Loading...

જેઠ પૂનમે શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર:અંબાજી-ખેડબ્રહ્મામાં 'જય અંબે'નો નાદ, ચોટીલા-ઊંઝામાં હજારો માઈભક્તો પહોંચ્યા, મહિલાઓમાં વટ પૂર્ણિમાના વ્રતનો ઉત્સાહ

કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં જેઠ સુદ પૂનમ (વટ સાવિત્રી પૂર્ણિમા) નિમિત્તે ભક્તિનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને 'નાના અંબાજી' તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ હજારો માઈભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આ પવિત્ર દિવસે સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું છે.

1. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર

દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક એવા અંબાજી મંદિરમાં પૂનમના પાવન અવસરે વહેલી સવારથી જ ભક્તોનો મહાસંગમ જોવા મળ્યો છે.

અંબાજીમાં મંગળા આરતીમાં અદભુત માહોલ
અંબાજીમાં મંગળા આરતીમાં અદભુત માહોલ

મંગળા આરતીમાં અદભુત માહોલ

વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર 'બોલ માડી અંબે જય જય અંબે'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.

અંબાજીમાં સિદ્ધિ વિનાયકની આરતી બાદ આદ્યશક્તિ માતાજીની આરતી અને ત્યાર બાદ અંબિકેશ્વર મહાદેવની આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લીન થઈને ધન્યતા અનુભવી હતી.

વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીના દર્શન કરવા માટે અંબાજીમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી
વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીના દર્શન કરવા માટે અંબાજીમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી

પૂનમના વિશેષ અવસરે આકર્ષક શણગાર

પૂનમના વિશેષ અવસરે મંદિર પ્રશાસન દ્વારા સમગ્ર પરિસરને રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અંબાજી મંદિર પરિસરને રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યું
અંબાજી મંદિર પરિસરને રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યું

2. 'નાના અંબાજી' ખેડબ્રહ્મા ખાતે ચાચર ચોક ઉભરાયો

બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે પણ જેઠ પૂનમે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વ્રતની પૂનમ હોવાના કારણે સમગ્ર જિલ્લા તેમજ રાજ્યભરમાંથી માઈભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે.

 

મંગળા આરતીમાં જનમેદની ઉમટી

વહેલી સવારે યોજાયેલી મંગળા આરતી વખતે જ મંદિરનો પ્રખ્યાત ચાચર ચોક ભક્તોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. કમળ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી અંબિકા માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી, ચરણોમાં શીશ ઝુકાવી અને મંદિરની પ્રદક્ષિણા કરીને ભક્તોએ કૃતજ્ઞતા અનુભવી હતી.

ખેડબ્રહ્મામાં કમળ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી અંબિકા માતાજીના દિવ્ય દર્શન
ખેડબ્રહ્મામાં કમળ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી અંબિકા માતાજીના દિવ્ય દર્શન

રાત્રિના 09:45 વાગ્યા સુધી અવિરત દર્શન ચાલુ રહેશે

શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું હતું કે, પૂનમના વિશેષ દિવસને પગલે વહેલી સવારે 06:15 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવાયા હતા. ત્યાર બાદ 06:30 વાગ્યે મંગળા આરતી થઈ અને હવે 11:30 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે.

નોંધનીય છે કે, ભક્તોની સુવિધા માટે આજે વહેલી સવારના 06:15થી લઈને રાત્રિના 09:45 વાગ્યા સુધી અવિરત દર્શન ચાલુ રાખવાનું સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

 

મહિલાઓમાં વટ પૂર્ણિમાના વ્રતનું વિશેષ મહત્વ

આ પૂનમ જેઠ મહિનાની પૂનમ હોવાથી તેને 'વટ પૂર્ણિમા' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્ય માટે વ્રત રાખતી હોવાથી મંદિરોમાં મહિલા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વિશેષ જોવા મળી રહી છે. અંબાજી અને ખેડબ્રહ્મા બંને સ્થાનો પર વહેલી સવારથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ મોડી રાત સુધી અવિરત ચાલુ રહેશે, જેના કારણે ઉત્તર ગુજરાતના આ ધાર્મિક સ્થળો ભક્તિના રંગે રંગાયા છે.

કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી
કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી

3. ઊંઝા ઉમિયા માતાજી મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ઊંઝા, જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ નિજ મંદિર સંકુલ ખાતે માતાજીના દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી.

આજે ઊંઝા ઉમિયાધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. માઈ ભક્તો માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવ્યા હતા. કેટલાક પગપાળા સંઘો પણ ઉમિયા માતાજી મંદિરે પહોંચ્યા હતા, જેના કારણે 'જય મા ઉમિયા'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આશરે 650 પગથિયાં ચડીને ભક્તો ડુંગર પર આવેલા મંદિરે પહોંચે છે.
આશરે 650 પગથિયાં ચડીને ભક્તો ડુંગર પર આવેલા મંદિરે પહોંચે છે.

4. અસહ્ય ગરમી છતાં ભક્તોએ મા ચામુંડાના દર્શન કર્યા

નિજ જેઠ પૂનમના પવિત્ર દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી હોવા છતાં હજારો ભક્તોએ મા ચામુંડાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.

સૌરાષ્ટ્રના રાજકોટ નજીક આવેલા ચોટીલા ડુંગર પર બિરાજમાન મા ચામુંડાના દર્શનાર્થે દેશભરમાંથી ભક્તો આવે છે. આશરે 650 પગથિયાં ચડીને ભક્તો ડુંગર પર આવેલા મંદિરે પહોંચે છે. સામાન્ય દિવસોમાં પણ અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.