કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક તૂટ્યો, 5 લોકોનાં મોત:50-55 લોકો દટાયા હોવાની આશંકા, 4નું રેસ્ક્યુ; સેના પણ બચાવ કાર્યમાં જોડાઈ
દક્ષિણ કોલકાતાના તારાતલા ટ્રાન્સપોર્ટ ડેપો પાસે બુધવારે બપોરે 1.30 વાગ્યે નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક તૂટી પડ્યો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. 50 થી 55 લોકો દટાયા હોવાની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ગોડાઉનમાં કોંક્રિટ ઢાળવાનું કામ ચાલી રહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, બચાવ કાર્યમાં કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ અને સેના પણ જોડાઈ છે.
કાટમાળ અને લોખંડના સળિયા હટાવવા માટે ક્રેન મંગાવવામાં આવી છે. ગેસ કટર વડે લોખંડના સળિયા કાપવામાં આવી રહ્યા છે. કાટમાળમાં દટાયેલા મજૂરો-કર્મચારીઓની ચીસો પણ સંભળાઈ રહી છે, તેમને વહેલી તકે બચાવવાના પ્રયાસો ચાલુ છે.
રાજ્ય સરકારે લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર 1070, 8697981070 અને 033-22143526/22535185 જાહેર કર્યા છે.