નાસીરનગર ડિમોલિશનના વિવાદાસ્પદ DCP નકુમને સરકારનો શિરપાવ:એક તરફ હાઇકોર્ટ ખખડાવતી હતી ને બીજી તરફ IPSના પ્રમોશનનો લેટર છૂટ્યો
સુરતના નાસીરનગર ડિમોલિશનના વિવાદમાં આવેલા ડીસીપી રાજદીપસિંહ નકુમને આઈપીએસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. જો કે હાઇકોર્ટે 25 જૂને ભૂતિયા ડિમોલિશન મામલે પૂછ્યું હતું કે, તમે કેમ હાજર હતા. જેના 7 દિવસમાં જ સરકારે શિરપાવ આપી પ્રમોશન આપ્યું છે. આમ એક બાજુ હાઇકોર્ટ ખખડાવી રહી હતી તો બીજી બાજુ સરકારે તો શિરપાવ જ આપી દીધો. આ ઉપરાંત ભરતકુમાર રાઠોડ, પ્રફુલ વાણીયા, રાજેશકુમાર પરમાર, કલ્પેશ ચાવડા, રાકેશ દેસાઈને પ્રમોશન આપવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ગુજરાત પોલીસ સેવાના છ અધિકારીઓને Select List-2026 હેઠળ ભારતીય પોલીસ સેવા (IPS)માં પ્રમોશન આધારે નિયુક્તિ આપતી સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. આ અધિકારીઓને ગુજરાત કેડરમાં એક વર્ષના પ્રોબેશન પર નિયુક્ત કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી ઇન્ડક્શન ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર તમામ અધિકારીઓ એક વર્ષ સુધી પ્રોબેશન પર રહેશે અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી સહિતના નિર્ધારિત કાર્યક્રમો હેઠળ ઇન્ડક્શન ટ્રેનિંગ પૂર્ણ કરશે.
હાલ ક્યા અધિકારી ક્યાં ફરજ બજાવે છે? 1.રાજદીપસિંહ નકુમ હાલ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી 2.ભરતકુમાર રાઠોડ અમદાવાદ શહેર ડીસીપી ઝોન 2માં ફરજ પર 3.રાકેશ દેસાઈ રાજકોટ શહેર ડીસીપી ઝોન 2માં ફરજ પર 4.કલ્પેશ ચાવડા એસઆરપી ગ્રુપ ગોંડલ ખાતે ફરજ પર
હાઇકોર્ટે 25 જૂને નકુમ મામલે સવાલોની ઝડી વરસાવી હતી નાસીરનગર ડિમોલિશન મામલે હાઇકોર્ટમાં 25 જૂને યોજાયેલી સુનાવણીમાં અરજદારોના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસીર નગરમાં SMC દ્વારા 150થી વધુ મકાનો 30 મેના રોજ તોડી પાડવામાં આવ્યા હતા.
કોર્ટે પૂછ્યું હતું કે, જો ડિમોલિશન SMCએ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા?, તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે?, સુરત શહેર પોલીસ કમિશ્નરને ફરિયાદ અપાઈ તો તે ફરિયાદ લીધી કેમ નહીં?, કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે ઉપસ્થિત હતા?, અરજદારે ડિમોલિશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ કે હોદ્દા કેમ નથી જણાવ્યા?
અરજદારે જણાવ્યું હતું કે, ત્યાં સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ હાજર હતા. કોર્ટે પૂછ્યું હતું એક તેમના સામે અરજીમાં આક્ષેપ ક્યાં છે? આ અરજીમાં ઘણા ખાનગી વ્યક્તિઓને જોડવામાં આવ્યા છે, તેમની સામેના આક્ષેપ ક્યાં છે? કયા આધાર ઉપર કોર્ટ અધિકારીઓને જવાબ આપવા બોલાવે!
સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં પણ SOG અધિકારીઓની વિવાદાસ્પદ ભૂમિકા 30 મેના રોજ સુરત સુરતના નાસીરનગરમાં થયેલા ડિમોલિશનમાં નકુમની વિવાદાસ્પદ ભૂમિકા રહી છે. મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ દરમિયાન સુરત પોલીસની SOG શાખાના DCP રાજદીપસિંહ નકુમ અને PI અતુલ સોનારા ભારે વિવાદમાં આવી ચૂક્યા હતા. તે સમયે કોંગ્રેસ દ્વારા આ બંને ઉચ્ચ અધિકારીઓ સામે સત્તાના દુરુપયોગ અને પક્ષપાતી વલણના અત્યંત ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. મુખ્ય વિવાદ તે સમયે સર્જાયો જ્યારે 15મી એપ્રિલના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ખેંચવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દિવસે કોંગ્રેસના એક ઉમેદવારને પૂરા પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી વિભાગની કચેરીમાં લાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કચેરીની બહાર હાજર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કઈંક શંકાસ્પદ જણાતાં ઉમેદવારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આક્ષેપ છે કે આ સમયે ત્યાં હાજર SOGના PI સોનારા અને અન્ય સ્ટાફ કોઈ પણ સત્તાવાર ઓથોરિટી વગર ત્યાં કોંગ્રેસના ઉમેદવાર સાથે હાજર હતા.
રાજદીપસિંહ નકુમ જનરલ ડાયર છે: સાયકલવાલા થોડા દિવસ પહેલા સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલા આકરા પાણીએ છે. તેમણે કહ્યું કે રાજદીપસિંહ નકુમ જનરલ ડાયર છે, તેમણે ગરીબોને ઘરવિહોણા કર્યા છે. શું રાજદીપસિંહ નકુમે એની સોપારી લીધી હતી? કોન્ટ્રાક્ટ લીધો હતો? માફિયાગીરી કરવાનું કામ લીધું હતું હાથમાં?. મેં આવીને તપાસ કરી તો SOGએ જાહેર કરેલા 7માંથી 4 આરોપી તો અહીંયા ક્યારેય રહેતા જ નહોતા.