Loading...

સુરત, નવસારી-વલસાડમાં સવારથી વરસાદ, દ. ગુજરાતમાં એલર્ટ:ચોમાસું મહારાષ્ટ્ર-મુંબઈ તરફ આગળ વધ્યું, ગુજરાત હજુ ગરમીમાં શેકાશે; ગાંધીનગર 41°C સાથે સૌથી ગરમ

દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોને પણ આવરી લેશે. ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત પહેલાં જુદા-જુદા ભાગોમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ ભાવનગરમાં 1.85 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ વલસાડના નાનાપોંઢામાં 1 mm નોંધાયો હતો.

બીજી તરફ, રાજ્યમાં પ્રિ-મોન્સૂન વાદળો અને પવનોની બદલાતી દિશા વચ્ચે તાપમાનમાં મિશ્ર ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલને કારણે લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકો હજુ પણ અસહ્ય ગરમીમાં શેકાઈ રહ્યા છે. સોમવારે ગાંધીનગર 41°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાનમાં સૌથી મોટો 3.5°Cનો ભારે ઘટાડો નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારે 4થી 6 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ ઉમરગામ સહિતના વિસ્તારોમાં 17 mm જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના પગલે લાંબા સમયથી અસહ્ય બફારા અને ગરમીથી તોબા પોકારી ઉઠેલા લોકોને આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

નવસારીમાં તોફાની પવન સાથે સવા ઇંચ વરસાદ, નદીઓ-ડેમમાં નવા નીર નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે અષાઢી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે જલાલપોર પંથકમાં સવા ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે. વરસાદને પગલે જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાની મુખ્ય નદીઓ અને ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.

  • પૂર્ણા નદી: વર્તમાન સપાટી 8 ફૂટ (ભયજનક સપાટી: 23 ફૂટ)
  • અંબિકા નદી: વર્તમાન સપાટી 11 ફૂટ (ભયજનક સપાટી: 28 ફૂટ)
  • જૂજ ડેમ: વર્તમાન સપાટી 147.80 ફૂટ (ઓવરફ્લો લેવલ: 167.5 ફૂટ)
  • કેલીયા ડેમ: વર્તમાન સપાટી 99.13 ફૂટ (ઓવરફ્લો લેવલ: 113.5 ફૂટ)
  • હવામાન વિભાગની આગાહી, 7 દિવસ ક્યાં અને કેવો વરસાદ રહેશે?

    • 23 જૂન: ઉત્તર ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ; દક્ષિણ ગુજરાતના તમામ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી; સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
    • 24 અને 25 જૂન: ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન સંપૂર્ણ સૂકું થઈ જશે. વરસાદનું જોર માત્ર દક્ષિણ ગુજરાત (સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી) અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવ પૂરતું મર્યાદિત રહેશે.
    • 26થી 29 જૂન: અઠવાડિયાના અંતમાં વરસાદ ફરી થોડો વ્યાપ પકડશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ (વડોદરા, ભરૂચ, સુરત વગેરે) અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બાકીના ભાગોમાં તાપમાન યથાવત રહેશે.
    • અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ, પારો 41 ડિગ્રીને આંબશે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. સાંજના સમયે શહેરમાં ગાજવીજ સાથે વરસાદના એક કે બે રાઉન્ડ પડવાની પૂરેપૂરી સંભાવના છે. જોકે, વરસાદ છતાં તાપમાનમાંથી મુક્તિ નહીં મળે અને મહત્તમ પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેથી બફારાનું જોર ચાલુ રહેશે.

      વેધર એનાલિસિસ, સુરતમાં પારો 3.5°C ગગડ્યો, ગાંધીનગર-અમદાવાદમાં અસહ્ય ઉકળાટ રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ છે, તો બીજી તરફ તાપમાનનો પારો ઊંચો રહેતાં અસહ્ય બફારો યથાવત્ છે. ગુજરાતવાસીઓને રાત્રે પણ અસહ્ય ઉકળાટ થઈ રહ્યો છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 0.8°Cના વધારા સાથે 41.0°C પર પહોંચી ગયું છે, જે રાજ્યમાં સૌથી ઊંચું છે. અમદાવાદમાં સહેજ ઘટાડા સાથે પારો 40.5°C નોંધાયો હતો, પરંતુ લઘુત્તમ તાપમાન 29.6°C રહેતાં રાત્રે ભારે અકળામણ રહી હતી. સુરેન્દ્રનગરમાં પારો 40.5°C અને રાજકોટમાં 40.3°C રેકોર્ડ થયો છે.

      સુરતમાં બહુ મોટી રાહત દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાનમાં 3.5°Cનો મોટો ઘટાડો નોંધાતા પારો 32.4°C પર આવી ગયો છે, જે રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન ધરાવતું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ પારો 1.3°C ઘટીને 35.7°C પર સ્થિર થયો હતો.

      અપડેટ્સ

       
      51 મિનિટ પેહલા
      •  
      •  
      •  
      સુરતમાં બીજા દિવસે ધીમીધારે વરસાદ

      સુરતમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરોલી વિસ્તારમાં ઝાપટું વરસતાં વિદ્યાર્થીઓ રેનકોટ પહેરીને શાળાએ જતા જોવા મળ્યા

      છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં થયેલો વધારો-ઘટાડો

      ગુજરાતના હવામાનમાં મિશ્ર ઉતાર-ચડાવ વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત્ રહ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પારો ગગડ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાનમાં સૌથી મોટો 0.8°Cનો વધારો નોંધાયો છે, જેનાથી પારો 40.2°Cથી વધીને 41.0°C પર પહોંચી ગયો છે, જે સામાન્ય તાપમાન કરતાં +2.4°C જેટલું વધુ છે અને ત્યાં લઘુત્તમ તાપમાન 29.0°C રહ્યું હતું. બીજી તરફ, અમદાવાદમાં તાપમાનમાં 0.2°Cનો ઘટાડો થતાં પારો 40.7°Cથી ઘટીને 40.5°C નોંધાયો છે, જે સામાન્ય તાપમાન કરતાં હજુ પણ +1.7°C વધુ છે અને ત્યાં લઘુત્તમ પારો 29.6°C રહ્યો હતો.