Loading...

કોલકત્તાની શેરીમાં રખડતો શ્વાન બૌદ્ધ ભીક્ષુકો સાથે 5 દેશ ફર્યો:શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ફ્લાઈટની ટિકિટ મોકલી, દિલ્હી-ગુરૂગ્રામમાં લોકોએ ડોગનો ઓટોગ્રાફ લીધો!!

બૌદ્ધ ભિક્ષુઓ સાથે હજારો કિલોમીટરની પદયાત્રા કરનારો ડોગ સોશિયલ મીડિયામાં છવાયેલો છે. નામ તેનું આલોકા. હમણાં 11 જૂને તે ભારત આવ્યો હતો અને દિલ્હી એરપોર્ટ પર સેલિબ્રિટી જેવું સ્વાગત થયું હતું. દિલ્હી અને ગુરૂગ્રામમાં તેના માટે ખાસ પ્રોગ્રામ ગોઠવ્યો હતો. આલોકા સાથે સેલ્ફી પડાવવા લોકો ટોળે વળ્યાં હતા. મજાની વાત એ છે કે લોકોએ આ ડોગનો ઓટોગ્રાફ પણ લીધો હતો !!

આલોકાની કહાની શરૂ થાય છે ડિસેમ્બર 2022થી માર્ચ 2023 વચ્ચે. જ્યારે અમેરિકાના મઠમાં રહેતું બૌદ્ધ ભિક્ષુઓનું એક ગ્રુપ 112 દિવસની શાંતિ યાત્રા માટે અમેરિકાથી ભારત આવ્યું હતું. આ શાંતિ યાત્રા દરમિયાન કોલકત્તાના રસ્તા પર રખડતા ડોગ સાથે આ બૌદ્ધ ભિક્ષુઓની મુલાકાત થઈ.

ભિક્ષુઓને જોઈને આલોકાને એવું લાગ્યું, જાણે તેને કોઈ પોતાનું મળી ગયું હોય. તે આપમેળે જ ભિક્ષુઓની સફરમાં સામેલ થઈ ગયું. બૌદ્ધ ભિક્ષુઓએ આલોકાને રોકવાની કોશિશ કરી. તેને બીજી જગ્યાએ છોડવાની બહુ કોશિશ કરી. પણ આલોકા આ ભિક્ષુઓનો સાથ છોડવા તૈયાર નહોતો અને તે બૌદ્ધ ભિક્ષુઓની સફરમાં તેની સાથે નીકળી પડ્યો.

આલોકા બૌદ્ધ ભિક્ષુઓ સાથે બૌદ્ધ ગયા, સારનાથ, કુશીનગર અને વૈશાલી જેવા ઘણા પવિત્ર બૌદ્ધ સ્થળોની યાત્રા કરી. આલોકા માટે યાત્રા સરળ નહોતી. રસ્તામાં ઘણા ખૂંખાર કૂતરાઓ તેની પાછળ પડ્યા. તે બીમાર પણ પડ્યો. એકવાર એક કાર ચાલકે ટક્કર મારી. પણ આલોકા શાંતિથી બધું સહન કરતો રહ્યો.

તે દરેક વખતે હિંમતથી ઉઠ્યો ને ભિક્ષુઓની સાથે ચાલતો રહ્યો. બૌદ્ધ ભિક્ષુઓનું માનવું છે કે તેના પૂર્વ જન્મના સારા કર્મના કારણે તે આ યાત્રામાં અમારી સાથે જોડાઈ શક્યો. આલોકા બૌદ્ધ ભિક્ષુઓ સાથે કોલકત્તાથી અમેરિકા ગયો ને ત્યાં પાંચ મહિના પહેલા થયેલી વોક ફોર પિસ યાત્રાનો ચહેરો બની ચૂક્યો હતો. બૌદ્ધ ભિક્ષુઓએ આલોકાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ શરૂ કર્યું.

અમેરિકામાં આલોકાએ ટેક્સાસથી લઈને વ્હાઈટ હાઉસ સુધીની 3,700 કિમીની યાત્રા પણ કરી. આલોકા ભિક્ષુઓની સાથે રોજ યાત્રા કરે છે અને રાત્રે તેમના જ ટેન્ટમાં શેતરંજી પર સૂઈ જાય છે. એક સમયે કોલકત્તાની શેરીમાં રખડતો આલોકા આજે વર્લ્ડ પિસ ડોગ બની ચૂક્યો છે. બૌદ્ધ ભિક્ષુઓ જે દેશમાં પીસ વોક એટલે શાંતિ પદયાત્રા માટે જાય છે ત્યાં આલોકા સાથે જ જાય છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ બૌદ્ધ ભિક્ષુ પન્નકારાને શ્રીલંકાનું આમંત્રણ આપ્યું હતું અને આલોકાને પોતાની સાથે લાવવા વિનંતી કરી હતી. એપ્રિલ 2026માં બૌદ્ધ ભિક્ષુકો શ્રીલંકા ગયા હતા ત્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ આલોકા માટે સ્પેશિયલ ટિકિટ મોકલાવી હતી અને તેને પેસેન્જરોની સાથે સીટ પર જ બેસાડાયો હતો. જ્યારે પ્લેન કોલંબો પહોંચ્યું ત્યારે રાષ્ટ્રપતિ પોતે આ ડોગનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. તેના બોર્ડિંગ પાસમાં પણ મિસ્ટર આલોકા લખાય છે.

ગુરુગ્રામમાં આલોકા સાથે સેલ્ફી, ઓટોગ્રાફ લેવા પડાપડી

  • એક કલાકનો કાર્યક્રમ યોજાયો: ગુરુગ્રામના ધ વેસ્ટિન હોટલમાં 16 જૂન મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે ડોગ 'આલોકા'ને મળવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દિવ્યમ ખેરાએ રાખ્યો હતો. દિવ્યમનું કહેવું છે કે આલોકાની યાત્રા ભારતથી શરૂ થઈ હતી. પીસ ડોગ સાથે સેલ્ફી તો સમજાય, પણ ઓટોગ્રાફ કેવી રીતે લેવાય? એવો સવાલ થાય તો ઘણા લોકો સ્પેશિયલ પેપર લઈને આવ્યા હતા અને ડોગના પંજાની છાપ પેપર પર લેતા હતા. આ રીતે પંજાની છાપરૂપે ઓટોગ્રાફ આપતો હતો.
  • મેનકા ગાંધી સાથે પણ મુલાકાત: હવે લોકોને મળવા માટે આલોકાને ફરીથી ભારત લાવવામાં આવ્યો છે. ભારત આવતા પહેલા આલોકાએ અમેરિકા, શ્રીલંકા, થાઈલેન્ડમાં હજારો કિલોમીટરની શાંતિ યાત્રા કરી હતી. અમેરિકાથી ભારત આવ્યા પછી દિલ્હીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પણ આલોકાને મળ્યાં હતાં.
  • બેઘર પ્રાણીઓ માટે કાર્યક્રમ: બૌદ્ધ ભિક્ષુ પન્નાકારાએ જણાવ્યું કે સમાજમાં બેઘર પ્રાણીઓ પ્રત્યે દયાભાવ જગાડવાના ઉદ્દેશ્યથી જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તેમણે કહ્યું- શાંતિની શરૂઆત આપણા હૃદયમાંથી જ થાય છે.
  • હવે પીસ ડોગ આલોકા વિશે જાણો…

    • કોલકાતાની ગલીઓમાં મળ્યો: પીસ ડોગ આલોકાની વાર્તા કોલકાતાની ગલીઓમાંથી શરૂ થઈ. 2022માં બોધગયાની શાંતિ યાત્રા પર આવેલા બૌદ્ધ ભિક્ષુઓનું એક જૂથ કોલકાતા ગયું હતું. આ દરમિયાન એક સ્ટ્રીટ ડોગ પણ તેમની સાથે ચાલવા લાગ્યો.
    • અકસ્માતમાં ઘાયલ થયો: શાંતિ યાત્રા પર ગુરુગ્રામ આવેલા બૌદ્ધ ભિક્ષુ પન્નકારા અનુસાર, કોલકાતામાં આ ડોગ પોતે જ યાત્રામાં સામેલ ભિક્ષુઓની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. ત્યારબાદ સતત 100 દિવસ સુધી તેમની સાથે જંગલો અને ગામડાઓમાં ફરતો રહ્યો. યાત્રા દરમિયાન એક કારની ટક્કરથી આલોકા ઘાયલ પણ થયો. પરંતુ સાજો થયા પછી ફરી યાત્રામાં સામેલ થઈ ગયો.
    • દત્તક લઈને નવું નામ આપ્યું: બૌદ્ધ ભિક્ષુ પન્નકારાએ આગળ જણાવ્યું કે ડોગની નિષ્ઠા અને શાંતિ યાત્રામાં તેનું વર્તન જોઈને તેમણે આ ડોગને કાયદાકીય પ્રક્રિયા કરીને દત્તક લીધો. તેને પાલી ભાષાનું નામ 'આલોકા' આપ્યું, જેનો અર્થ થાય છે - પ્રકાશ.
    • અમેરિકામાં 3,700 કિમીની પદયાત્રા: પન્નકારાએ આગળ જણાવ્યું કે ભારત પછી તેઓ આલોકાને પોતાની સાથે ફ્લાઈટમાં અમેરિકા લઈ ગયા, ઓક્ટોબર 2025માં ટેક્સાસથી શરૂ થયેલી આ વૈશ્વિક શાંતિ યાત્રા હેઠળ આલોકાએ અમેરિકાના 10 રાજ્યોમાંથી પસાર થતાં લગભગ 3,700 કિલોમીટરની પદયાત્રા પૂરી કરી.
    • ઇન્સ્ટાગ્રામ પર 4.8 લાખ ફોલોઅર્સ

      'આલોકા' ભારતીય સ્ટ્રીટ ડોગ છે. આલોકાની ઉંમર ચાર વર્ષની આસપાસ છે. તેના કપાળ પર એક દિલ આકારનું કુદરતી નિશાન પણ બનેલું છે. બૌદ્ધ ભિક્ષુઓનું કહેવું છે કે આ ઓળખ આલોકાને શાંત સ્વભાવ અને ખાસ બનાવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આલોકાના 4.8 લાખ ફોલોઅર્સ છે. આલોકા ભારત, નેપાળ, અમેરિકા, શ્રીલંકા અને થાઈલેન્ડ એમ પાંચ દેશ ફરી આવ્યો છે.