રૂ. 7.7 લાખ કરોડની કમાણી પણ બોસનો પગાર માત્ર 17,000? રાજેશ એક્સપોર્ટ્સના આંકડા જોઈને ED પણ ચોંકી ગઈ!
દેશની અગ્રણી જ્વેલરી અને ગોલ્ડ રિફાઇનિંગ કંપની રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ (REL) અને તેની સહયોગી કંપનીઓ પર પ્રવર્તન નિર્દેશાલય (ED) એ મોટી કાર્યવાહી કરી છે. વિદેશી હૂંડિયામણ સંચાલન કાયદા (FEMA) હેઠળ એજન્સીએ બેંગલુરુ અને મુંબઈમાં 9 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન શેર બજારમાં હેરાફેરી, સોનાના સ્ટોકમાં વિસંગતતા અને શંકાસ્પદ વિદેશી વ્યવહારો સહિતની અનેક આર્થિક ગેરરીતિઓ સામે આવી છે.
પગારના માળખામાં ભારે વિસંગતતા
ED ના સત્તાવાર નિવેદન અનુસાર, કંપનીના હોદ્દેદારોના પગારમાં અત્યંત અસામાન્ય અને શંકાસ્પદ બાબતો જોવા મળી છે. રાજેશ એક્સપોર્ટ્સ દ્વારા આશરે 7.7 લાખ કરોડ રૂપિયાની એકત્રિત રેવન્યુ (કમાણી) દર્શાવવામાં આવી હોવા છતાં, કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (MD) ને દર મહિને માત્ર 17,000 રૂપિયાનો જ પગાર ચૂકવવામાં આવતો હતો. એટલું જ નહીં, કંપનીના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) ને વર્ષ 2020 થી કોઈ પગાર જ આપવામાં આવ્યો નથી. એજન્સીના જણાવ્યા મુજબ, આ પ્રકારનું માળખું સામાન્ય વ્યાપારી પદ્ધતિઓથી તદ્દન વિપરીત છે અને તે કંપનીની વાસ્તવિક કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે.
શેર મેનિપ્યુલેશન અને સોનાના સ્ટોકમાં 40 ટકાની ગરબડ
તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે એનઆરઆઈ (NRI) બેનામીદારોના માધ્યમથી અને શેર માર્કેટમાં હેરાફેરી કરીને ભારતમાંથી 600 કરોડ રૂપિયાથી વધુની રકમ બહાર મોકલવામાં આવી છે. આ ઉપરાંત, દરોડા દરમિયાન જ્યારે ફેક્ટરીના રજિસ્ટર અને ત્યાં હાજર ભૌતિક સ્ટોકની ચકાસણી કરવામાં આવી, ત્યારે સોનાના વાસ્તવિક સ્ટોકમાં આશરે 40 ટકાનો મોટો તફાવત (Mismatch) જોવા મળ્યો હતો. કંપનીના શેરના બ્લોક ડીલ્સમાં પણ એવા લોકોના નામ સામે આવ્યા છે, જેમના કનેક્શન ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) ના ડેટા લીકમાં પણ બહાર આવ્યા હતા.
વિદેશી વ્યવહારો અને આફ્રિકન માઇન્સના દસ્તાવેજો ગાયબ
તપાસ દરમિયાન રાજેશ એક્સપોર્ટ્સ આયાત, નિકાસ અને વિદેશી રોકાણો સંબંધિત જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહી છે. ખાસ કરીને, કંપનીએ આફ્રિકન માઇન્સમાં 1,035 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તપાસમાં તેના સમર્થન માટેના કોઈ વાસ્તવિક રેકોર્ડ કે પુરાવા મળ્યા નથી. આ ઉપરાંત, યુએઈ (UAE) અને અન્ય દેશોના શંકાસ્પદ ક્લાયન્ટ્સ સાથે આશરે 3:000 કરોડ રૂપિયાના ટ્રેડ રિસિવેબલ્સની અપારદર્શક ગોઠવણ પણ સામે આવી છે.
ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI) એ પણ વચગાળાનો ઓર્ડર પાસ કરીને કંપની પર નાણાકીય નિવેદનોમાં મોટા પાયે ગેરરીતિઓ કરવાનો આરોપ લગાવ્યો હતો. સેબીના મતે કંપનીએ નાણાકીય વર્ષ 2021 થી 2025 દરમિયાન આશરે 15.15 લાખ કરોડ રૂપિયાની ખોટી રેવન્યુ દર્શાવી હતી, જે તેમના કુલ રિપોર્ટના 99.8 ટકા જેટલી થાય છે. ED એ હાલ તમામ વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કરીને આગળની તપાસ વધુ તેજ કરી છે.