Loading...

મકાન માલિકોને હાઈકોર્ટનો ઝટકો, ભાડુઆતની સિક્યોરિટી ડિપોઝિટમાંથી બેફામ પૈસા નહીં કાપી શકે

દિલ્હી હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાએ મકાનમાલિકોની મનમાની પર રોક લગાવતા ભાડૂઆતોને મોટી રાહત આપી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, ભાડૂઆત દ્વારા જમા કરાવવામાં આવેલી સિક્યોરિટી ડિપોઝિટમાંથી દીવાલોનો કલરકામ, સામાન્ય તૂટ-ફૂટ, નાના-મોટા સમારકામના નામે પૈસા ન કાપી શકાય.
કોર્ટના જણાવ્યા પ્રમાણે આ રકમમાંથી કપાત માત્ર ત્યારે જ કરી શકાય છે જ્યારે નુકસાન જાણીજોઈને કરવામાં આવ્યું હોય અથવા તે અત્યંત ગંભીર પ્રકૃતિનું હોય.
હવે સિક્યોરિટી ડિપોઝિટમાંથી બેફામ પૈસા કાપી શકાશે નહીં
કાયદા પ્રમાણે ભાડૂઆત પાસેથી માત્ર એવા જ નુકસાનનું વળતર વસૂલ કરી શકાય છે જે સામાન્ય વપરાશ કરતાં વધુ હોય. મકાન માલિકે એ પણ સાબિત કરવું પડશે કે નુકસાન ખરેખર ભાડૂતના કારણે જ થયું છે. આ સાથે જ રિપેરિંગ પાછળ થયેલો ખર્ચ વાજબી અને જરૂરી હતો તે પણ દર્શાવવું પડશે. કોઈપણ પુરાવા વિના સિક્યોરિટી ડિપોઝિટમાંથી બેફામ પૈસા કાપી શકાશે નહીં.
તાજેતરમાં જ દિલ્હી હાઈકોર્ટે 'મેસર્સ રિટસ હેરિટેજ અને અન્ય વિરુદ્ધ સંગીતા ગુપ્તાના કેસમાં આ જ મુદ્દે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, કઈ પરિસ્થિતિઓમાં મકાન માલિક ભાડૂઆત પાસેથી રિપેરિંગ અને રિનોવેશનનો ખર્ચ વસૂલ કરી શકે છે. માલિકે દાવો કર્યો હતો કે, મકાનને થયેલા ગંભીર નુકસાન બાદ તેણે તેના રિપેરિંગ પાછળ 7 લાખનો ખર્ચ કર્યો હતો. જેમાંથી ભાડે આપવામાં આવેલા બીજા અને ત્રીજા માળના રિપેરિંગ પાછળ 4.5 લાખનો ખર્ચ થયો હતો.
કોર્ટે પોતાના ચુકાદામાં શું કહ્યું?
આ દાવા પર મકાનમાલિકોએ અદાલતમાં બિલ, રસીદો, ઈન્વોઇસ અને મકાન ખાલી થયા પછીના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા. તેમનું કહેવું હતું કે, ભાડૂઆત ખાલી કરીને ગયા બાદ સંપત્તિના રિપેરિંગ અને રિનોવેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. જોકે, કોર્ટે પોતાના ચુકાદામાં એ વાત પણ સ્વીકારી કે, જો ભાડૂઆતના કારણે મકાનને સામાન્ય કરતાં વધુ બાહ્ય કે આંતરિક નુકસાન થયું હોય, તો તેની ભરપાઈ ભાડૂઆત પાસેથી વસૂલ કરી શકાય છે.
કોર્ટે તસવીરોની તપાસ દરમિયાન નોંધ્યું કે, વીજળીના કેટલાક ફિટિંગ્સ હટાવી લેવામાં આવ્યા હતા અને મિલકતને એવું નુકસાન પહોંચ્યું હતું જેને સામાન્ય વપરાશનો ભાગ ન માની શકાય. આવા નુકસાન માટે ભાડૂઆત જવાબદાર હોઈ શકે છે. કોર્ટના આ ચુકાદાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, મકાન ખાલી કરાવતી વખતે મકાનમાલિક માત્ર પેઈન્ટિંગ, વ્હાઈટવોશ કે સામાન્ય જાળવણીના નામે સિક્યોરિટી ડિપોઝિટમાંથી બેફામ પૈસા કાપી શકે નહીં. પરંતુ, જો ભાડૂઆતે સામાન્ય વપરાશ કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું હોય, તો તેની પાસેથી રિપેરિંગનો ખર્ચ વસૂલ કરી શકાય છે. એટલે કે, સમગ્ર નિર્ણય એ બાબત પર નિર્ભર રહેશે કે નુકસાન માત્ર સામાન્ય તૂટ-ફૂટ છે કે પછી ખરેખર ભાડૂઆતની બેદરકારીના કારણે થયું છે.