Loading...

ખેંચ આવતા હેરિયરચાલકે 6 લોકોને ઉડાવ્યા, યુવતીનું મોત:અમદાવાદમાં રિક્ષા બાદ 3 મોપેડને અડફેટે લઈ કાર દુકાનમાં ઘૂસી; અકસ્માતના ભયાનક CCTV

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા અજિત મિલ બ્રિજથી ગરીબનગર તરફ આવતા રોડ પર 22 જૂનની મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની. ચાલુ કારે ચાલકને અચાનક આંચકી (ખેંચ) આવતા બેકાબૂ બનેલી કારે છ જેટલા લોકોની સાથે હોટેલની ટેબલ-ખુરશીને પણ ઉડાવ્યાં હતાં. આ ભયાનક દુર્ઘટનામાં એક એક્ટિવા સવાર યુવતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય 6 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતાં.

કારચાલકને અચાનક ખેંચ આવી ને સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો, પત્ની-દીકરો પણ સવાર હતાં પોલીસ તપાસમાંથી મળતી વિગતો અનુસાર, ઓઢવના વિરાટનગર રોડ પર આવેલા શ્રદ્ધા બંગલોમાં રહેતા 40 વર્ષીય મયંકકુમાર દીપકભાઈ પટેલ પોતાની સફેદ રંગની ટાટા હેરિયર કાર લઈને પસાર થઈ રહ્યા હતા. કારમાં તેમની સાથે પત્ની ડિમ્પલબેન અને દીકરો કર્મ પણ સવાર હતા. રાત્રે અંદાજે 9:40 વાગ્યે અજિત મિલ બ્રિજ ઉતરતી વખતે મયંકકુમારને અચાનક આંચકી (ખેંચ) આવી જતાં તેમણે વાહન પરનો કાબૂ સંપૂર્ણપણે ગુમાવી દીધો હતો.

રિક્ષા બાદ ત્રણ એક્ટિવાને અપડફેટે લઈ કાર દુકાનમાં ઘૂસી ગઈ બેકાબૂ બનેલી આ કારે ગરીબનગર ચાર રસ્તા પાસે સૌપ્રથમ એક ઓટોરિક્ષાને જોરદાર ટક્કર મારી હતી અને ત્યારબાદ રસ્તા પરથી પસાર થઈ રહેલ ત્રણ એક્ટિવા અને એક બાઈક ચાલકને અડફેટે લીધા હતા. લોકોને કચડ્યા બાદ આ કાર નજીકની એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

અકસ્માત જોનારાના મોઢામાંથી ચીસો નીકળી ગઈ, પોલીસે ભીડને કાબૂમાં લીધી આ ભયાનક અકસ્માત સર્જાતા જ સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. જોતજોતામાં ઘટનાસ્થળે 500થી વધુ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, જેને પગલે પરિસ્થિતિ ભારે તંગ બની ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા જ સ્થાનિક ધારાસભ્ય દિનેશ કુશવાહ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે 2 એસીપી અને પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ અકસ્માત સ્થળેથી ટોળાને દૂર કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

તમામ ઈજાગ્રસ્તોની સાથે કારચાલક પણ સારવારમાં: ટ્રાફિક PI 'H' ડિવિઝન ટ્રાફિક પીઆઈ એચ. વી. ધંધુકિયાએ ઘટના અંગે જણાવ્યું કે, અકસ્માતમાં ભોગ બનેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર કારચાલક મયંકકુમાર પટેલ પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની નાજુક તબિયતને કારણે હાલ તેમનું સત્તાવાર નિવેદન લઈ શકાય તેવી સ્થિતિ નથી. આ અંગે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ઉલ્લેખનીય છે કે, ગરીબનગર ફ્લાયઓવર ચાર રસ્તા પાસે ડિવાઇડર અને ટ્રાફિક સુધારણાની કામગીરી હાલ ચાલુ જ છે. ભવિષ્યમાં આવા અકસ્માતો રોકવા માટે આ ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.