Loading...

રાજકોટમાં વૃદ્ધને મોઢે ડૂચો દઈ 2.47 કરોડ રોકડાની લૂંટ:મુક્કો મારી પાડી દીધા, સોનું લઈ બુકાનીધારીઓ ફરાર; જાડેજા પરિવાર પેટ્રોલ પંપ-હોટલ વ્યવસાય સાથે સંકળાયેલો

રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાને ગઇકાલે(19 જૂન) રાત્રે 1 વાગ્યાની આસપાસ બંધક બનાવી 2.47 કરોડ રોકડા તેમજ 2 લાખના સોના સહિતની લૂંટ કરી 4થી 5 જેટલા બુકાનીધારી શખસો ફરાર થઈ ગયા છે.

ઘટનાની જાણ થતા રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. એલસીબી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ રહી છે.

જાડેજા પરિવાર ખેતી, પેટ્રોલ પંપ તેમજ પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.

મને મુક્કો મારીને પાડી દીધો પછી મોઢે ડૂચો દીધો: ભોગ બનનાર ભોગ બનનાર જીતેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે દરવાજો તોડી ચાર-પાંચ જણા અંદર ઘૂસ્યા. અવાજ થયો એટલે હું જાગી ગયો.2 કરોડ 47 લાખ રોકડા, 2 લાખનું સોનું, એક રાઇફલ અને એક નાનો મોબાઈલ ચોરી કરી જતા રહ્યા.

FSL, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી: નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે રાત્રિના સમયે ધાડનો બનાવ બન્યો છે. બનાવ સંદર્ભે એફએસએલ, ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ પણ તપાસવાની કામગીરી ચાલી રહી છે. વહેલામાં વહેલી તકે આરોપીઓ ઝડપાઈ તે પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના ગઇકાલે રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બની હતી. 4થી 5 જેટલા મોઢે બુકાની બાંધેલા લૂંટારુઓ એક ઘરમાં પ્રવેશ્યા હતા. લૂંટારુઓએ ઘરના માલિક અને ફરિયાદી જીતેન્દ્રસિંહ જાડેજાને ડરાવી-ધમકાવી, સામાન્ય ઈજા પહોંચાડી એક બાજુ બેસાડી દીધા હતા.

લૂંટારુઓ કબાટમાંથી રોકડ રકમ, 1 રાઇફલ, સોનું લઈ ભાગી ગયા હતા. રાત્રે આશરે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સ્થાનિક PI, DSP, અને SPએ સ્થળની મુલાકાત લીધી છે. આ ઉપરાંત FSL અધિકારી, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ દ્વારા જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસે આ મામલે ધાડનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.