Loading...

'યુઝરનેમ' વૈકલ્પિક, કોઈ તમને સર્ચ નહીં કરી શકે: નવા ફીચર પર અસમંજસ બાદ WhatsAppનો જવાબ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) ટૂંક સમયમાં જ એક નવું 'યુઝરનેમ' (Username) ફીચર લાવવા જઈ રહ્યું છે. આ ફીચરને લઈને યુઝર્સ મૂંઝવણમાં ન મુકાય તે માટે કંપનીએ એક FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો) જાહેર કરીને બધી સ્પષ્ટતાઓ કરી છે. જોકે, સુરક્ષાના કારણોસર ભારત સરકારે હાલમાં આ ફીચરના લોન્ચિંગ પર સંપૂર્ણ રોક લગાવી દીધી છે.

યુઝરનેમ ફીચર ફરજિયાત નથી, વૈકલ્પિક રહેશે

વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે એપ પર યુઝરનેમ સેટ કરવું દરેક માટે ફરજિયાત નથી, પરંતુ તે તદ્દન વૈકલ્પિક (Optional) રહેશે. આ ફીચર પાછળનો મુખ્ય હેતુ યુઝર્સની પ્રાઇવસી વધારવાનો છે, જેથી કોઈને પોતાનો પર્સનલ ફોન નંબર આપ્યા વિના પણ માત્ર યુઝરનેમ દ્વારા ચેટ કરી શકાય.

પ્રાઇવસી અને સુરક્ષા માટે કડક નિયમો

યુઝર્સની પ્રાઇવસી અંગે સ્પષ્ટતા કરતા વોટ્સએપે જણાવ્યું છે કે, એપ પર કોઈ અજાણી વ્યક્તિનો ફોન નંબર સર્ચ નથી કરી શકાતો, તેવી જ રીતે કોઈનું યુઝરનેમ પણ સર્ચ કરી શકાશે નહીં. આ ઉપરાંત, અજાણ્યા નંબરો પરથી આવતા મેસેજ માટે યુઝર્સને એડવાન્સ ચેતવણી મળશે. તેમ છતાં જો કોઈ હેરાન કરે, તો અનિચ્છનીય મેસેજ રોકવા માટે બ્લોક અને રિપોર્ટ જેવા તમામ સુરક્ષા ફીચર્સ પહેલાની જેમ જ ચાલુ રહેશે.

ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક યુઝર્સ માટે નામ રહેશે 'રિઝર્વ'

જો તમારું કોઈ યુઝરનેમ પહેલેથી જ ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક પર હોય, તો વોટ્સએપ પર પણ એ જ નામ આપોઆપ તમારા માટે સાચવી રાખવામાં આવશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે સેલિબ્રિટી કે જાણીતી હસ્તીઓના નામ બીજા કોઈ ફેક એકાઉન્ટવાળા ચોરી નહીં શકે, માત્ર અસલી એકાઉન્ટવાળા જ પોતાના નામનું યુઝરનેમ રાખી શકશે.

ભારત સરકારે કેમ લગાવી રોક?

આ ફીચર આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થવાનું છે, પરંતુ ભારત સરકારે આ સુરક્ષા ફીચરના રોલ-આઉટ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. સરકારે વોટ્સએપને આ ફીચર અંગે આગામી 3 દિવસમાં સંપૂર્ણ માહિતી આપવા નિર્દેશ કર્યો છે. જ્યાં સુધી સરકાર સાથે આ અંગેની વાતચીત પૂરી ન થાય, ત્યાં સુધી વોટ્સએપ ભારતમાં આ ફીચર લોન્ચ કરી શકશે નહીં.