રમરમાટ 4 કાર ટકરાઈ, ક્રેટા સળગી, CCTV:એકને ગંભીર ઈજા, ક્રેટાએ મહિન્દ્રા EVને ટક્કર મારી, જે ઈનોવાને અથડાઈ; ગાંધીનગરમાં નશામાં ધૂત નબીરાઓએ SG હાઇવે બાનમાં લીધો
ગાંધીનગરના સરખેજ હાઇવે પર ગઇકાલે(25 જૂન) મોડી રાત્રે એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતી ચાર લકઝુરિયસ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સરગાસણ બ્રિજની શરૂઆતમાં સ્વાગત મોલની બિલકુલ સામે સર્જાયેલા આ અકસ્માતમાં ચારેય વાહનોનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એકની હાલત ગંભીર છે.
રમરમાટ આવતી ક્રેટાના ચાલકે મહિન્દ્રા EVને પાછળથી ટક્કર મારી, જે આગળ જતી ઈનોવા સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર માર્યા બાદ તુરંત જ એક હ્યુન્ડાઈ ક્રેટા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ક્રેટા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
અકસ્માતના પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્ત યુવાનોમાંથી ત્રણ યુવકો સંપૂર્ણપણે નશાની હાલતમાં ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવી રહ્યા હતા અને અકસ્માત સમયે ગાડીઓની સ્પીડ અંદાજે 130 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોવી જોઈએ. ગાંધીનગરમાં નશામાં ધૂત નબીરાઓએ SG હાઇવે બાનમાં લેતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
રાત્રે બેઠા હતા ત્યારે જોરદાર અવાજ આવ્યો પ્રત્યક્ષદર્શી અને ઇજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર યુવરાજસિંહ ભાટીએ જણાવ્યું કે, અકસ્માત સ્થળની નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. મોડી રાત્રે તેઓ અને તેમના સાથી મિત્રો કામકાજમાંથી થોડો બ્રેક લઈને નીચે બેઠા હતા.તે સમયે અચાનક આશરે ત્રણસો મીટર દૂરથી એક જોરદાર અને કાન ફાડી નાખે તેવો ધડાકાભેર અવાજ સંભળાયો હતો.

ચાર લક્ઝુરિયસ કાર એકબીજા સાથે ખરાબ રીતે અથડાઈ હતી અવાજ સાંભળતાની સાથે જ યુવરાજસિંહ અને તેમના મિત્રો ઘટનાસ્થળ તરફ દોડ્યા હતા. ત્યાં પહોંચીને જોયું તો ચાર લક્ઝુરિયસ કાર એકબીજા સાથે ખરાબ રીતે અથડાઈ પડી હતી અને ક્રેટા ગાડી ધાણીની જેમ સળગી રહી હતી.

કારમાં સવાર ચાર યુવાનોને ગંભીર ઈજા આ અકસ્માતમાં ઇનોવા (GJ01JT7623), હ્યુન્ડાઈ ક્રેટા (GJ01WV4423), મહિન્દ્રા 9 ઇવી (GJ02ER7677) અને ટાટા ટિયાગો (GJ01KX9652) નો સમાવેશ થાય છે. અકસ્માતમાં ટાટા ટિયાગો સહિત તમામ ગાડીઓને મોટું નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં કારમાં સવાર ચાર જેટલા યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

‘ત્રણ યુવકો નશાની હાલતમાં ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવી રહ્યા હોવા જોઈએ’ પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્ત યુવાનોમાંથી ત્રણ યુવકો સંપૂર્ણપણે નશાની હાલતમાં ધૂમ સ્ટાઇલમાં ગાડી ચલાવી રહ્યા હોવા જોઈએ.અને અકસ્માત સમયે ગાડીઓની સ્પીડ અંદાજે 130 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોવી જોઈએ.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા સ્થાનિક લોકો અને યુવરાજસિંહની મદદથી તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ મારફતે ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ત્રણ વ્યક્તિઓને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં અને એક વ્યક્તિની સ્થિતિ વધુ ગંભીર જણાતા તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે, અકસ્માત બાદ અરાજકતાનો માહોલ સર્જાતા કોઈપણ વાહનના માલિક અથવા ડ્રાઈવર ઘટનાસ્થળે હાજર મળી આવ્યા ન હતા. આ ચકચારી ઘટનાને પગલે સેક્ટર 7 પોલીસે ગુનો નોંધીને નશાખોર નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી અને અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે.
ક્રેટાના ચાલકે મહિન્દ્રા EVને પાછળથી ટક્કર મારી, જે આગળ ઈનોવાને અથડાઈ આ અંગે પોલીસ સૂત્રોએ કહ્યું કે, સરગાસણ બ્રિજ પર ઇનોવા ગાડી જઈ રહી હતી. જેની પાછળ મહિન્દ્રા EV ગાડી હતી. મહિન્દ્રા ગાડીને ઓવરટેક કરવાનો હોઈ જે સહેજ બહાર નીકળ્યો હતો. એ જ અરસામાં અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવતી ક્રેટા ગાડીના ચાલકે કાબૂ ગુમાવી દઈ મહિન્દ્રા કારને પાછળથી ટક્કર મારી હતી. જે ગાડી આગળ જતી ઇનોવાને અથડાઈ હતી. ક્રેટા કાર અકસ્માત પછી સળગી હતી. જેમાં ત્રણ યુવાનો સવાર હતા. જેમના નામ અયાન, કૌસ્તુભ દવે અને ચિત્રાંગ દવે હોવાનું જાણવા મળ્યું છે. આ ત્રણેય અમદાવાદના રહેવાસી છે. જ્યારે અન્ય એક કાર ચાલક વ્યક્તિને પણ ઇજાઓ થઈ હતી. જેઓને અમદાવાદ સિવિલ શિફ્ટ કરાયા છે. જે પૈકી એકને કેડી હોસ્પિટલ લઈ જવાયો છે.