Loading...

બે જુથ વચ્ચે પથ્થરમારો, સામસામે દંડા લઈને તૂટી પડ્યા-VIDEO:અમદાવાદના દરિયાપુર રથયાત્રા રૂટ પર બબાલ, તોડફોડ અને હુમલાની ફરિયાદ જ નોંધાઈ

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રથયાત્રાના રૂટ પર બે જૂથો વચ્ચે ગત(28 જૂન) મોડી રાત્રે પથ્થરમારો અને હિંસક અથડામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં બંને પક્ષના લોકો સામસામે પથ્થરમારો અને દંડા લઈને તૂટી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

દરિયાપુરના નાની અલીની પોળ વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ પથ્થરમારાનો વીડિયો વાઇરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. એક તરફ બંને પક્ષે સામસામે હુમલાની ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ વાઇરલ થયેલા વીડિયોમાં પથ્થરમારો જોવા મળતો હોવાના દાવા છતાં પોલીસ ફરિયાદમાં તેનો કોઈ ઉલ્લેખ ન કરાતા સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે.

.

એક યુવક લોહીલુહાણ.
એક યુવક લોહીલુહાણ.

બે યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો મળતી માહિતી મુજબ દાંડીયાવાડના નાકા પાસે બે યુવકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. સ્થાનિકોના હસ્તક્ષેપ બાદ મામલો શાંત પડી ગયો હતો, પરંતુ જૂની અદાવત અને બોલાચાલીના કારણે બાદમાં બંને પરિવારો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ દરમિયાન એક પક્ષના લોકો સામા પક્ષના ઘરે પહોંચ્યા હતા અને બોલાચાલી બાદ વાતાવરણ વધુ ગરમાયું હતું. મહિલાઓ વચ્ચે પણ તકરાર થઈ હતી, જેમાં એક મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સાંજના સમયે પોળમાં જમણવારનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે ફરી એક વખત બંને જૂથ આમને-સામને આવી ગયા હતા.

બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.
બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી.

બે જૂથ સામસામે દંડા લઈને તૂટી પડ્યા હતા, બંને પક્ષની ફરિયાદ આરોપ છે કે દંડા અને અન્ય સાધનો સાથે આવેલા લોકોએ હુમલો કર્યો હતો અને કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બીજી તરફ સામા પક્ષે પણ દરિયાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેના આક્ષેપ મુજબ વિરોધી પક્ષના લોકો હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને પક્ષની ફરિયાદોના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એકબીજા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતાં.
એકબીજા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતાં.

એકબીજા પર પથ્થરો ફેંક્યા અને ભાગદોડ મચી, વીડિયો વાઈરલ આ સમગ્ર ઘટનાનો એક વીડિયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો એકબીજા તરફ પથ્થરો ફેંકતા અને ભાગદોડ મચી હોવાના દ્રશ્યો જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, પોલીસે નોંધેલી ફરિયાદોમાં કે પ્રાથમિક વિગતોમાં પથ્થરમારાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેના કારણે સ્થાનિકો અને વેપારીઓમાં ચર્ચા શરૂ થઈ છે કે જો પથ્થરમારો થયો હતો તો તેનો ઉલ્લેખ ફરિયાદમાં કેમ કરવામાં આવ્યો નથી.

રથયાત્રાના રૂટ પર ઝઘડો થતાં પોલીસ પેટ્રોલિંગ પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા.
રથયાત્રાના રૂટ પર ઝઘડો થતાં પોલીસ પેટ્રોલિંગ પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા.

જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ સ્થાનિક લોકોનું કહેવું છે કે, વાઇરલ થયેલા વીડિયોની તટસ્થ તપાસ થવી જોઈએ અને જો પથ્થરમારો થયો હોવાનું પુરવાર થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બંને પક્ષની ફરિયાદો ઉપરાંત વાઇરલ થયેલા વીડિયો સહિતના તમામ પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રથયાત્રા પહેલાં જૂના શહેર વિસ્તારમાં બનેલી આ ઘટના અને પથ્થરમારાના વાઇરલ વીડિયોએ કાયદો અને વ્યવસ્થાને લઈને નવા સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસની તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

 

જાહેરમાં પથ્થરમારો, બહેરામપુરામાં પાર્કિંગ નવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી

27મેના અમદાવાદમાં બે પરિવારો વચ્ચે પથ્થરમારો થયો હતો.
27મેના અમદાવાદમાં બે પરિવારો વચ્ચે પથ્થરમારો થયો હતો.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જાણે અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. 27 મે 2026ના શહેરના બહેરામપુરા વિસ્તારમાં ધોળા દિવસે જાહેર રોડ પર બે પરિવારો વચ્ચે લાકડીઓ, લોખંડની પાઈપો વડે હુમલો અને સામસામે ભારે પથ્થરમારો થવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી.