બાઈક પર જતું દંપતી ખાડામાં ખાબક્યું, ભયાનક CCTV:રોડ સાથે માથું અથડાતા પતિ ગોથા ખાવા લાગ્યો, જૂનાગઢમાં એક જ દિવસમાં ખાડામાં પાંચ વ્યક્તિ પડ્યાં
જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક ઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાયા અને ખાડા પડ્યા હતા. શહેરના આઝાદ ચોક વિસ્તારમાં બાઈક પર જતું દંપતી ખાડામાં ખાબક્યું હોવાના ભયાનક CCTV સામે આવ્યા છે. જ્યારે ઓઘડનગર વિસ્તારમાં પણ એક જ ખાડામાં અલગ અલગ ત્રણથી ચાર લોકો ખાબક્યા હોવાની ઘટના બની હતી.
વરસાદી પાણીના કારણે ખાડો ન દેખાયો'ને ખાબક્યા શહેરના આઝાદ ચોક વિસ્તારમાંથી તંત્રની બેદરકારીની ગંભીર પોલ ખોલતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વિસ્તારમાં તંત્ર દ્વારા રસ્તો ખોદી નાખ્યા બાદ તેનું વ્યવસ્થિત પેચ વર્ક કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ત્યાં મોટો ખાડો પડી ગયો હતો. વરસાદી પાણી ભરાવાને લીધે આ ખાડો ન દેખાતાં ત્યાંથી પસાર થતો એક બાઈક ચાલક તેમાં ખાબક્યો હતો અને ફસાયો હતો. શહેરમાં ગટર અને રસ્તાના અધૂરા તેમજ અણઘડ કામો સ્થાનિક નાગરિકો માટે મોટી આફત અને સમસ્યાનું ઘર બની ગયા છે, જેને પગલે જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાઈક ચાલકને માથામાં ગંભીર ઈજા બાઈક ચાલક ખાબકવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઈક ચાલક ખાડામાં ખાબક્યા બાદ તેને માથામાંથી લોહી નીકળી રહ્યું છે. આ સમયે તે લથડિતા ખાતો પણ જોવા મળ્યો. બાઈક સાથે રહેલી મહિલાએ બાઈક ચાલકને સંભાળ્યો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ સવાલ એ ઊભો થાય છે કે ઊંઘમાં રહેલું આ વહીવટી તંત્ર આખરે ક્યારે જાગશે અને શું તે કોઈ નિર્દોષ નાગરિકના મોતની રાહ જોઈ રહ્યું છે.
ઓઘડનગરમાં ખાડામાં પણ ત્રણથી ચાર લોકો ખાબક્યા આવી જ સમાન પરિસ્થિતિ શહેરના ઓઘડનગર વિસ્તારમાં પણ જોવા મળી હતી, જ્યાં ખરાબ રસ્તાના કારણે ગઈકાલે 1 જુલાઈએ એક જ જગ્યા પર ત્રણથી ચાર લોકો ખાડામાં ખાબક્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. એક ભાઈ રસ્તો ક્રોસ કરતા સમયે અચાનક પાણી ભરેલા ખાડામાં ખાબકે છે. એ બાદ ત્યાંથી પસાર થતા અન્ય એક મહિલા પણ ખાડાના કારણે જમીન પર પટકાતા જોવા મળે છે. એ જ રીતે ત્યાંથી પોતાના મોપેડ સાથે ચાલીને જતા વ્યક્તિ પર એ જ ખાડામાં ખાબકે છે. આ તમામ ઘટનામાં રાહતની વાત એ છે કે કોઈને મોટી ઈજા પહોંચી નથી.
જોષીપરા ગરનાળામાં કાર ફસાતા રેસ્ક્યુ કરાયુ આ ઉપરાંત, જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલા જોષીપરા ગરનાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોઠણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આ ભરાયેલા પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે એક મોટરકાર અચાનક ફસાઈ ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને કારને સુરક્ષિત બહાર કાઢી હતી, જેના કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.
રસ્તાઓની દુર્દશાના કારણે નાગરિકોના જીવને જોખમ પ્રથમ વરસાદમાં જ સર્જાયેલી આ પૂર જેવી સ્થિતિ અને અકસ્માતોની વણઝારે સાબિત કરી દીધું છે કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ મજબૂત છે, જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. ડ્રેનેજની નબળી વ્યવસ્થા અને રસ્તાઓની દુર્દશાના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પણ તંત્ર જાગશે કે પછી આવી જ રીતે નિર્દોષ જનતા આવી ઘટનાનો ભોગ બનતી રહેશે.