આ જ વિસ્તારમાં જોવા મળ્યો હતો, જેથી વન વિભાગ આ તમામ કડીઓને જોડીને ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યું છે.

Image Gallery