Loading...

મહેસાણામાં ધો-7માં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત:ઘરની પાસે આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી, ચા-નાસ્તો કરી સ્કૂલે જવા નીકળી હતી

મહેસાણામાં સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં આજે(2 જુલાઈ) વહેલી સવારે એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ 7માં અભ્યાસ કરતી ચાર્મી પરમારે અગમ્ય કારણોસર આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક વિદ્યાર્થિની ઘરેથી ચા-નાસ્તો કરી સ્કૂલે જવા નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની છે.

સવારે 7 વાગ્યે મોતની છલાંગ લગાવી આ કરુણ ઘટના આજે વહેલી સવારે આશરે 7 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કિશોરીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.

ધો-7માં ભણતી વિદ્યાર્થિનીએ સુસાઇડ કર્યું: સોસાયટીના પ્રમુખ પંડિત દીનદયાલ નગર એસોસિયેશનના પ્રમુખ કલ્પેશ રાઠોડે જણાવ્યું કે સવારે 7:30ની આજુબાજુ એક દુઃખદ ઘટના બની છે. શિવકૃપા સોસાયટીમાં રહેતી ધોરણ-7માં ભણતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર અહીંયા આવીને સુસાઇડનું પગલું ભર્યું છે. જે અમને જાણ થતા સૌએ પોલીસને જાણ કરી. ત્યારબાદ માતા-પિતાને પણ વાયા-વાયા જાણ થઈ અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે પોલીસ અને 108ની ટીમ દ્વારા જે પ્રોસેસ કરવાની થતી હતી એ કરી છે.

સ્કૂલે જવા નીકળી હતી: PI મહેસાણા એ ડિવિઝન PI એલ.આર.પારઘીએ ભાસ્કરને જણાવ્યું કે મૃતકનું નામ ચાર્મી પરમાર છે. ઉંમર 14 વર્ષ છે. ઘર પાસે આવેલી સિદ્ધાર્થ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આજે ઘરેથી ચા-નાસ્તો કર્યા બાદ શાળાનો સમય 7:30નો છે એટલે સાત વાગતાના ઘરેથી શાળાએ જવા નીકળી હતી. મોતનું કારણ હજુ સામે આવ્યું નથી. પીએમ બાદ વધુ તપાસ કરાશે.

NEETની પરીક્ષાના 3 દિવસ પહેલા વિદ્યાર્થીનો આપઘાત

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં 17 જૂનની મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના B બ્લોકમાં છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિકયુરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી હતી. બનાવમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું હતું. મૃતકે NEETના વિકલ્પ તરીકે ફાર્મસીનું ફોર્મ પણ ભર્યું હતું.

22 જાન્યુઆરી, 2026એ ગાંધીનગરના સેક્ટર-7માં આવેલી જે. એમ. ચૌધરી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને F.Y. B.A.માં અભ્યાસ કરતી 19 વર્ષીય શિવાની આહીરે પોતાના ક્લાસરૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાના 4 મિનિટ અને 38 સેકન્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં યુવતી રૂમમાં પ્રવેશી ત્યારથી લઈને આપઘાત કર્યો ત્યાં સુધીનો આખો ઘટનાક્રમ દેખાતો હતો. વિદ્યાર્થિની સાંજના સમયે ગુમ હતી, જેથી શોધખોળ કરતાં ક્લાસરૂમમાંથી લટકતી હાલતમાં મળી હતી.

વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સરકારની ગાઈડલાઈન

ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક ગાઈડલાઈન બહાર પાડી હતી. આ અંતર્ગત દરેક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ વ્યવસ્થાને મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે.

સરકારના નિર્દેશ અનુસાર હવે કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો એક લાયક કાઉન્સેલર રાખવો પડશે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઉભી કરવી પડશે. પરીક્ષા, અભ્યાસક્રમમાં ફેરફાર અથવા શૈક્ષણિક દબાણના સમયગાળામાં વિદ્યાર્થીઓને સતત, ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું પણ કહેવામાં આવ્યું છે.