AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી, ઝઘડિયા GIDC પોલીસે ફટકારી નોટિસ, 29મી જૂને હાજર થવા આદેશ
વનકર્મી પર હુમલાના કેસમાં સાત વર્ષની જેલની સજાનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. કાયદાકીય મોરચે ઘેરાયેલા ચૈતર વસાવા સામે હવે વધુ એક તપાસનો ગાળિયો મજબૂત બન્યો છે. ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના 4 નેતાઓને નોટિસ ફટકારીને પોલીસ સ્ટેશને હાજર થવા ફરમાન કર્યું છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, એપ્રિલ 2026માં ઝઘડિયા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનાની જાણ થતા જ દેડિયાપાડાના 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં સ્થિતિ ગંભીર બની ગઈ હતી.
ધારાસભ્યની હાજરીથી રોષે ભરાયેલા મૃતક રાકેશ વસાવાના પરિવારજનોમાંથી એક વ્યક્તિએ તેમનો સખત વિરોધ કર્યો હતો. આ વિવાદ એટલો વકર્યો કે પોલીસની હાજરીમાં જ રોશન વસાવા નામના વ્યક્તિ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી, ઉગ્ર બોલાચાલી બાદ ચૈતર વસાવાએ મૃતકના સંબંધી રોશને લાફો ઝીંકી દીધો હતો બાદમાં રોશને પણ ધારાસભ્ય સામે હાથ ઉગામ્યો હતો અને ધોલધપાટ થઈ હતી. હવે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ચૈતર વસાવા સહિત આપના ચાર નેતાઓને આગામી 29મી જૂન 2026 ના રોજ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર રહીને પોતાનું નિવેદન નોંધાવવા માટે નોટિસ પાઠવી છે.
ભરૂચ કોર્ટે પણ બદનામીના કેસમાં ઈશ્યૂ કરી નવી નોટિસ
એક તરફ પોલીસની નોટિસ છે, તો બીજી તરફ અદાલતી કાર્યવાહીમાં પણ ચૈતર વસાવા મુશ્કેલીમાં મુકાયા છે. પોલીસ પ્રશાસનની છબી ખરડવાના અને ખાતાને બદનામ કરવાના નિવેદન બદલ ગઈકાલે (24મી જૂન) જ ભરૂચની સ્થાનિક કોર્ટે તેમને કોર્ટમાં હાજર થવા માટે તેડું મોકલ્યું છે.
આ કેસમાં અગાઉ ચૈતર વસાવાને 23મી જૂને કોર્ટ સમક્ષ હાજર થવા માટે નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર તેની બજવણી થઈ શકી નહોતી. નોટિસની બજવણી ન થતાં સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ આ બાબતે ગંભીર રજૂઆત કરી હતી. સરકારી પક્ષની દલીલોને ધ્યાને રાખીને ભરૂચ કોર્ટે ફરી એકવાર નવી નોટિસ જારી કરી છે. અદાલતે ધારાસભ્ય ચૈતર વસાવાને આગામી 29મી જુલાઈએ કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે.