Loading...

61 તાલુકામાં સૌથી વધુ માંગરોળમાં 4 ઇંચ, દ્વારકામાં હાઈ એલર્ટ:દરિયામાં 11 ફૂટ ઊંચા મોજા ઉછળશે, વેરાવળમાં શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા; સુરતમાં રસ્તાઓ ભૂગર્ભમાં ધસ્યા

ગુજરાતમાં વરસાદને લઈ જૂન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 7.99 ઇંચ ખાબક્યો છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 35 બકરા અને મહિલાઓ તણાયા હતા. જોકે, મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી.

આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ પડ્યો છે. વેરાવળમાં ધોધમાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા છે. બીજી તરફ સુરતના ડીંડોલી વિસ્તારમાં આજેપણ લગભગ 40 મીટર રોડ બેસી ગયો હતો, જેમાં એક ટેન્કર ભૂવામાં ફસાયું.

હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કર્યું છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે. NDEM પોર્ટલ પરથી મળેલા INCOIS અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયામાં 11 ફૂટથી ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી, તોફાની સ્થિતિને જોતાં માછીમારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.