Loading...

વિદ્યાર્થિનીનું ગળું દબાવી હાથની નસો કાપી નાખી:20 ટાંકા લેવા પડ્યા, તાપીની આશ્રમ શાળામાં ક્લાસમેટનો ચપ્પુથી જીવલેણ હુમલો; સુરતમાં સારવાર હેઠળ

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં અંબાજ હાઈસ્કૂલ (આશ્રમ શાળા) માં ધોરણ-9 માં અભ્યાસ કરતી એક 13 વર્ષીય સગીર વિદ્યાર્થિની પર તેની જ ક્લાસમાં ભણતી અન્ય એક વિદ્યાર્થિનીએ ચપ્પુ વડે ઘાતકી અને જીવલેણ હુમલો કરી દીધો છે.

વિદ્યાર્થિનીએ પીઠ પાછળ કે શર્ટમાં કંઈક ભરાઈ ગયું હોવાનું બહાનું કાઢી ભોગ બનનાર માસૂમ દીકરીને શાળાના 3 માળે આવેલા બાથરૂમમાં બોલાવી હતી. ત્યાં લઈ જઈને આરોપી છોકરીએ અચાનક જ તે દીકરીનું ગળું પકડી લીધું હતું અને તેને જમીન પર પછાડી દીધી હતી. ત્યારબાદ પોતાની પાસે સંતાડી રાખેલું તીક્ષ્ણ ચપ્પુ બહાર કાઢીને માસૂમ બાળકીના હાથ પર જોરદાર ઘા ઝીંકી દીધા હતા, જેને કારણે શાળા પરિસરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

તાપીના વ્યારામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં બાળકીના હાથમાં 20 ટાકા લેવાયા છે અને હાલ સારવાર હેઠળ છે.

સાથી વિદ્યાર્થિનીએ ચપ્પુ મારતા ધોરી નસો અને સ્નાયુઓ કપાયા હુમલાના કારણે ભોગ બનનાર 13 વર્ષીય દીકરીના હાથની સ્થિતિ અત્યંત નાજુક અને ભયાવહ થઈ ગઈ હતી. ચપ્પુનો ઘા એટલો ઊંડો અને જોરદાર હતો કે તે છેક હાડકા સુધી પહોંચી ગયો હતો (બોન ડીપ ઘા). હુમલાના કારણે હાથની બંને મુખ્ય ધોરી નસો, જેને તબીબી ભાષામાં અલ્નર આર્ટરી અને રેડિયલ આર્ટરી કહેવામાં આવે છે, તે સંપૂર્ણપણે કપાઈ ગઈ હતી અને તેમાંથી અતિશય બ્લીડિંગ (લોહીનો પ્રવાહ) શરૂ થઈ ગયું હતું. આ ઉપરાંત, આંગળીઓ અને હાથનું હલનચલન સંચાલિત કરતી મુખ્ય ચેતાતંતુની નસો (મીડિયન અને અલ્નર નર્વ્ઝ) તેમજ સ્નાયુઓને ચલાવનારી તમામ મુખ્ય ટેન્ડન્સ પણ આ ઘાતકી હુમલામાં કપાઈ ગઈ હતી, જેના લીધે બાળકીનો હાથ નિષ્પ્રાણ થઈ ગયો હતો.

સુરતની હોસ્પિટલમાં જટિલ સર્જરી, 20 જેટલા ટાંકા આવ્યા ઘટનાની ગંભીરતાને જોતા લોહીલુહાણ હાલતમાં લોહી વહી જતું અટકાવવા માટે બાળકીને તાત્કાલિક વ્યારાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ ગંભીર સ્થિતિને કારણે સુરતની યુનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં હાર્ટ અને લોહીની નસના નિષ્ણાત સર્જન ડૉક્ટર સ્નેહલ દીક્ષિત અને તેમની તબીબી ટીમ દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની અત્યંત જટિલ પ્રાઈમરી સર્જરી (ઓપરેશન) કરવામાં આવી હતી.

તબીબોએ કલાકોની મહેનત બાદ કપાઈ ગયેલી બંને ધોરી નસો, ચેતાતંતુઓ અને સ્નાયુના ટેન્ડન્સનું સફળતાપૂર્વક રિપેરિંગ કર્યું છે. આ ગંભીર ઘાને સાંધવા માટે બાળકીની ચામડી પર લગભગ 20 જેટલા ટાંકા લેવા પડ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર હાલમાં હાથમાં લોહીનું પરિભ્રમણ (સર્ક્યુલેશન) સારું છે, પરંતુ સંપૂર્ણ રુઝ આવવામાં સમય લાગશે.

'બાળકીના હાથમાં ઘા છેક હાડકા સુધી ઊંડો હતો' કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ડૉ. સ્નેહલ દીક્ષિતે જણાવ્યું હતું કે, બાળકીના હાથમાં ઘા છેક હાડકા સુધી ઊંડો હતો. બંને ધોરી નસો અને નર્વ્ઝ સંપૂર્ણ કપાયેલી હતી. અમે જટિલ સર્જરી કરીને બધું રિપેર કર્યું છે.

'મેડમનો ફોન આવ્યો ને અમારો જીવ તાળવે ચોંટ્યો' ભોગ બનનાર વિદ્યાર્થિનીના પિતાએ અત્યંત ભારે હૈયે જણાવ્યું હતું કે, મારી દીકરી અંબાજ હાઈસ્કૂલમાં ધોરણ-9માં ભણે છે. તે છેલ્લા 9 મહિનાથી આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને જ પોતાનો અભ્યાસ કરી રહી હતી.

અમે તાત્કાલિક શાળાએ જવા નીકળ્યા, પરંતુ રસ્તામાં ફરી ફોન આવ્યો કે તેની ગંભીર હાલતને કારણે સરકારી હોસ્પિટલ વ્યારા ખાતે લઈ જવામાં આવી રહી છે, એટલે અમે સીધા વ્યારા પહોંચ્યા હતા. ત્યાં દીકરીએ રડતા રડતા અમને આખી આપવીતી જણાવી હતી.

બંને વચ્ચે માત્ર એક જ અઠવાડિયાનો પરિચય હતો, કોઈ જૂની અદાવત નહોતી બાળકીના પિતાએ વધુમાં ઉમેર્યું હતું કે, તેમની દીકરીને હુમલો કરનાર વિદ્યાર્થિની સાથે કોઈ પણ પ્રકારની જૂની અદાવત, વેરભાવ કે મોટી તકરાર નહોતી. હકીકતમાં, ભોગ બનનાર બાળકી તો એ હુમલાખોર છોકરીને બરાબર ઓળખતી કે જાણતી પણ નહોતી, કારણ કે હજુ માંડ 1 અઠવાડિયું જ થયું હતું જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.

'અતિશય ભયંકર ગુસ્સામાં હુમલો કર્યો' પિતાના જણાવ્યા અનુસાર, હુમલાખોર વિદ્યાર્થિનીએ પોલીસ સમક્ષ પોતાની કબૂલાત કરી લીધી છે કે તેને અચાનક જ કોઈ કારણસર અતિશય ભયંકર ગુસ્સો આવી ગયો હતો. એ ગુસ્સાના આવેશમાં આવીને તેણે નક્કી કર્યું કે તે કોઈને ને કોઈને શિકાર બનાવશે, અને કમનસીબે તેમની માસૂમ દીકરી એકલી મળી જતાં તેણે આ ઘાતકી કૃત્ય આચરી દીધું હતું.

વાલોડ પોલીસે વિદ્યાર્થિનીની અટકાયત કરી આશ્રમ શાળા જેવી શૈક્ષણિક સંસ્થામાં ધોરણ-9ની સગીર વયની બાળકી દ્વારા આ પ્રકારના જીવલેણ હુમલાની ખબર મળતા જ વાલોડ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને વિદ્યાર્થિનીની કસ્ટડી મેળવી છે.

સગીર વયની હુમલાખોર હોવાના કારણે પોલીસ બાળ સુધાર ગૃહ અને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના નિયમો અનુસાર આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી રહી છે. પોલીસે ઘટનામાં વપરાયેલું તીક્ષ્ણ ચપ્પુ કબજે કરવા અને આ સગીરા પાસે ચપ્પુ ક્યાંથી આવ્યું તે દિશામાં પણ ઊંડી તપાસ શરૂ કરી છે.

Image Gallery