Loading...

સુરત-નવસારીમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં વરસાદ ભુક્કા બોલાવશે:5 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, ગુજરાતનો દરિયો તોફાની બની શકે; જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું

હવામાન વિભાગે આગામી 5 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને આજે 1 જુલાઈના સુરત અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં પણ મેઘરાજા ભુક્કા બોલાવશે તેવી સંભાવના છે. દરિયો તોફાની બનવાની આશંકાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.

બીજી તરફ દેશની વાત કરીએ તો, ઉત્તર ભારતમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહત્વનું છે કે,આ વર્ષે જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશ વરસાદમાં 80 ટકાની ઘટ નોંધાઈ છે. અને રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આજે 1 જુલાઈથી 5 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ સુધી વાવાઝોડા સાથે વીજળી થવાની પણ શક્યતા છે અને પવનની સ્પીડ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 1 જુલાઈના દક્ષિણ ગુજરાતના સુરત નવસારી દમણ વલસાડ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને રાજકોટ જુનાગઢ વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

આજે 1 જુલાઈએ સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વાપી તાલુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો. જ્યારે 10 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વાપીમાં પાંચ ઈંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચલા રોડ, કચીગામ રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા તો રેલવે અંડર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. સુરતમાં ઉધના નજીક રોડ બેસી જતા એસટી બસ ખૂંપી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ છે.