નવસારીમાં સૌથી વધુ 3.66 ઈંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યાં:ધોલેરામાં પણ શરૂ, 48 કલાકમાં ચોમાસું ગુજરાતને કવર કરી લેશે; ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને સત્તાવાર રીતે ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ, આ વર્ષે ચોમાસું 24 જૂને બેસ્યું હતું. મોડું બેસ્યા બાદ પણ દક્ષિણ ગુજરાતમાંથી આગળ ન વધતા જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જો કે, હવે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ થોડી રાહતના સમાચાર આવ્યા છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વરસાદ ભુક્કા કાઢે તેવી શક્યતા છે. આવતીકાલ (1 જુલાઈ)થી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
બીજી તરફ, આજે સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 53 તાલુકમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીમાં 3.66 ઇંચ વરસાદથી કેટલાક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં અને સામાન પલળી ગયો હતો. સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડીરાતથી વિધિવત ચોમાસું શરૂ થઈ ગયું છે.શરૂઆતના જ વરસાદમાં સ્માર્ટ સિટી સુરતના અનેક ગરનાળા, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે. સુરત ઉપરાંત નવસારી, અમરેલી, જૂનાગઢ, ઉના અને તાપી સહિતના પંથકોમાં પણ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ શરૂ થતાં અસહ્ય બફારાથી લોકોને રાહત મળી છે અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
આ ઉપરાંત કતારગામ, ઉધના અને પર્વત પાટિયા જેવા વિસ્તારો બેટમાં ફેરવાઈ જતાં હજારો નોકરીયાતો કલાકો સુધી ટ્રાફિકજામમાં અટવાયા હતા. ભારે વરસાદ અને મીઠી ખાડીના પાણી બેક મારવાને કારણે ભગવાન મહાવીર યુનિવર્સિટી અને સરસ્વતી વિદ્યાલય જેવા શૈક્ષણિક કેમ્પસોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં માસૂમ વિદ્યાર્થીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા. તંત્રની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.