Loading...

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ:ઊલટીમાંથી બાળકના અવશેષો મળ્યા, 5 સિંહ પાંજરે પૂરાયા; અમરેલીમાં મહિનામાં ત્રીજી ઘટના, લોકોમાં ભય સાથે આક્રોશનો માહોલ

ગીરના સીમાડે આવેલા અમરેલી જિલ્લામાં વન્યજીવો અને માનવીઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ગત (24 જૂન) રાત્રે એક કાળજું કંપાવી દે તેવી કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક સિંહણે માત્ર 5 વર્ષના માસૂમ બાળકને તેના દાદાની નજર સામેથી જ ઝૂંટવીને મોતને ઘાટ ઉતારી દીધો છે.

આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોક, ભય અને વન વિભાગ સામે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના છે.

દાદાની આંગળી પકડી દૂધ આપવા જતાં કાળ ત્રાટક્યો

મળતી વિગતો મુજબ, ચતુરી ગામે રહેતો 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા રાત્રિના સમયે તેના દાદાની આંગળી પકડીને દૂધ આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન અંધારામાંથી અચાનક ત્રાટકેલી સિંહણે માસૂમ જીયાન પર હુમલો કર્યો હતો. દાદા કાંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને તેમની નજર સામેથી જ ખેંચીને જંગલ તરફ ભાગી ગઈ હતી. દાદાની મજબૂર ચીસો અને બાળકના આક્રંદથી આખું ગામ ગૂંજી ઉઠ્યું હતું.

ગામલોકોએ શોધખોળ કરી, 1 કિલોમીટર દૂરથી મળ્યા અવશેષો

ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક લાકડીઓ લઈને માસૂમની વહારે દોડ્યા હતા અને જંગલ વિસ્તારમાં શોધખોળ આદરી હતી. મૃતકના મામા દાનુભાઈ વઘોસીના જણાવ્યા અનુસાર, વન વિભાગની ટીમ પહોંચે તે પહેલાં ગામના બે-ત્રણ યુવાને લાકડીઓ વડે હુમલો કરીને બાળકને સિંહણની ચુંગાલમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કમનસીબે ગામથી આશરે એક કિલોમીટર દૂરથી જીયાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો, જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

વન વિભાગનું મેગા ઓપરેશન, એક સિંહણ ટ્રેન્ક્યુલાઈઝ કરાઈ

ઘટનાની જાણ થતાં જ ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવ અને ACF કપિલ ભાટિયા સહિતનો વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બાળકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

નવ કલાકના મેગા ઓપરેશન બાદ 5 સિંહ પાંજરે પુરાયા

ACF કપિલ ભાટિયાએ જણાવ્યું હતું કે, તુલસીશ્યામ રેન્જ હેઠળ આવતા ચતુરી રેવન્યુ વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની છે. વન્યપ્રાણીને પકડવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયું છે. ઘટનાસ્થળ નજીક બે વન્યપ્રાણી હાજર હતા, જેમાંથી એક સિંહણને ટ્રેન્ક્યુલાઈઝ કરીને પાંજરે પૂરવામાં આવી છે. નવ કલાકના મેગા ઓપરેશન બાદ 5 સિંહને વનવિભાગની ટીમોએ રેસ્ક્યૂ કરી પાંજરે પૂર્યા છે.

એક નર સિંહે કરેલી ઊલટીમાંથી બાળકના અવશેષો મળ્યા

વનવિભાગ દ્વારા આખી રાત વહેલી સવાર સુધી સિંહોને પકડવા મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. એક નર સિંહ દ્વારા કરેલી ઊલટીમાંથી બાળકના અવશેષો મળ્યા છે. બાળકના અવશેષોને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. અન્ય પકડાયેલા સિંહોના પણ સેમ્પલો લઈ તપાસ માટે મોકલવામાં આવશે.

ગ્રામજનોમાં ભારે રોષ, આંદોલનની ચીમકી

દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચતાં ગામમાં ભય સાથે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે, વન વિભાગની ઘોર બેદરકારીના કારણે માસૂમનો જીવ ગયો છે. એક સમયે જે સિંહ લોકોનો મિત્ર ગણાતો હતો, તે હવે આદમખોર બની રહ્યો છે.

મૃતકના મામા દાનુભાઈએ આક્રોશ ઠાલવતાં કહ્યું કે, ગામમાં આ પ્રકારના બનાવો વારંવાર બને છે. આગલી રાત્રે પણ સિંહોએ આખી રાત અમને સૂવા દીધા નહોતા, છતાં વન વિભાગ ધ્યાન આપતું નથી. અમારી માગ છે કે, વનમંત્રી અર્જુન મોઢવાડીયા રૂબરૂ ગામની મુલાકાત લે અને અમારા રક્ષણની લેખિત બાંહેધરી આપે. ગામમાં કાયમી ફોરેસ્ટ ગાર્ડ અને ઓફિસની વ્યવસ્થા કરવામાં આવે, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરીશું.

 

Image Gallery