Loading...

નાસીરનગર ડિમોલિશનમાં ઓર્ડર કરનારી મોટી માછલીઓને બચાવવા કારસો?:સ્થળ પર હાજર સુરત મનપાના સુજલ પ્રજાપતિ અને રામજીવાલા સહિત 5 એન્જિનિયર સસ્પેન્ડ, પાંચેય સામે હાઇકોર્ટમાં અરજી

સુરતના નાસીરનગર ડિમોલિશનમાં કોર્પોરેશનના એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં સુજલ પ્રજાપતિ, જયંગ રામજીવાલા, મોનિક ગઢીયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પાંચેય સામે હાઇકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે 30 મે, 2026ના રોજ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનની કામગીરી અંગે ઊભા થયેલા વિવાદ બાદ એક વિશેષ તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ તપાસ સમિતિએ રજૂ કરેલા અહેવાલને આધારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે હવે વિધિવત રીતે ખાતાકીય તપાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નિષ્પક્ષ તપાસ બાદ પાંચ અધિકારીઓને કરાયા ફરજમોકૂફ આ સમગ્ર કેસની ખાતાકીય તપાસ સંપૂર્ણપણે તટસ્થ અને નિષ્પક્ષ રીતે થઈ શકે તે બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આકરા પગલાં લેવાયા છે. જેમાં કામગીરી સાથે જોડાયેલા કાર્યપાલક ઈજનેર (સિવિલ) સુજલકુમાર ધરમશીભાઈ પ્રજાપતિ અને જયાંગ રજનીકાંત જીવનરામજીવાલા, ડેપ્યુટી ઈજનેર અર્પણ મનસુખલાલ પરમાર, આસિસ્ટન્ટ ઈજનેર મોનિક બાબુભાઈ ગઢીયા તથા જુનિયર ઈજનેર નરેશકુમાર બીનલભાઈ ગલચર સહિત કુલ પાંચ અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી (સસ્પેન્ડ) હેઠળ મૂકવાના હુકમો જાહેર કરવામાં આવ્યા છે.

જયંગ રામજીવાલા ઘટનાસ્થળે હાજર હતા નાસીરનગર ડિમોલિશન પ્રકરણમાં કેન્દ્ર સ્થાને રહેલા સેન્ટ્રલ ઝોનનાં કાર્યપાલક એન્જિનિયર 8 જૂન સવારથી અચાનક એક સપ્તાહ માટે રજા પર ઉતરી ગયા હતા. માથા પર રૂમાલ બાંધીને ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન ઘટનાસ્થળે હાજર રહેલા જયાંગ જીવન રામજીવાલાએ વિવાદ વકરતાં પોતાને બચાવવાનાં ભરપૂર પ્રયાસ કર્યા હતા. જો કે, સોશિયલ મીડિયામાં ડિમોલિશન કામગીરી દરમિયાન તેમના વીડિયો વાઇરલ થતાં તેઓની હાલત કફોડી બની હતી.

સુજલ પ્રજાપતિનો શું રોલ?

  1. શ્રીરામ એજન્સીને ત્રણ પોકલેન, બે જેસીબી બ્રેકર-60 માણસો લઈ આવવા સુચના આપી.
  2. સુજલનો ઝોન નહીં હોવા છતાં સ્થળ પર પહોંચ્યા.
  3. જેમનો ઝોન હતો તેના જવાબદાર અધિકારીને ઉપરીનો મેસેજ બતાવી સાઈડલાઈન કર્યા.
  4. પોલીસની હાજરીમાં તોડવાની સુચના સુજલ પ્રજાપતિએ આપી હતી.
  5. સુજલ જે વિભાગ સંભાળે છે તેના એકપણ અધિકારી સાથે ન હતા.

હાઇકોર્ટે 29 જૂને પોલીસ કમિશનરનો ઉધડો લીધો હતો સુરત નાસીરનગર ડિમોલિશન મામલે 29 જૂને હાઈકોર્ટે કડક વલણ અપનાવતા ફરી એકવાર સુરત પોલીસ કમિશનરની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, પોલીસની હાજરી હોવા છતાં ત્યાં ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ અને તંત્રે 16 દિવસ સુધી કોઈ પગલાં કેમ ન લીધા?.

આ સાથે જ હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યો કે ડીમાર્કેશનની કામગીરીમાં DCP કક્ષાના અધિકારીઓ જાય?. આ સમગ્ર વિવાદમાં હાઈકોર્ટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરીને સંબંધિત બિલ્ડરને પણ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. આ સમગ્ર મામલે આગળની સુનાવણી 2 જુલાઈના રોજ યોજાશે.